Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

રાજકોટમાં ૪ તણાયાઃ નવ વર્ષના વિજયનું મોતઃ અજાણ્યા યુવાનની ગટરમાંથી લાશ મળીઃ મોચી બજાર અને મોટા મવામાં બે યુવાન વોંકળામાં તણાયા-શોધખોળ

આઠ કલાકમાં ૮ ઇંચ વરસાદથી અનેક વિસ્તારોમાં જનજીવનને અસરઃ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો સતત લોકોની મદદે દોડતી રહીઃ માલધારી સોસાયટીમાંથી સાંજે પાંચ વાગ્યે તણાયેલા દેવીપૂજક બાળક વિજયની ૨૦ મિનિટ બાદ વોંકળામાંથી લાશ મળીઃ કુવાડવા પાસેથી અજાણ્યા ૩૦ વર્ષના યુવાનની ગટરમાંથી લાશ મળીઃ મોચીબજાર શ્રધ્ધાનંદ વાલ્મિકવાસમાં વોંકળા કાંઠે ઉભી પાણીનું વ્હેણ જોઇ રહેલો ત્રણ બહેનનો એકનો એક ભાઇ સતિષ પઢીયાર (ઉ.૨૫) તણાયોઃ મોટા મવામાં તણાયેલા શૈલેષ મકવાણા નામના યુવાનની પણ શોધખોળ

મોચીબજાર શ્રધ્ધાનંદ વાલ્મિકી વાસમાંથી ગઇકાલે વોંકળામાં તણાયેલા વાલ્મિકી યુવાન સતિષ મનુભાઇ પઢીયારનો આજે પણ પત્તો ન મળતાં સ્વજનો ચિંંતામાં ગરક થયા છે. પ્રથમ તસ્વીરમાં કેસરી પુલ નીચે આજી નદીમાં સતિષની શોધખોળ થઇ રહી છે તેની છે, પુલ ઉપર કાર્યવાહી જોવા ઉભેલા લોકો અને ઇન્સેટમાં સતિષનો ફાઇલ ફોટો જોઇ શકાય છે. નીચેની તસ્વીર મોટા મવામાં વોંકળામાં તણાયેલા યુવાન શૈલેષને શોધવા થઇ રહેલી કાર્યવાહીની છે. સોૈથી છેલ્લે કુવાડવા પાસે ગટરમાં તણાતા મોતને ભેટેલા અજાણ્યા યુવાનના મૃતદેહની છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩: ગઇકાલે બપોર બાદ શરૂ થયેલો ધોધમાર વરસાદ સાંજ સુધી વરસતો રહ્યો હતો. આઠ કલાકમાં આઠ ઇંચ પાણી વરસી જતાં શહેરમાં ઠેકઠેકાણે પાણી ભરાયા હતાં અને અનેક વિસ્તારોમાં તળાવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ભારે વરસાદ વચ્ચે લોકો તણાઇ જવાની ઘટનાઓમાં માલધારી સોસાયટીમાં રહેતાં ૯ વર્ષના દેવીપૂજક બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે કુવાડવા નજીક ગટરમાં તણાઇ જતાં અજાણ્યા યુવાનનું મોત થયું છે. આ ઉપરાંત ગઇકાલે મોચી બજાર શ્રધ્ધાનંદ વાલ્મિકી વાસમાં વોંકળામાં એક યુવાન તથા મોટા મવામાં પણ વોંકળામાં એક યુવાન તણાયો હતો. આ બંનેની આજે સવારે પણ ફાયર બ્રિગેડની ટીમો અને સ્વજનો દ્વારા શોધખોળ થઇ રહી છે.

માલધારીમાં ૯ વર્ષનો વિજય તણાયો, ૨૦ મિનિટે બેભાન મળ્યા બાદ મોત

જુના માર્કેટ યાર્ડ પાસે માલધારી સોસાયટી-૨માં રહેતો વિજય પ્રમોદભાઇ મકવાણા (ઉ.૯) નામનો દેવીપૂજબ બાળક સાંજે પાંચેક વાગ્યે ભારે વરસાદમાં ન્હાવા માટે ઘરમાંથી નીકળ્યો હતો અને બીજા છોકરાઓ સાથે શાળા નં. ૬૮ પાસે રમતો હતો. એ દરમિયાન રમતાં રમતાં વોંકળામાં પાણી જોવા જતાં ભારે વ્હેણમાં તણાઇ જતાં દોડધામ મચી ગઇ હતી. ફાયર બ્રિગેડને જાણ થતાં તરવૈયા પહોંચ્યા હતાં અને તપાસ શરૂ કરી હતી. વીસેક મિનીટ બાદ આ બાળકની મૃતદેહ નજીકના લાલપરી તળાવમાંથી તે બેભાન મળતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

બનાવની જાણ થતાં બી-ડિવીઝનના એએસઆઇ કે.આર. ચોટલીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો. પિતા પ્રમોદભાઇ પેથાભાઇ બકાલુ વેંચી ગુજરાન ચલાવે છે. વિજય ઘર સામે જ આવેલી પરમહંસ શાળામાં ધો-૩માં ભણતો હતો. લાડકવાયાના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

ગટરમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી

કુવાડવા નજીક ક્રિષ્ના પાર્ક  સામે રોડ સામે ગટર ખોદવાનું કામ ચાલુ હોઇ તેમાં સાંજે વરસાદનું પાણી ભરાયું હતું. આ ગટરમાં એક યુવાન ડુબી જતાં મોતને ભેટ્યાની જાણ ૧૦૮ના ઇએમટી ધીરૂભાઇ આહિર મારફત થતાં કુવાડવાના પીએસઆઇ આર. કે. રાઠોડે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને રાજકોટ ખસેડ્યો હતો. અહિ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું છે.

મૃતકની ઉમર આશરે ૩૦-૩૨ વર્ષની છે. તે રખડતું જીવન જીવતો હોવાનું પહેરવેશ પરથી પોલીસનું પ્રાથમિક તારણ છે. કોઇપણ કારણોસર ગટરમાં ડૂબી ગયાની શકયતા છે. મૃતકની ઓળખ મેળવવા પોલીસે તપાસ કરી રહી છે. કોઇને માહિતી હોય તો કુવાડવા રોડ પોલીસનો ફોન ૦૨૮૧ ૨૭૦૪૦૫૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

મોચી બજારના વોંકળામાં  વાલ્મિકી યુવાન લાપતા

મોચી બજાર શ્રધ્ધાનંદ વાલ્મિકીવાસમાં  રહેતો સતિષ મનુભાઇ પઢીયાર (ઉ.૨૫) નામનો વાલ્મિકી યુવાન ગઇકાલે બપોર બાદ ઘર નજીક વોંકળા કાંઠે બીજા યુવાનો સાથે ઉભો રહી પાણીનું વ્હેણ જોઇ રહ્યો હતો ત્યારે અચાનક વોંકળામાં પડી જતાં તણાઇ ગયો હતો. આ યુવાનની મોડી સાંજ સુધી ફાયર બ્રિગેડની ટીમોએ શોધખોળ કરી હતી. પણ પત્તો મળ્યો નહોતો. આજે સવારે ફરીથી ફાયર બ્રિગેડની ટીમોએ નરસંગપરા, કેસરી પુલ નીચે સહિતના ભાગોમાં સતિષની શોધખોળ શરૂ કરી હતી.

તણાયેલો સતિષ વિધવા માતા વિજુબેનનો એકનો એક આધારસ્તંભ દિકરો  અને ત્રણ બહેનનો એક જ નાનો ભાઇ છે.  વિસ્તારના રહેવાસી પ્રવિણભાઇ સોઢાના કહેવા મુજબ અમારા વિસ્તારમાં વોંકળા કાંઠે દિવાલ બનાવવાની અમારી વર્ષો જુની માંગણી છે. પરંતુ આ માંગણી પરત્વે ધ્યાન ન અપાતાં આ દુર્ઘટના બની છે. દર વર્ષે ચોમાસામાં આ વોંકળાને કારણે નજીકમાં રહેતાં રહેવાસીઓ પર જોખમ રહે છે.

મોટા મવામાં યુવાન તણાયો

મોટા મવામાં રૂષી રેસિડેન્સીમાં રહેતો શૈલેષ વાઘજીભાઇ મકવાણા નામનો યુવાન     સાંજે મોટા મવા સ્મશાનની પાછળ વોંકળામાં તણાઇ જતાં ફાયર બ્રિગેડની ટીમોએ રાત્રે દોઢ વાગ્યા સુધી શોધખોળ શરૂ કરી હતી. જો કે મોડી રાત સુધી પત્તો મળ્યો નહોતો. આજે સવારે ફરીથી ફાયર બ્રિગેડની ટૂકડીઓએ વોંકળામાં શૈલેષની શોધખોળ શરૂ કરી છે.

શ્રધ્ધાનંદ વાલ્મિકીવાસમાં દિવાલ બનાવવાની વર્ષો જુની માંગણીનો ઉકેલ ન આવતાં લોકોમાં રોષ

. મોચીબજાર શ્રધ્ધાનંદ વાલ્મિકી વાસમાં રહેતો વાલ્મિકી યુવાન ગઇકાલે ભારે વરસાદમાં ઘર નજીક વોંકળામાં તણાઇ ગયો હતો. આજ સવાર સુધી તેનો પત્તો ન મળતાં શોધખોળ યથાવત રખાઇ છે. વિસ્તારના રહેવાસી પ્રવિણભાઇ સોઢાએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં વોંકળા કાંઠે દિવાલ બનાવવા અમે વર્ષોથી રજૂઆતો કરી છે. પણ દિવાલ ન બનતાં દર વર્ષે ચોમાસામાં અમારે સતત ભય વચ્ચે રહેવું પડે છે. તંત્ર હવે જાગે તે જરૂરી છે.

(11:44 am IST)