Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

શુક્રવારે ઓસમ પર્વત સફાઇ અભિયાન

નવરંગ કલબ ધોરાજી, ઉપલેટા, પાટણવાવ આહીર સમાજ અને સ્પોર્ટસ એકેડેમી જેતપુર તથા પ્રાથમીક શાળાઓ અને આહીર એકતા મંચનું સંયુકત આયોજન

વી.ડી.બાલા સાથે પરીમલભાઇ પરડવા, હરીભાઇ સુવા, નિકુલ ચંદ્રવાડીયા, અર્જુન આંબલીયા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટઃ માનવ દ્વારા ઉત્પાદિત ચીજોમાં પ્લાસ્ટીકની થેલી એવી ચીજ છે જે પર્વતથી લઇ દરીયા સુધી જોવા મળે છે ખાસ કરીને પ્રવાસના સ્થળો, લીલી પરિક્રમા,દરીયા કિનારે, નદી,નાળા,શેરીઓ, ગલીઓ, બગીચા અને પાર્ટી પ્લોટ વગેરે સ્થળે જમીન ઉપર અને અંદર પ્લાસ્ટીકના ઢગલાઓ પડેલા છે.

૩૦ વર્ષ પહેલા શોધાયેલ પ્લાસ્ટીકનો એવડો ભયંકર ફેલાવો કરેલ છે કે પ્રત્યેક ઉત્પાદન પ્લાસ્ટીકની થેલીઓમાં મળવા લાગ્યુ છે અને આ પ્લાસ્ટીકની થેલીઓ કચરામાં રૂપાંતર થઇ બહાર ફેકવાથી પર્યાવરણને ભયંકર નુકશાન થાય છે. દિવસેને દિવસે પ્લાસ્ટીકનો વપરાશ વધતો જાય છે લોકો પોતાના થોડા સગવડતા માટે પ્લાસ્ટીકનો વપરાશ વધારી પૃથ્વીને ગંદી કરવા લાગ્યા છે. ભારતિય લોકો પૃથ્વીને 'માં' ગણે છે પણ પોતાની રહેણી-કહેણીથી પૃથ્વીને ગંદી કરે છે ખાસ કરીને ફેકી દેવાય તેવી ભોજન-નાસ્તાની ડીસો (થર્મોકોલ),પાણી, છાશ અને ચા પીવાના પ્લાસ્ટીકના ગ્લાસનો વપરાશ વધી ગયેલ છે.

ધોરાજી તાલુકાના પાટણવાવ ખાતે આવેલ રમણીય અને પવિત્ર ઓસમ પર્વત પર આખુ વર્ષ ખુબ લોકો આવે છે અને પ્લાસ્ટીક ફેકી જતા રહે છે. પ્લાસ્ટીક કયારેય સડતુ નથી અને જંગલોમાં પ્લાસ્ટીકથી વન્યજીવોને નુકશાન થાય છે. આ બધુ જ પ્લાસ્ટીક આખા ઓસમ જંગલ (પર્વત) માંથી વીણવાનું એક ભગીથર કામ ઉપર મુજબની સંસ્થાઓ ભેગા થઇ તા.૬-૭-૨૦૧૮ શુક્રવારના રોજ સવારે ૯ થી સાંજના પ સુધી ૨૦ ટુકડીઓમાં વહેચાઇ નિષ્ઠા પૂર્વક પ્લાસ્ટીક વીણવાનું કામ કરશે.

આ કામગીરીમાં ઉપર મુજબની સંસ્થાઓના લોકો પોતાનું બપોરનું ટીફીન અને પાણી સાથે લાવશે. ઓસમ પર્વત ઉપર પ્લાસ્ટીક વીણવાની પવિત્ર અને જરૂરી કામગીરીમાં અન્ય લોકો ભાગ લેવા ઇચ્છતા હોય તેઓને હૃદય પૂર્વક આમંત્રણ છે. આ કામગીરીમાં ભાગ લેવા માંગતા હોય તેઓએ પોતાનું બપોરનું ટીફીન અને પાણી સાથે લાવવાનું રહેશે.

ઓસમ પર્વત ઉપર ઘાંસના બીજનો છંટકાવ કરી ઘાંસ સુધારણાનું કામ થશે અને નાના મોટા હોકળાઓમાં પત્થર ગોઠવી નાના આડબંધ બનાવી વરસાદી પાણી રોકવાની કામગીરી કરવામાં આવશે. કામગીરીનું સ્થળઃ ઓસમ જંગલ (પર્વત), પાટણવાવ, તા.ધોરાજી છે. તારીખઃ૬-૭-૨૦૧૮ શુક્રવાર સવારે ૯ થી સાંજના પ સુધી અભિયાન ચાલશે.

વધારે વિગતો માટે ૯૮૨૫૫ ૧૬૩૮૦ હરીભાઇ સુવા વી.ડી.બાલા મો.૯૪૨૭૫ ૬૩૮૯૮નો સંપર્ક થઇ શકે છે.(૨૮.૮)

(4:12 pm IST)