Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ચાઇનીઝ એપ 'ઝૂમ'ના સહારે મિટીંગ યોજી પ્રવિણ કોટક ફરી પ્રમુખપદે બેસી જ ગયા

રઘુવંશી સમાજના અનેક શ્રેષ્ઠીઓના વિરોધને 'કોરોના'નું બહાનું આગળ ધરી ઉલાળીયો કર્યો : પ્રચંડ રોષ

રાજકોટ તા. ૩ : ગઈકાલે સાંજે ૪ વાગે લોહાણા મહાપરીષદની કારોબારી મીટીંગ 'ઝૂમ' એપ દ્વારા મળી હતી, જેમાં સો કરતા વધુ સભ્યો હાજર રહ્યા હતા. જેમાં દેશભરના લોહાણા આગેવાનો સંસ્થાના પ્રચંડ વિરોધને ઘોળીને પી જઇ બંધારણની જોગવાઇઓને નજર અંદાજ કરી ફરી પ્રમુખપદે બેસી જતા જબરો રોષ ફેલાયો છે. સર્વાનુમતે શ્રી પ્રવીણ કોટકને ફરી હાલત સામાન્ય ના થાય ત્યાં સુધી (ઓછામાં ઓછા છ મહિના અને સંજોગોને આધીન વધુ સમય લાગે તો તે મુજબ) પ્રમુખપદે ચાલુ રાખવાની સંમતિ આપી દીધી હોવાનું જણાવાયું છે.

દરમિયાન લોહાણા મહાપરીષદના મુંબઈ ખાતેના ટ્રસ્ટી શ્રી મોહનભાઈએ લોહાણા મહાપરીષદના બંધારણને એક કોલમનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે આ કોલમ મુજબ નવી કારોબારી ના બને ત્યાં સુધી જૂની કારોબારીને યથાવત રાખવાનો નિયમ છે, અને અત્યારે આપણે તેને અનુલક્ષીને પ્રવીણભાઈને નવી કારોબારી રચના ના થાય ત્યાં સુધી પ્રમુખ તરીકે ચાલુ રાખવા જોઈએ. લગભગ ઉપસ્થિત દરેક સભ્યો એ સમર્થન આપ્યું હતું તેમ એક નોંધમાં જણાવાયું છે.

લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા લોહાણા મહાપરીષદનો કાર્યકાળ તા. ૪. ૭.૨૦૨૦ના રોજ પૂર્ણ થઇ રહ્યો છે, અગાઉ જાન્યુઆરી ૨૦૨૦માં મળેલી વરણી સમિતિની મીટીંગમાં પ્રવીણ કોટક વર્ષ ૨૦૨૦-૨૦૨૫ માટે પુનઃ પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી પામ્યાં હતાં, નિયમ મુજબ તેમને આ પસંદગીને લોહાણા મહાપરીષદની 'મધ્યસ્થ મહાસમિતિ' માં મંજૂર કરાવવું પડે, તે માટે તેમણે તા.૩૦-૦૫-૨૦૨૦ના રોજ મુંબઈ ખાતે મીટીંગનું આયોજન કરેલ હતું પરંતુ માર્ચના અંતમાં કોરોના મહામારી આવી જતા તમામ આયોજન મુલતવી રાખવા પડ્યા હતા.

મીટીંગના અંતમાં શ્રી પ્રવીણ કોટકે નામ લીધા વગર સમાજના તમામ આગેવાનોએ એક સંપ થઇ સાથે રહેવાની અને સમાજને આગળ લઇ જવાની વાત કરી હતી. શ્રી પ્રવીણ કોટક દ્વારા બધું ભૂલી એક નવી શરૂઆત કરવા માટેનું આહ્વાન પણ કરવામાં આવ્યું છે. જેને સહુ આશ્ચર્ય સાથે નિહાળી રહ્યા છે.

પ્રવીણ કોટકને ઓછામાં ઓછા છ માસનો સમય મળી ગયો છે ત્યારે હવે કાનૂની જંગ શરૂ થશે તેવા નિર્દેશો મળે છે.

(3:03 pm IST)