Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

તાલુકા પંચાયતમાં ધમાલ સાથે ભાજપની કમાલઃ મંજુલાબેન બિનહરીફ

કારોબારીના અધ્યક્ષપદ માટે ચૂંટણી પ્રક્રિયા ચાલુ થઇ ત્યાં સુધી હો-હા ખેંચાખેંચી-તનાવઃ આખરે સવા-સવા વર્ષની ઉભડક સમજુતી

તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષની ચૂંટણીના ઉપરોકત દ્રશ્યો છે. ચેતન પાણ અને હરદેવસિંહ જાડેજા વચ્ચે ખેંચતાણ થતા થોડીવાર વાતાવરણ ઉગ્ર થઇ ગયેલ. અંતે નિર્મળભાઇ કુહાડિયા, ગોતમભાઇ કાનગડ વગેરેની મધ્યસ્થી થી મામલો થાળે પડયો હતો. ભારે ધમાલ બાદ મંજુલાબેન જળુ બિનહરીફ ચૂંટાતા બન્ને જુથે ભેગા ફોટો પડાવી પાર્ટીની (કહેવાતી) એકતા બતાવી હતી. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા., ૩: તાલુકા પંચાયતની કારોબારી સમીતીના અધ્યક્ષપદ માટે છેલ્લી ક્ષણ સુધી ખેંચતાણ ચાલ્યા બાદ આખરે મૌખીક સમજુતીના આધારે ભાજપના મંજુલાબેન જળુ બિનહરીફ ચુંટાયેલ જયારે ચેતન પાણે પોતાનો દાવો જતો કર્યો હતો.  બિનહરીફ ચુંટણી પહેલા ચુંટણી માટેના સભાખંડમાં જ ધમાલ થતા ચુંટણી કરાવવામાં તાલુકા વિકાસ અધિકારી શ્રી જાડેજાની કસોટી થઇ ગઇ હતી.

કારોબારીના ૯ સભ્યો પૈકી બંન્ને તરફી ૪-૪ સભ્યો હતા. ૯ માં સભ્ય નિર્મળભાઇ કુહાડીયાને બંન્ને જુથ પોતાના તરફી ગણતા હતા. છેલ્લા કેટલાક દિવસથી બંન્ને જુથોએ પોતાના સભ્યોને સલામત સ્થળે ખસેડેલ. આજે સીધા ચુંટણીના સભાખંડમાં લાવવામાં આવેલ. બહાર બંન્ને જુથના ટોળાની હાજરીના કારણે તંગદીલી જેવી સ્થિતિ સર્જાયેલ. ચુંટણી પ્રક્રિયા શરૂ થતા ચેતન પાણ અને હરદેવસિંહ જાડેજા વચ્ચે માથાકુટ શરૂ થયેલ.  પાર્ટીનો મેન્ડેડ હરદેવસિંહ જુથના મંજુલાબેન તરફી હતો. બંન્ને જુથ બહુમતીના દાવા કરતા હતા. જો ચુંટણી થાય તો ચુંટણીના પરીણામ કરતા ત્યાર પછીનું પરીણામ ખતરનાક આવવાની દહેશત સર્જાતા નિર્મળભાઇ તેમજ ગૌતમ કાનગડ જેવા આગેવાનોએ મધ્યસ્થી કરી પોલીસની હાજરીમાં જ સમજુતી કરાવેલ. જેમાં પ્રથમ સવા  વર્ષ મંજુલાબેન અને ત્યાર પછીના સવા વર્ષ ચેતન પાણ અધ્યક્ષ બને તેવું નક્કી થયેલ. ચેતન પાણે ગૌતમ કાનગડને મધ્યસ્થી તરીકે રાખી એવું જણાવેલ કે જો-જો ભરોસાની ભેંસ પાડો ન જણે. આ તકે હરદવસિંહે પણ પોતાના પર વિશ્વાસ રાખવા જણાવ્યું હતું. અંતે ધમાલ વચ્ચે પાણ જુથે મંજુલાબેનનું નામ સ્વીકારી દરખાસ્ત કરેલ અને ગણતરીની મીનીટોમાં તેઓ બીનહરીફ ચુંટાઇ આવ્યા હતા.

તાલુકા પંચાયતમાં કારોબારી અધ્યક્ષની ચુંટણી સામાન્ય રીતે શાંતિપુર્ણ થઇ જતી હોય છે. પરંતુ આ વખતે ભાજપના જ બે જુથો સામ-સામા આવી જતા છેલ્લી ઘડી સુધી વરવા દ્રશ્યો સર્જાયા હતા. આખરે ચુંટણી પ્રક્રિયા શરૂ થયા પછી મૌખીક સમજુતી થતા બંન્નેએ પાર્ટીની એકતાના અને પાર્ટીના હિતના દાવા કર્યા હતા. ચેતન પાણે મન મોટુ રાખતા હરદેવસિંહનો હાથ ઉપર રહયો હતો તેમ ભાજપના વર્તુળો જણાવે છે.

પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ ત્રણેય મહિલા

રાજકોટ, તા., ૩: તાલુકા પંચાયતમાં થોડા દિવસ પહેલા પ્રમુખ તરીકે કિશોરીબા જાડેજા અને ઉપપ્રમુખ તરીકે પ્રભાબેન પીપળીયા ચુંટાયા હતા. આજે કારોબારી અધ્યક્ષ તરીકે મંજુલાબેન મેરામભાઇ જળુ ચુંટાઇ આવ્યા છે. પંચાયતના ત્રણેય મુખ્ય પદાધિકારીઓ મહિલા હોય તેવી રાજકોટ જીલ્લામાં અને કદાચ સૌરાષ્ટ્રમાં એક માત્ર રાજકોટ તાલુકા પંચાયત છે.

કોંગ્રેસનું હરદેવસિંહ જાડેજા જુથ ભાજપમાં જોડાયા બાદ તાલુકા પંચાયત સતાવાર રીતે સમરસ થઇ ગઇ છે. પંચાયતના પ્રમુખ એકજુથના તથા કારોબારી અધ્યક્ષ અને ઉપપ્રમુખ બીજા જુથના ગણાય છે.

તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન  પદ માટે ભાજપના બે જુથો ટકરાયાઃ મોડી રાત્રે બઘડાટી

રાજકોટ, તા., ૩ :  રાજકોટ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનની ચૂંટણી આજે બપોરે ૧ર વાગ્યે યોજાયેલ તે પૂર્વે ભાજપના જ બે જુથો વચ્ચે ખરાખરીની લડાઇ જામી હતી. એક જુથ ચેતન પાણને કારોબારી ચેરમેન બનાવવા માંગેતું હતું. બીજી તરફ બીજા જુથે મંજુલાબેન જળુનું નામ મુકયુ હતું. બન્ને તરફ સભ્યોની ભારે ખેંચતાણ થઇ હતી.

હરદેવસિંહ જાડેજા જુથના સભ્યોને ગઇકાલે રાત્રે પ્રવાસમાંથી લાવી કુંવાડવા પાસેના ખોરાણા ગામમાં રાખવામાં આવેલ ત્યાં ચેતન પાણ તરફી જુથ ધસી ગયું હતું. સભ્યોની ખેંચતાણમાં બન્ને જુથ સામસામે આવી જતા વાતાવરણ એકદમ ઉગ્ર થઇ ગયેલ પરંતુ આખરે મામલો થાળે પડતા સૌ વિખેરાયા હતા.

જિલ્લા ભાજપના આશીર્વાદવાળા જુથનું કહેવુ છે કે પક્ષનો મેન્ડેટ મંજુલાબેન જળુની તરફે હતો તે અમે ચૂંટણી સમયે વિધિવત પ્રસ્તુત કરેલ. ગઇકાલે આ જુથના બહુમતી પાંચ સભ્યોને ખોરાણા રાખવામાં આવેલ ત્યાં સામેના જુથના કાર્યકરો ધારાસભ્ય અને કોર્પોરેટર કક્ષાના આગેવાનોને લઇને ધસી આવેલ અને એક સભ્યને લઇ જવા હુમલાનો પ્રયાસ કર્યો હતો. વાત ઝપાઝપી સુધી પહોંચ્યા બાદ અટકી હતી. પાંચેય સભ્યો આજેય અકબંધ છે.

બીજી તરફ ચેતન પાણ તરફી જૂથનું કહેવુ છે કે અમારી પાસે પ સભ્યોની બહુમતી (કુલ ૯ સભ્યો) હતી છતાં સામેવાળાએ અમારા જૂથના એક સભ્ય પર સામાજિક સબંધોના દાવે દબાણ કરાવી ખેડવેલ. અમારા કેટલાક કાર્યકરો ખોરાણા સમજાવવા ગયેલ. તે વખતે ઉગ્ર બોલાચાલી થઇ હતી પરંતુ હૂમલાના પ્રયાસની વાતમાં તથ્ય નથી.

જો કે આજે બપોરે કારોબારી અધ્યક્ષ બિનહરીફ ચુંટાઇ ગયા બાદ બન્ને જુથે ગઇકાલ રાતની ઘટનામાં સંકળાયેલા પાત્રોને સાથે બેસાડી કડવાશ દુર કરાવવાનું નક્કી કર્યુ હતું.

ભાજપના બે જુથ એકબીજાના 'લુગડા' ખેચતા રહ્યાઃ નેતાગીરીએ આંખે (પારદર્શક) પાટા બાંધી લીધા

જિલ્લા પંચાયતમાં જેવુ કર્યુ એવુ તાલુકા પંચાયતમાં પામ્યા

રાજકોટ : તાલુકા પંચાયતમાં ભાજપના બે જૂથો વચ્ચે ભારે તનાવ વચ્ચે સભાખંડમાં સરાજાહેર ખેંચતાણ થયા બાદ આખરે ઘીના ડામમાં ઘી પડયુ છે. બે જૂથો વચ્ચેની લડાઇના કારણે પરિસ્થિતિ વણસી રહી છે તે જિલ્લાના બન્ને જૂથના મુખ્ય અગ્રણીઓ જાણતા હોવા છતાં સાથે બેસાડવા પ્રયાસ  થયેલ નહિ. પ્રદેશવાળા જેમ જિલ્લામાં આંતરિક લડાઇ ચાલવા દયે છે. તેમ જિલ્લા વાળાએ તાલુકામાં લડાઇ ચાલવા દીધી તેથી છેલ્લી ઘડી સુધી તનાવ રહ્યો અને સભાખંડમાં વરવા દ્રશ્યો સર્જાયા. કોઇએ સાથે ન બેસાડતા બન્ને જુથે ઉભા ઉભા જ સમજૂતી કરી લીધી હતી. જવાબદાર મોટા નેતાઓએ તટસ્થ ભૂમિકા કરી હોત તો પાર્ટીની અને ચૂંટણીની ગરીમા જાળવી શકયા હોત...!

(4:00 pm IST)