Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

સ્ટેન્ડીંગ કમિટિની સટાસટી...

મેરેથોનમાં ભ્રષ્ટાચારના ૩II લાખનો ખર્ચ નામંજૂર

મોબાઇલ ટાવરનો વેરો ઘટાડવાથી ૪II કરોડનું નુકસાન થતું હોઇ દરખાસ્ત નામંજૂર : વીનાઇલ સ્ટીકરના શંકાસ્પદ ખર્ચ પણ નામંજૂર : રસ્તા - ગટર - પાણી સહિતની સુવિધાના કુલ ૬.૩૪ કરોડના વિકાસકામોને લીલીઝંડી આપતા ચેરમેન ઉદય કાનગડ

રાજકોટ તા. ૩ : મ્યુ. કોર્પોરેશનમાં આજે સવારે મળેલી સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં મેરેથોન દોડમાં ભ્રષ્ટાચારની શંકાવાળા ત્રણ લાખના ખર્ચાઓને નામંજુર કર્યા છે. ઉપરાંત મોબાઇલ ટાવરનો વેરો ઘટાડવાનું પણ નામંજુર કરતા ખળભળાટ મચી ગયો છે.

આ અંગે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદયભાઇ કાનગડે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, અગાઉની સ્ટેન્ડીંગ કમિટિમાં પેન્ડીંગ રખાયેલ મેરેથોન દોડના ખર્ચની દરખાસ્તમાં સેફટી પીન ખરીદીનો રૂ. ૨.૬૫ લાખના ખર્ચમાં અને વાહન ભાડાનો ૯૦ હજારના ખર્ચમાં ભ્રષ્ટાચારની શંકા હોઇ આ બંને ખર્ચા નામંજૂર કરાયા હતા.

તેવી જ રીતે પ્રદ્યુમન પ્રાણી સંગ્રહાલયની પ્રસિધ્ધિ માટેના વીનાઇલ સ્ટીકરનો ૧.૪૩ લાખનો ખર્ચ પણ શંકાસ્પદ હોઇ આ ખર્ચ પણ નામંજૂર કરાયો હતો. જ્યારે મેરેથોન દોડનો બાકીનો ૯૫ હજારનો ખર્ચ મંજુર કરાયો હતો.

આ ઉપરાંત સ્ટેન્ડીંગ કમિટિએ મોબાઇલ ટાવરના વેરા દરમાં ઘટાડો કરવાની દરખાસ્તને નામંજુર કરાઇ હતી. કેમકે આ વેરો ઘટાડવાની તંત્રને વર્ષે ૪II કરોડનું નુકસાન થતું હતું.

આ ઉપરાંત આજની બેઠકમાં ફુટપાથ, પાણી, ગટર વગેરે વિકાસકામોની કુલ ૨૨ દરખાસ્તો અંગે નિર્ણયો લઇ કુલ શ્રૂા. ૬.૩૪ કરોડના વિકાસકામોને ચેરમેન ઉદય કાનગડે લીલીઝંડી આપી હતી.(૨૧.૨૭)

કારખાનેદારોની અસહ્ય વેરાની રજૂઆતો બાદ વેરો ઘટાડવાનું મંજુર : મેયર - સ્ટે. ચેરમેન

મોબાઇલ વેરો ઘટાડવાની દરખાસ્ત બારોબાર મુકી દેવાઇ !!

રાજકોટ તા. ૧૩ : મેયર બિનાબેન આચાર્ય અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ એક યાદીમાં જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે કાર્પેટ બેઇઝ આકારણી લાગુ કરવામાં આવેલ. કાર્પેટ બેઇઝ આકારણીના અનુંસધાને શહેરમાં ઇન્ડસ્ટ્રીયલમાં ધંધો કરતા માલિકો, એસોસિએશન તેમજ  ચેમ્બર ઓફ કોમર્સના હોદેદારોશ્રીઓએ કાર્પેટ બેઇઝ પ્રમાણે ઉંચા પરિબળના કારણે નાના-નાના ઇન્ડસ્ટ્રીયલને કારણે કાર્પેટ બેઇઝ પ્રમાણે ખુબજ ઉંચો વેરો ભરવાનો થાય છે. જેમાં ઘટાડો કરવા રજુઆત કરવામાં આવેલ. આ અંગે હોદેદારો સાથે મીટીંગ યોજી જરૂરી ચર્ચા-વિચારણા બાદ ઇન્ડસ્ટ્રીયલ પરિબળમાં ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવેલ. જેના અનુસંધાને આજરોજ સ્થાયી સમિતિ દ્વારા ઇન્ડસ્ટ્રીયલના પરિબળમાં ઘટાડો મંજુર કરવામાં આવેલ છે. 

દરમિયાન સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદયભાઇ કાનગડે જણાવ્યું હતું કે, મોબાઇલ ટાવરનો વેરો ઘટાડવા કોઇની રજૂઆત નહી હોવા છતાં અધિકારીઓ દ્વારા બારોબાર મોબાઇલ ટાવરનો વેરો ઘટાડવાની દરખાસ્ત મોકલાઇ હતી. તેથી આ દરખાસ્તને પરત મોકલી દેવાઇ હતી.

(3:36 pm IST)