Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

લાઇટ કેમ જતી રહે છે? કહી કુવાડવામાં ડોકટરના દિકરા અને કાઠી શખ્સની પીજીવીસીએલ કચેરીમાં ધમાલઃ તોડફોડ

હિતેષ ઉર્ફ ધર્મેશ ઉર્ફ ડોકટર સોલંકીની ધરપકડઃ સાથેનો મુળ થાનનો રાજુ ઉર્ફ કનુ કાઠી સકંજામાં: હત્યાની કોશિષ, ખંડણીના ગુનામાં સંડોવણીઃ પેરોલ જમ્પ પણ કરી'તીઃ છરીથી ટેબલનો કાચ ફોડી ઇજનેરને ખૂનની ધમકી દીધી

રાજકોટ તા. ૩: કુવાડવામાં ગઇકાલે સાંજે વરસતા વરસાદમાં કુવાડવામાં જ રહેતાં ડોકટરના પુત્ર કોળી શખ્સે અને રીઢા ગુનેગારની છાપ ધરાવતાં મુળ થાનના કાઠી શખ્સે પીજીવીસીએલ કચેરીમાં જઇ 'ગામમાં લાઇટ કેમ જતી રહે છે?' કહી ધમાલ મચાવી પીજીવીસીએલના નાયબ ઇજનેરને ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપી તેમજ છરીથી ઓફિસના ટેબલના કાચમાં તોડફોડ કરતાં પોલીસે ગુનો દાખલ કરી બંનેને કાયદાનું ભાન કરાવ્યું છે.

બનાવ અંગે પોલીસે કાલાવડ રોડ કોટેચા ચોક સોૈરાષ્ટ્ર હાઇસ્કૂલ પાછળ ટાગોરનગર-૩માં રહેતાં અને કુવાડવા પીજીવીસીએલ સબ ડિવીઝનમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતાં આલાપ નૈષધભાઇ વોરા (ઉ.૩૩)ની ફરિયાદ પરથી કુવાડવા ગામમાં રહેતાં હિતેષ ઉર્ફ ધર્મેશ ઉર્ફ ડોકટર રજનીકાંત સોલંકી (કોળી) તથા મુળ થાનના રાજુ ઉર્ફ કનુ કાઠી સામે આઇપીસી ૫૦૪, ૫૦૬ (૨), ૧૮૬, ૧૧૪, ૧૩૫, ધી પ્રિવેન્શન ઓફ ડેમેજીસ ઓફ પબ્લિક પ્રોપર્ટી એકટ ૧૯૪૮ની કલમ ૩ (એ) મુજબ ગુનો નોંધ્યો છે.

નાયબ ઇજનેર આલાપ વોરા સાંજે સવા પાંચેક વાગ્યે કુવાડવા ગામની પીજીવીસીએલ કચેરીએ હતાં ત્યારે ત્યારે હિતેષ ઉર્ફ ડોકટર અને રાજુ ઉર્ફ કનુ કાઠી આવ્યા હતાં અને ગાળાગાળી કરી ગામમાં ઘડીએ-ઘડીએ લાઇટ કેમ જતી રહે છે? કહી ફરજમાં રૂકાવટ કરી મારી નાંખવાની ધમકી આપી ઓફિસનો ટેબલનો કાચ છરીથી ફોડી નાંખી રૂ. ૧ હજારનું નુકસાન કર્યુ હતું. કુવાડવાના પી.એસ.આઇ. આર. પી. મેઘવાળએ ગુનો નોંધી બંનેને સકંજામાં લીધા છે. જે પૈકી રાજુ ઉર્ફ કનુ કાઠી વિરૂધ્ધ અગાઉ ખંડણી, ૩૦૭, મારામારીના ગુના નોંધાયા છે અને પેરોલ જમ્પ પણ કરી ચુકયો છે. હિતેષ સોલંકીના પિતા રજનીકાંત સોલંકી ડોકટર હતાં. એ કારણે હિતેષ પણ ડોકટરના નામે ઓળખાય છે. પોલીસે બંનેને કાયદાનું ભાન કરાવવા કાર્યવાહી કરી હતી.

(11:38 am IST)