Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

કોવીડ-૧૯ અનુસંધાને લાગુ કરાયેલ એપીડેમીક ડીસીઝ એકટ શું છે તે જાણો

હાલ આખો દેશ અને સમગ્ર વિશ્વ કોરોના વાયરસ સામે લડી રહ્યો છે. ત્યારે લાગુ કરવામાં આવેલ 'એકપીડેમીક ડીસીઝ એકટ' વિષે જાણવુ થોડુ જરૂરી લાગે છે. આ કાયદો નવો નથી. મુંબઇમાં ૧૮૯૭ માં પ્લેગ ફેલાયો ત્યારે બનેલ આ કાયદો ઘણો જુનો થઇ ગયો છે. બાદમાં ૨૦૦૯ માં સ્વાઇન ફલુ વખતે, ૨૦૧૫ માં ડેંગ્યુ અને મેલેરીયા વખતે અને ૨૦૧૮ માં કોલેરા સામે કાબુ મેળવવા તેની અમલવારી કરવામાં આવી.

આ કાયદાની જોગવાઇઓ જોઇએ તો કલમ-ર માં રાજય સરકારને એવું લાગે કે જે તે રાજયમાં અથવા કોઇપણ ભાગમાં મહામારીની સ્થિતી છે તો તે રાજય સરકારને સતા મળે છે. જેનાથી કોઇ વિશેષ પગલા લઇ શકે. તે જ રીતે કલમ-ર (એ) માં કેન્દ્ર સરકારને સત્તાઓ આપવામાં આવી છે કે જયારે કોઇપણ રાજય કે દેશના કોઇ ભાગમાં કાયદાનો અનાદાર થાય તો તેની પેનલ્ટી-દંડ ઉઘરાવી શકે.  કમલ-૩ માં એવુ સુચવાયુ છે કે કોઇ નિયમ અથવા હુકમનો અનાદાર કરે તો કલમ ૧૮૮ પ્રમાણે ગુન્હો સમજી સજા કરવામાં આવે. હુકમનો અનાદાર થાય તો છ માસની સજા અને રૂ.૧૦૦૦ સુધીના દંડની જોગવાઇ તેમા છે.  જયારે કલમ ૪ માં એવુ ઠરાવેલ છે કે જો કોઇ વ્યકિત એવુ કાર્ય કરે અથવા સારા હેતુથી આ કાયદા હેઠળ કાર્ય કરતુ હોય તો તેમની સામે કોઇ દાવો કે અન્ય કાનુની કાર્યવાહી નહીં થાય.

જો કે આ અત્યંત જુનો કાયદો હોય સુધારાની જરૂર હતી. ત્યારે ૨૨-૪-૨૦૨૦ ના ભારત સરકારે ધ એપીડેમીક ડીસીઝ (એમેડમેન્ટ) ઓર્ડીનન્સ ૨૦૨૦ પસાર કર્યો. જેનાથી ઘણા સુધારા આ કાયદામાં કરવામાં આવ્યા. મુખ્ય સુધારો આરોગ્ય કર્મચારીઓ અને ફ્રંટલાઇન કાર્યકરોના રક્ષણ માટેનો રહ્યો. વટહુકમ મુજબ હેલ્થકેર સર્વીસ કર્મચારી સામે હીંસા કરી કે કરાવી શકાશે નહીં અથવા રોગચાળા દરમિયાન કોઇપણ મિલ્કતને નુકશાન પહોંચાડી શકાશે નહીં. આ જોગવાઇના ઉલંઘન માટે ૩ મહિનાથી પ વર્ષ સુધીની સજા અને રૂ.૫૦ હજારથી રૂ. ર લાખ સુધીના દંડની જોગવાઇ કરવામાં આવેલ છે. આ ગુનો પિડીત દ્વારા કોર્ટની મંજુરીને આધિન સમાધાન પાત્ર છે. પરંતુ જો હેલ્થ કેર સર્વીસ કર્મચારીઓ વિરૂધ્ધ હિંસાના કૃત્યથી ભારે નુકશાન થયુ હોય તો ગુનો કરનાર વ્યકિતને ૬ માસથી માંડીને ૭ વર્ષ સુધીની કેદની સજા અને રૂ.૧ લાખથી માંડીને રૂ.૫ લાખ સુધીના દંડની જોગવાઇ છે. આ ગુનો કોગ્નીઝેબલ અને બીનજામીન લાયક ગણાય છે.

- બ્રિજ વિકાસ શેઠ, એડવોકેટ મો.૭૮૭૮૧ ૬૮૫૯૦

(11:27 am IST)