Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

પોપટપરાના કોળી વૃધ્ધ પર કૌટુંબીક સગા સંજય અને ચેતનનો ધારીયાથી હુમલો

અગાઉના કોર્ટ કેસનો ખાર રાખી વૃધ્ધ નરસિંહભાઇ સિતાપરાના ભત્રીજા અજયની પાનની દૂકાનમાં બંનેએ તોડફોડ પણ કરી

રાજકોટ તા. ૩: પોપટપરાના કોળી વૃધ્ધ પર કૌટુંબીક સગાઓએ ધારીયા, ધોકાથી હુમલો કરી તેમજ તેના ભત્રીજાની દૂકાનમાં તોડફોડ કરતાં ફરિયાદ થઇ છે. અગાઉનો કોર્ટ કેસ પાછો ખેંચવાનું કહી આ ડખ્ખો કરવામાં આવ્યો હતો.

પ્ર.નગર પોલીસે આ બનાવમાં પોપટપરા-૧૦માં ચામુંડા નિવાસ ખાતે રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં કોળી વૃધ્ધ નરસિંહભાઇગોકળભાઇ સિતાપરા (ઉ.૬૧)ની ફરિયાદ પરથી સંજય દિલીપભાઇ સિતાપરા તથા ચેતન દિલીપભાઇ સિતાપરા સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૪૨૭, ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

નરસિંહભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું ઘરે હતો ત્યારે મારે નાના ભાઇ અરવિંદના દિકરા અજયએ ફોન કરી કહ્યું હતું કે-દિલુકાકાનો દિકરો સંજય આપણી દૂકાને આવી અગાઉના કોર્ટ કેસનું સમાધાન કરી લેવાનું કહી ગાળો દે છે. આથી હું અજયની પોપટપરા મેઇન રોડ પર આવેલી ચામુંડા પાન નામની દૂકાને ગયો હતો. આ વખતે સંજય ધોકાવાળા ધારીયા સાથે ઉભો હતો. તેનાથી તેણે દૂકાનમાં તોડફોડ કરી હતી. મેં તેને અટકાવતાં તેના ભાઇ ચેતને આવી ધોકાથી મને માર માર્યો હતો.

સંજયએ પણ ધારીયાથી મને બાવડા પર ઇજા કરી હતી. રાડારાડ થતાં માણસો ભેગા થતાં બંને ભાઇઓ ભાગી ગયા હતાં. મને ઇજા થઇ હોઇ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. કુટુંબી ભાઇ ધનજીભાઇ ઠાકરશીભાઇ સિતાપરા સાથે અગાઉ માથાકુટ થઇ હોઇ તેના કોર્ટ કેસ બાબતે આ ડખ્ખો થયો હતો. એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને માયાબેન સાટોડીયાએ વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:53 pm IST)