Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

કડક પગલા

કાર્પેટ વેરામાં છબરડા - ભ્રષ્ટાચાર કોન્ટ્રાકટર એજન્સીને લાખોનો દંડ : નોટીસો

શહેરની ૪II લાખ મિલ્કતોનો સર્વે માપણી અને આકારણીનો ખાનગી કોન્ટ્રાકટથી લાખોના ભ્રષ્ટાચારની ફરિયાદોઃ વેરા બીલ ઓછું કરી દેવા જબરા 'વહિવટ' થયાનું સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદય કાનગડના ધ્યાને આવતા મ્યુ. કમિશ્નર બંછાનિધી પાની દ્વારા વેરા આકારણી કરનાર વાપ્કોસ - જી.આઇ.એસ., અપાર્ક સહિતની ૩ એજન્સી સામે કડક કાર્યવાહી

રાજકોટ તા.૩: મ્યુનિ. કોર્પોરેશને ચાલુ નાણાકીય વર્ષથી કાર્પેટ એરિયા મુજબ મિલ્કત વેરાની આકરણી કરી અને આગોતરો વેરો વસુલવાની વેળતર યોજના છેલ્લા બે મહિનાથી શરૂ કરી છે પરંતુ આ દરમિયાન વેરા આકરણીમાં છબરડાઓ અને ભ્રષ્ટાચારનાં અનેક કિસ્સાઓ બાહર આવતા મ્યુનિ. કમિશ્નરને સ્ટે.ચેરમેન ઉદયભાઇ કાનગડે વેરા આકરણી કરનાર કોન્ટ્રાકટ એજન્સ્ીઓ સામે કડક પગલા લેવા સુચન કરતા તે અનુસંધાને મ્યુનિ. કમિશ્રનર બંછાનિધિ પાનીએ વેરા આકરણીના ત્રણ કોન્ટ્રાકરોને લાખો રૂપીયાનો દંડ ફટકારવાની નોટીસો આપવા તજવીજ હાથ ધરી છે.

આ અંગે મ્યુનિ. કોર્પોરેશનનાં વેરા શાખાનાં સુત્રોનાં જણાવ્યા પ્રમાણે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચાલુ નાણાકીય વર્ષથી કાર્પેટ વેરા આકરણી મુજબ વેરા વસુલવા શરૂ કરવામાં આવ્યુ છે. આ મિલ્કત વેરાની આકરણી માટે તંત્ર દ્વારા વાપ્કોસ - જી.આઇ.એસ. અપાર્ક ત્રણ એજન્સીઓને કામ સોપવામાં આવ્યુ હતુ. આ કામપુર્ણ થયા બાદ તંત્ર દ્વારા મિલ્કત ધારકોને કાર્પેટ વેરા મુજબનાં બિલ આપવામાં આપવામાં આવતા અનેક છબરડાઓ થયાની ફરીયાદ ઉઠવા પામી હતી.

વધુમાં સુત્રોમાંથી મળતી વિગતો મુજબ  ખાનગી એજન્સીઓ દ્વારા વેરા બીલમાં  પૈસા લઇ આકરણીમાં ફેરફાર, બીલમાં સુધારા વધારા થઇ રહયાની ફરીયાદો સ્ટે.ચેરમેન ઉદયભાઇ કાનગડને મળતા તેઓએ મ્યુનિ. કમિશ્નરને આ બાબતની જાણ કરી હતી.

આમ, વેરા આકારણીમાં ભ્રષ્ટાચાર કરી તંત્રની તિજોરીમાં લાખોનું નુકસાન થઇ રહ્યાનું મ્યુ. કમિશ્નરના ધ્યાને આવતા તેઓએ  વેરા આકરણી કરનાર એજન્સીને ૫-૫ લાખનો દંડ  ફટકારવા બાબતે નોટીસો આપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહ્યાનું સુત્રોએ જણાવ્યુ હતુ.

(4:18 pm IST)