Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

હવે પાણીના ધાંધીયા નહી થાયઃ આજી-૧ માં વધુ એક વખત નર્મદા નીર ઠાલવવાનું શરૂ થઇ ગયું

રૈયાધાર-બેડીનાં ફીલ્ટર પ્લાન્ટમાં પણ વધારાના નર્મદા નીરઃ વિજયભાઇ રૂપાણીનો આભાર માનતા મેયર સહીતનાં પદાધિકારીઓ

રાજકોટ, તા., ૩: શહેરમાં છેલ્લા ૧ મહિનાથી નર્મદા નીર ઓછુ મળવાના કારણે ન્યુ રાજકોટનાં વોર્ડ નં. ૧,૧૧,૧૦ વગેરેમાં પાણીના ધાંધીયા સર્જાઇ રહયા હતા અને અવાર નવાર ઓચિંતો પાણીકાપ આપવો પડતો હતો. આથી મેયર બીનાબેન આચાર્યએ રાજય સરકારને પત્ર પાઠવી અને રાજકોટને વધુ નર્મદા નીર આપવા માંગ કરી હતી. આથી આજથી વધુ એક વખત આજી-૧માં નર્મદા નીર ઠાલવવાનું શરૂ થતાં હવે પાણીના ધાંધીયા નહી સર્જાય તેમ મેયરશ્રીની યાદીમાં જણાવાયું છે.

આ અંગે મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ અને વોટરવર્કસ કમિટીના ચેરમેન બાબુભાઈ આહીર એક યાદીમાં જણાવે છે કે, રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરૂ પાડતા આજી-૧ ડેમ તથા ન્યારી-૦૧માં થોડા સમય પહેલા તબક્કાવાર સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી ઠાલવવામાં આવેલ.  ફરી ગઇકાલથી મચ્છુ-૧ થી આજી ડેમ-૧માં નર્મદાનું પાણી ઠાલવવાનું શરૂ કરવામાં આવેલ છે.

શહેરને પીવાનું પાણી  પૂરૂ  પડતા જળાશયો પૈકી હાલમાં ભાદરમાં ૧૯.૬૦ ફૂટ, ૧૮૦૯ એમ.સી.એફ.ટી., આજી-૧માં ૨૦.૩૧ ફૂટ ૪૨૫ એમ.સી.એફ.ટી. અને ન્યારી-૧માં ૧૬.૨૧ ફૂટ ૫૨૨ એમ.સી.એફ.ટી. જથ્થો ઉપલબ્ધ છે.

ભૂતકાળમાં શહેરના નગરજનોએ પાણીની યાતના ખુબ જ ભોગવેલ પરંતુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વની સરકાર દ્વારા આજી-ન્યારી અને ભાદરને સૌની યોજના હેઠળ જોડી દેતા શહેરની પાણીની સમસ્યાનો અંત આવેલ.

રાજકોટ શહેરમાં જયારે જયારે પાણીની જરૂર ઊભી થયેલ છે ત્યારે ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાનું ઉપરાંત રૈયાધાર, બેડી વિગેરે જગ્યાએ વધારાનું નર્મદાનું પાણી આપવામાં આવ્યુ છે તે બદલ  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો તમામ પદાધિકારીશ્રીઓએ આભાર વ્યકત કરેલ હતો.

(3:14 pm IST)