Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ખેડૂતોને અડધી કિંમતે ટ્રેકટર અપાવી દેવાના કરોડોના કૌભાંડમાં મુખ્ય સુત્રધારના જામીન નામંજુર

સહ મહિલા આરોપીની જામીન અરજી પણ કોર્ટે ફગાવી દીધી : આરોપીએ ગુજરાત ઉપરાંત અન્ય રાજયોમાં ઓફીસો ખોલી ખેડૂતો સાથે ઠગાઇ કરી હતી

રાજકોટ, તા. ૩ : અડધી કિંમતે ટ્રેકટર અપાવી દેવાની લાલચ આપીને ઠગાઇ, ઉચાપત અને વિશ્વાસઘાત કરવાના ગુનામાં પકડાયેલ આરોપી અરૂણાબેન કાંતિભાઇ નાઇ તથા મુંબઇના સંદિપ બેનીપ્રસાદ શર્માની અલગ-અલગ ટુનામાં જામીન પર છૂટવા થયેલ અરજીને સેસન્સ અદાલતે નકારી કાઢી હતી.

આ બનાવની વિગત એવી છે કે, રાજકોટ સહિત સમગ્ર રાજયમાં ખેડૂતોને સભ્યો બનાવી અડધી કિંમતે ટ્રેકટર આપવાનું કહીને કરોડોનું કૌભાંડ આચરવા અંગે ફરીયાદ થયેલ હતી. ફરીયાદની વિગત મુજબ રાજયમાં આંતરરાષ્ટ્રીય માનવ સુરક્ષા પરિષદના નામે ઓફીસો ખોલી ખેડૂતોને સભ્ય બનાવીને બબ્બે હજાર ઉઘરાવીને અડધી કિંમતે ટ્રેકટર આપવાનું વચન આપીને કરોડોની ઉચાપત કરી હતી.

આ બનાવ અંગે ઉપરોકત આરોપીઓએ જામીન પર છૂટવા અરજી કરતા સરકારી વકીલ શ્રી અતુલભાઇ જોષીએ રજુઆત કરેલ કે, આરોપીઓ સામેનો ગુનો સમગ્ર રાજયભરના શહેરોમાં પથરાયેલો ગુનો છે. અલગ અલગ વિસ્તારોના ખેડૂતો પાસેથી નાણા ઉઘરાવી કરોડોનું કૌભાંડ આચરેલ હોવાનો પ્રથમ દર્શનીય ગુનો હોય આરોપીઓની જામીન અરજી રદ થવી હતી.

આ બનાવ અંગે પ્રતાપ જાદવભાઇ સિંધવ અને ગીરધર વિરજીભાઇ કાછડીયાએ ફરીયાદ નોંધાવી હતી જે ફરીયાદના અનુસંધાને આરોપીઓની જે તે ફરીયાદના ગુનામાં ધરપકડ કરવામાં આવતા તેઓએ જામીન પર છૂટવા અરજી કરી હતી.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતા તેમજ સરકારી વકીલ અતુલભાઇ જોષીની દલીલોને ધ્યાને લઇને સેસન્સ કોર્ટે બંને આરોપીઓની જામીન અરજીને રદ કરી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, આરોપી સંદીપ શર્મા ઉપરોકત સંસ્થાનો મુખ્ય ડાયરેકટર છે. આ કામમાં પોલીસ દ્વારા ચાર્જશીટ મૂકાઇ ગયા પછી જામીન પર છૂટવા અરજી કરી હતી. આરોપીએ ગુજરાત ઉપરાંત અન્ય રાજયના ખેડૂતો સાથે પણ ઠગાઇ કર્યાનું બહાર આવેલ હતું.

આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. શ્રી અતુલભાઇ એચ. જોષી રોકાયા હતાં.

(4:12 pm IST)