Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

શરદી, ઉધરસ, તાવ વગેરેની તપાસઃ ડી.ડી.ઓ. રાણાવાસિયા

રાજકોટ જિલ્લામાં ગામે ગામ ફરતો ધનવંતરી રથ : ૨૯ ટીમો આરોગ્ય સેવામાં

રાજકોટ,તા.૩: જિલ્લામાં કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં લેવા શરદી,ઉધરસ અને તાવના દર્દીઓને ગામમાં તપાસી આવા દર્દીઓથી રોગ પ્રસરે તે પહેલા જ તેનું નિદાન કરવાનું રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય તંત્ર દ્વારા આયોજન કરાયું છે. રાષ્ટ્રીય બાલ સખા કાર્યક્રમની સેવા હેઠળના તબીબો સાથેની ટીમ સહિતના ધન્વંતરી રથને ગ્રામ્ય વિસ્તારમાં સારવાર અર્થે જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ દ્વારા તાલુકાઓમાંથી લીલી ઝંડી આપી રવાના કરાયા હતા.

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસીયાએ જણાવ્યું હતું કે,'૨૯ જેટલી ટીમો આ કામગીરી માટે તૈયાર કરવામાં આવી છે. આ કામગીરીમાં આર.બી.એસ.કે. ના તબીબો અને સ્ટાફ સેવા અને સારવાર આપશે. આયુર્વેદ અને હોમિયોપેથી દવાનું વિતરણ, સ્ક્રીનીંગ, સર્વે અને લોકોમાં કોરોના સામે સાવચેતી વધે, સતત માસ્ક અને સેનીટાઇઝેશન તેમજ સોશિયલ ડિસ્ટસીંગ અપનાવવામાં આવે તે માટે કાઉન્સેલિંગ તેમજ જાગૃતિ વિષયક કામગીરી પણ કરવામાં આવશે.' મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ.એમ.ભંડેરીએ જણાવ્યું હતું કે,'જિલ્લાના ગ્રામ્ય વિસ્તામાં જયાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ છે તેવા વિસ્તારોમાં ધન્વંતરી રથ પ્રથમ તબક્કામાં ફરશે, શંકાસ્પદ દર્દીઓનું સ્ક્રીનીંગ પણ કરાશે, બીમારી મુજબ દવા પણ આપવામાં આવશે. અંતરીયાળ વિસ્તારોમાં આ સેવા મળી રહે તેવો રાજય સરકારનો હેતુ છે.'

ઉપલેટા ખાતેથી સાંસદ રમેશભાઈ ધડુકે, ખીરસરા ખાતેથી ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયાએ, કોટડાસાંગાણી ખાતેથી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અલ્પાબેન ખાટરીયાએ, જેતલસર ખાતેથી આરોગ્ય સમિતિના ચેરમેન સહિતના પદાધિકારીઓએ ધન્વંતરી રથને પ્રસ્થાન કરાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે માર્ગદર્શિકા પ્રમાણે ધન્વંતરી રથમાં એક ડોકટર, એક નર્સ, ટેકનિશિયન સહિતના સ્ટાફનો સમાવેશ થાય છે અને રાજયમાં અત્યાર સુધીમાં ૨૦૭ જેટલા ધન્વંતરી આરોગ્ય દ્વારા દસ લાખ ઉપરાંત લોકોને આરોગ્ય સેવાનો લાભ આપેલ છે.

(11:24 am IST)