Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

૩૨ દિ'માં સદી ફટકારીઃ રાજકોટમાં તાંડવ મચાવતો કોરોના

અનલોક-૧ અને ૨માં છૂટ મળતા જ શહેરનાં'હોટ સ્૫ોટ' જંગલેશ્વરમાંથી કોરોનાં સંક્રમણ પોશ વિસ્તારોમાં ફેલાયોઃ માસ્ક-સોશ્યલ ડીસ્ટન્સ-હેન્ડ વોશ અત્યંત જરૂરી : ૧૮ માર્ચથી ૩૧ મે સુધીમાં ૮૩ કેસ નોંધાયાઃ ૧ જુનથી આજ દિન સુધીમાં ૧૦૪ દર્દીઓને કોરોના વળગ્યોઃ તંત્ર ઢીલું ઢફઃ લોકો બન્યા બેજવાબદાર

 રાજકોટ,તા.૩: શહેરનાં 'હોટ સ્પોટ' જંગલેશ્વર માંથી પોશ વિસ્તારમાંં તંત્રની બેદરકારી અને લોકો બે જવાબદાર બનતા  કોરોનાં સંક્રમણ વધ્યુ છે જેના કારણે છેલ્લા એક મહિનામાં કોરોનાએ સદી ફટકારતા કુલ ૧૦૬ કેસ નોંધાયા છે. જયારે ૧૮ માર્ચથી ૩૧ મે સુધીમાં માત્ર ૮૩ કેસ નોંધાયા હતા. આમ કોરોના સામે સાવચેતી રાખવા લોકોમાં જનજાગૃતિની જરૂર છે.

રાજકોટ શહેરની કોરોનાં સંક્રમણની સ્થીતિ રાજયનાં અન્ય શહેરો કરતાં  સારી કહી શકાય પરંતુ હવે વધુ છૂટછાટ મળી છે ત્યારે સંક્રમણની સ્થીતિ વકરે નહી તે માટે પ્રત્યેક નાગરીકે સ્વૈચ્છીક સાવચેતી રાખવી જોઇએ.

શહેરમાં કોરોનાનો પ્રથમ કેસ ૧૮ માર્ચે રાજકોટનાં જંગલેશ્વરમાં મળી આવેલ જે ગુજરાત રાજયનો પ્રથમ કેસ હતો. ત્યારબાદ એક પછી એક જંગલેશ્વર તથા આસપાસનાં વિસ્તારોમાં કોરોનાં સંક્રમણ વધ્યું. આથી મ.ન.પા.એ આ સમગ્ર વિસ્તારને 'સીલ' કરી કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યો અને આ વિસ્તારમાં ર૪ કલાક કર્ફયુ લગાવી દીધો પરિણામે ૧૮ માર્ચથી ૩૦ મે સુધીમાં શહેરમાં કુલ ૮૩ કેસ નોંધાયેલ ત્યારે ૧ જુન થી તા.૨ જુલાઇ સુધીમાં ૧૦૬ સાથે શહેરનો કુલ આંક ૧૮૯એ પહોંચ્યો છે. જયારે શહેરમાં કુલ ૧૦ મૃત્યુ થયા છે.

ત્યારબાદ સરકારે લોકડાઉન ખોલ્યુ. અનલોક-૧ નો અમલ શરૂ થતાં બજારો ખુલી અન્ય-જીલ્લાઓ-રાજયમાંથી આવન- જાવન શરૂ થઇ ગઇ. એસ. ટી.-બસ, ખાનગી ટ્રાવેલ્સ પણ શરૂ થઇ ગઇ. જંગલેશ્વરનો કન્ટેન્ટમેન્ટ ઝોન ખોલી નંખાયો અને જુન મહીનાથી  શહેરનાં વિવિધ વિસ્તારોમાં કોરોનાં કેસ મળવા લાગ્યા.

જો કે ત્યારે હજુ લોક ટ્રાન્સમીશન શરૂ થયુ ન હતું માત્ર અમદાવાદ, સુરત, મુંબઇ જેવા રેડ ઝોનમાંથી આવનારા લોકો જ પોઝીટીવ આવતાં હતાં.

પરંતુ જુનનાં છેલ્લા પખવાડીયામાં લોકલ ટ્રાન્સમીશનનાં કેસ મળવા લાગ્યા જે કાલાવડ રોડ, કોઠારીયા, નહેરૂનગર, સુભાષનગર, સાધુ વાસવાણી રોડ, અમીન માર્ગ જેવા વિસ્તારોમાં મળ્યા. અને જૂનનાં છેલ્લા અઠવાડીયામાં તો રોજના પ કોરોનાં પોઝીટીવ મળતાં ૩૦ જેટલાં દર્દીઓ નોંધાયા. જે કોરોનાંનો પ્રથમ કેસ મળ્યો ત્યારથી અત્યાર સુધીનાં ત્રણ મહીનામાં સૌથી વધુ કેસ છે.

નોંધનીય છે કે માર્ચ-એપ્રીલ-મે માસમાં શહેરમાં કુલ ૮૩ પોઝીટીવ કેસ હતાં. અને જૂનમાં કુલ ૧૦૦ કેસ મળ્યા આમ અગાઉનાં બે મહીનામાં જે નોંધાયા તેની સરખામણીએ જુનમાં ડબલ કેસ થયા છે. જે હવે લાલબતી સમાન છે.

(2:58 pm IST)