Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ગરૈયા કોલેજમાં નવી ૧૦૦ બેડની કોવિડ હોસ્પિટલ : કોમ્યુનીટી હોલમાં કોવિડ-૧૯ વોર્ડ

કોરોનાં મહામારી માટેના ખાસ અધિકારી રાહુલ ગુપ્તા-કલેકટર રેમ્યા મોહન અને મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે તાકિદની બેઠક યોજી નવી હોસ્પીટલો બનાવવા લીધો નિર્ણય

રાજકોટ તા. ૩ :.. શહેર-જીલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. દર્દીઓની સંખ્યા ર૦૦ થી ઉપર પહોંચી છે અને સીવીલ હોસ્પીટલનો કોવીડ-૧૯ વોર્ડ ત્થા સ્ટાફ-સીનર્જી કોવિડ હોસ્પીટલમાં હવે દર્દીઓ સમાઇ શકે તેમ ન હોય જીલ્લા માટે કાળીપાટ ખાતે આવેલ ગેરૈયા કોલેજ ખાતે નવી ૧૦૦ બેડની કોવિડ હોસ્પીટલ શરૂ કરવા ત્થા રાજકોટ શહેરનાં દર્દીઓ માટે મ્યુ. કોર્પોરેશનનાં કોમ્યુનીટી હોલમાં ૭૦ બેડનો કોવિડ-૧૯ વોર્ડ બનાવવા નિર્ણય લેવાયો છે.

આ અંગે કલેકટર કચેરીનાં સત્તાવાર સુત્રોનાં જણાવ્યા મુજબ કોરોના મહામારી સામે સુરક્ષા અને સારવારનાં પગલા લેવા માટે રાજય સરકારે રાજકોટ શહેર -જીલ્લા માટે રાજકોટનાં પૂર્વ કલેકટર ડો. રાહુલ ગુપ્તાને ખાસ ફરજ પરનાં અધિકારી તરીકે નિમણુંક કર્યા છે.

તેઓની અધ્યક્ષતામાં આજે કલેકટર રેમ્યા મોહન અને મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે તાકિદની બેઠક યોજી હતી.

આ બેઠકમાં રાજકોટ શહેર-જીલ્લામાં કોરોનાની સ્થીતીની સમીક્ષા કરાયા બાદ શહેરની ભાગોળે ભાવનગર રોડ પર આવેલ  કાળીપાટ ખાતે આવેલ ગેરૈયા કોલેજ ખાતે ૧૦૦ બેડની કોવિડ હોસ્પીટલ યુધ્ધનાં ધોરણે કાલથી જ શરૂ કરી દેવા નિર્ણય લેવાયો છે. આ હોસ્પીટલમાં જીલ્લાનાં ગામડા-શહેરોનાં દર્દીઓને સારવાર અપાશે.

જયારે રાજકોટ શહેરનાં દર્દીઓ માટે શહેરની બારોબાર આવેલા કોમ્યુનિ હોલમાં બોમ્બેની અનંત યુનિવર્સિટીનાં સહયોગથી ૭૦ બેડનો કોવિડ-૧૯ વોર્ડ ઉભો કરવામાં આવશે. જેમાં શહેરનાં જ દર્દીઓને રાખવામાં આવશે.

૪૩ ધનવંતરી રથ

આ ઉપરાંત આવતીકાલથી રાજકોટનાં ગામડાઓમાં ર૮ અને શહેરમાં ૧પ મળી કુલ ૪૩ ધનવંતરી રથ મારફત લોકોને રોગ પ્રતિકારક વર્ધક ઉકાળાનું વિતરણ ત્થા 'આયુષ' દવાની કીટનું વિતરણ પણ કરવામાં આવશે.

(3:36 pm IST)