Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

રાજકોટના રેવન્યુ એડવોકેટ વિમલ વઘાસીયાનું ફેસબુક એકાઉન્ટ હેક કરી પૈસાની માંગણી કરી !!

થોડા જ દિવસમાં રાજકોટના એડવોકેટનું ફેસબુક એકાઉન્ટ હેક થયાનો બીજો બનાવ નોંધાયોઃ એડવોકેટે સાયબર સેલમાં ફરીયાદ કરતા તપાસનો ધમધમાટઃ અગાઉ રાજકોટના સીનીયર એડવોકેટ નરેશ સીનરોજાનું પણ ફેસબુક એકાઉન્ટ હેક થયેલ

રાજકોટ, તા. ૩ :. રાજકોટ બાર એસો.ના સભ્ય રેવન્યુ પ્રેકટીશ્નર વિમલ રમેશભાઈ વઘાસીયા (મો. ૯૩૭૪૫ ૯૯૭૯૯) રહે. રાજકોટએ અહીંના પોલીસ ઈન્સ્પેકટર સાઈબર સેલમાં પોતાનુ ફેસબુક એકાઉન્ટ હેક થયા અંગેની લેખીત ફરીયાદ આપતા ચકચાર મચી જવા પામી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા ૧૫ દિવસમાં જ રાજકોટના એડવોકેટનું ફેસબુક એકાઉન્ટ હેક થવાનો આ બીજો બનાવ નોંધાયો છે.

એડવોકેટ વિમલ વઘાસીયાએ પોતાની ફરીયાદમાં જણાવેલ છે કે તા. ૨૩-૬-૨૦૨૦ના રોજ કોઈ ભેજાબાજ વ્યકિતએ મારૂ ફેસબુક એકાઉન્ટ હેક કરી મને તેમજ મારા સગાસંબંધી મિત્રોને પૈસા માંગતા મેસેજ મોકલ્યા હતા.

ફરીયાદમાં તેમણે ફેસબુક એકાઉન્ટ હેક થયા બાદ ભેજાબાજ વ્યકિતએ તેના મો. ૮૦૫૯૮ ૧૬૧૩૩ ઉપરથી એસએમએસ દ્વારા પૈસા મોકલવાની માંગણી કરી હતી. જેથી તેના મોબાઈલ નંબર ટ્રુ કોલમમાં જોતા ઈશ્વરી યાદવ હોવાનું જાણવા મળેલ છે.

જ્યારે મારા મિત્ર ગ્રુપમાં મો. ૯૬૨૭૬ ૩૦૬૩૬ ઉપરથી ગુગલ ઉપર પૈસા ટ્રાન્સફર કરવાના પણ ઘણા બધા મેસેજ આવ્યા હતા.આમ આ બન્ને મોબાઈલ પરથી લોકોના ફેસબુક એકાઉન્ટ હેક કરી મેડીકલ સહાયના નામે પૈસા માંગી ખોટા મેસેજ કરી સાયબર એકટ મુજબ ગુન્હો કરેલ છે.

આમ ૨૩-૬-૨૦ના મેસેજ બાદ અમોએ અમારૂ ફેસબુક - ઈસ્ટાગ્રામ તેમજ મેસેન્જર એપ પરથી અમારૂ એકાઉન્ટ લોગ આઉટ કરી બંધ કરી દીધાનું એડવોકેટ વઘાસીયાએ ફરીયાદમાં જણાવેલ છે.

એડવોકેટ વઘાસીયાએ તેમનુ એકાઉન્ટ બંધ કરી દીધુ હોવા છતા તા. ૩૦-૬-૨૦ સુધી પૈસાની માંગણી કરતા મેસેજ આવવાનુ ચાલુ રહેતા અને મિત્રોને પણ આવા મેસેજ મળતા નાછુટકે હેકરોથી કંટાળી આજે સવારે સાઈબર ક્રાઈમ સેલમાં લેખીત ફરીયાદ નોંધાવી ધોરણસર પગલા ભરવા માંગણી કરી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે હજુ થોડા દિવસ પહેલા જ રાજકોટના સીનીયર એડવોકેટ નરેશભાઈ સીનરોજાનું પણ ફેસબુક હેક થયાનો બનાવ બનતા તેની પણ ફરીયાદ થવા પામી છે. આમ ફરી ફેસબુક એકાઉન્ટ હેક થયાનો બનાવ એડવોકેટ સામે જ બનવા પામેલ છે.

(3:08 pm IST)