Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ઇંટોના ભઠ્ઠાવાળા પ્રજાપતિ બંધુને ભુરા ભરવાડની ધમકીઃ આ જગ્યા મારી છે, ખાલી કરી ભાગી જજો નહિતર પતાવી દઇશ

ગાંધીગ્રામના હાર્દિક નળીયાપરાની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે શાસ્ત્રીનગરના શખ્સ સામે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૩: ગાંધીગ્રામમાં રહેતાં અને રૈયાધારમાં સરકારી ખરાબામાં ઇંટોના ભઠ્ઠો ચલાવતાં બે પ્રજાપતિ ભાઇઓને ભરવાડ શખ્સે ભઠ્ઠાની જગ્યા ખાલી કરી ભાગી જવાનું કહી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે ગાંધીગ્રામ ભારતીનગર-૧માં રહેતાં અને રૈયાધારમાં ઇંટોનો ભઠ્ઠો ચલાવતાં હાર્દિક જયંતિભાઇ નળીયાપરા (ઉ.૩૦) નામના પ્રજાપતિ યુવાનની ફરિયાદ પરથી શાસ્ત્રીનગર-૯માં રહેતાં ભુરા રાહાભાઇ ભરવાડ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

હાર્દિકના કહેવા મુજબ હું વીસ વર્ષથી રૈયાધાર બંસીધર પાર્ક-૨ પાછળ જાગાભાઇની વાડી સામેના સરકારી ખરાબામાં ઇટોનો ભઠ્ઠો ચલાવુ છું. તા.૧ના રોજ હું અનેમ ારો ભાઇ ભાવીન ભઠ્ઠે હતાં ત્યારે ભુરા ભરવાડે આવી 'ભઠ્ઠાની જગ્યા ખાલી કરી નાંખજે, મારી છે' તેમ કહેતાં મેં તેને અમે વીસ વર્ષથી અહિ ભઠ્ઠો ચલાવીએ છીએ, આ જગ્યા સરકારી ખરાબાની છે. તેમ કહેતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને જગ્યા ખાલી નહિ કરો તો બંને ભાઇને મારી નાંખીશ તેમ કહી ગાળો દઇ ધમકી દીધી હતી અને જતો રહ્યો હતો.

આ પહેલા પણ ભુરાએ જગ્યા ખાલી કરવાની ધમકી દઇ ગાળો દીધી હતી. તેના વિરૂધ્ધ અમે અરજી પણ કરી હતી. હવે ફરીથી આવીને જગ્યા ખાલી કરવાની ધમકી દીધી છે. હેડકોન્સ. એ. એમ. ચુડાસમાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(11:25 am IST)