Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

આગમ દિવાકર પૂજય ગુરૂદેવશ્રી જનકમુનિ મ.સા.ની જન્મતિથિ ગુણગુંજન કરીને ઉજવાઈ

રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા. પાવન સાંનિધ્યે :શાસનસેવાને કર્તવ્ય માનીને બજાવી જનારા સંતો હજારો વર્ષો સુધી ભુલાતા નથીઃ સંતત્વને જાણવા-ઓળખવામાં નહીં પણ સ્વીકારવામાં સંપૂર્ણતાની પ્રાપ્તિ થતી હોય છેઃ રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.

રાજકોટ,તા.૩: હજારો ભાવિકોના શ્રધ્ધાપાત્ર એવા ગોંડલ સંપ્રદાયના આગમ દિવાકર પૂજયશ્રી જનકમુનિ મહારાજ સાહેબની ૮૭ મી જન્મજયંતિના અવસરે રાજકોટના શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન સંઘ- સી.એમ.પૌષધશાળા, ઓમાનવાળા ઉપાશ્રયમા ચાતુર્માસ બિરાજમાન રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે એમના ગુણોના ગુંજન ગાન કરીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ગુજરાત રત્ન પૂજયશ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ, રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ ૬ સંતો તેમજ વિશાળ સંખ્યામાં સાધ્વીવૃંદની ઉપસ્થિતિમાં આ અવસરે રાષ્ટ્રસંત પૂજયશ્રી એ આગમદિવાકર ગુરૂદેવશ્રીને એક વિરાટ જહાજ સમાન સંત તરીકે ઓળખાવીને એમના ગુણગાન કરતાં કહ્યું હતું કે સંતો અનેક હોય છે પરંતુ કેટલાક સંતો નાવ જેવા હોય છે જે પોતાની સાથે માત્ર બે- પાંચ આત્માઓને સામે કિનારે પહોંચાડતા હોય છે, પરંતુ કેટલાક સંતો વિશાળ જહાજ જેવા હોયછે જે સ્વયંની સાથે હજારો હજારો આત્માઓને તારી જતાં હોય છે. એવા જહાજ જેવા સંતો જે શાસનસેવાને સ્વયંનુ એક નૈતિક કર્તવ્ય સમજીને બજાવી જતાં હોય છે. એમની વિદાયને વર્ષો વીતી ગયાં પછી પણ લોકો યાદ કરતાં રહેતા હોય છે. વધુમાં સંત તત્વ પ્રત્યેના શ્રધ્ધાભાવના વિષયમાં સમજાવતા રાષ્ટ્રસંત પૂજયશ્રીએ કહ્યું હતું કે સંત તત્વને જાણવા કે ઓળખવાના પ્રયત્ન કરવાથી અધુરપની પ્રાપ્તિ થતી હોય છે પરંતુ સંત તત્વ પ્રત્યે અર્પણતા અને સ્વીકારભાવ રાખવાથી સંપૂર્ણની પ્રાપ્તિ થઈ જતી હોય છે.

આ અવસરે પૂજય આગમ દિવાકર ગુરૂદેવશ્રીના ગુણોને સ્મૃતિપટ પર લાવીને પૂજયશ્રી સન્મતિબાઈ મહાસતીજીના શિષ્યા પૂજયશ્રી સુનિતાબાઈ મહાસતીજી એ પૂજયશ્રી આગમ દિવાકરને માત્ર ગોંડલ સંપ્રદાયના કે માત્ર પ્રાણ પરિવારના સંત નહીં પરંતુ સમગ્ર વિશ્વના સંત તરીકે ઓળખાવીને ઉપસ્થિત ભાવિકોને એમના જીવનના મહાન સિધ્ધાંતોથી પરિચિત કરાવ્યા હતાં . ઉપરાંતમા અખંડ સેવાભાવી પૂજય શ્રી ભદ્રાબાઈ મહાસતીજીના શિષ્યા પૂજયશ્રી અજિતાબાઈ મહાસતીજીએ આ અવસરે પૂજયશ્રી આગમ દિવાકરને અગાથ જ્ઞાનના ભંડાર તરીકે ઓળખાવીને કહ્યું હતું કે જન જનના હૃદય સુધી પહોંચેલા પૂજયશ્રી આગમ દિવાકરનો જન્મ સમગ્ર વિશ્વ માટે થયો હતો.

શ્રી રાજકોટ રોયલપાર્ક સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખશ્રી ચંદ્રકાન્તભાઈ શેઠે ભૂતકાળની પૂજય આગમ દિવાકર ગુરૂદેવશ્રી સાથેની પ્રેરણાત્મક સ્મૃતિઓને વાગોળીને એમને ગુણાંજલિ અર્પણ કરી હતી.અંતે પૂજય આગમ દિવાકર ગુરૂદેવશ્રીએ કરેલા અજવાળા યુગો યુગો સુધી પ્રસરતાં અને પથરાતાં રહે એવા રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રીના મંગલ ભાવો સાથે સભાનું સમાપન થયું હતું.

રવિવારે, તા.૫ સવારે ૯.૩૦ કલાકે શ્રી ઉવસ્સગ્ગહર સ્તોત્ર જાપ એવમ્ યુવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.(૩૦.૪)

 

(3:47 pm IST)