Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

મહાદેવની વેષભુશામાં ત્રીશુલ સાથે કમિશ્નરને રજુઆતનો પ્રયાસઃ ત્રણની અટકાયત

મંદિરોમાં વેરો ફટકારનાર તંત્રને જગાડવા કોંગ્રેસનો આશ્ચર્યજનક કાર્યક્રમ : રણજીત મુંધવા, ભાવેશ પટેલ, ઇન્દુભા રાઓલ અને વિજીલન્સ પોલીસ વચ્ચે ઝપાઝપીનાં દૃશ્યો : મુંધવાનો મોબાઇલ ખોવાયો : ત્રણેયને પોલીસ સ્ટેશને બેસાડી દેવાયા

હર હર મહાદેવ...: કોંગ્રેસના અગ્રણીઓ રણજીત મુંધવા, ભાવેશ પટેલ સહિતના લોકોએ આજે બપોરે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં મહાદેવની વેશભુષા સાથે મંદિરમાં વેરા બાબતે રજુઆતનો આશ્ચર્યજનક કાર્યક્રમ યોજયો હતો. તે વખતે પોલીસ અને કોંગી આગેવાનો વચ્ચે સર્જાયેલ ઝપાઝપી અને અટકાયતના દ્રશ્યો તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા., ૩: મ્યુનીસીપલ કોર્પોરેશનમાં આજે કોંગ્રેસના અગ્રણી રણજીત મુંધવા, ઇન્દુભા રાઓલ વિગેેરેએ મહાદેવની વેશભુષા અને ત્રીશુલ સાથે મ્યુ. કમિશ્નરને મંદિરોને વેરો ફટકારવા બાબતે રજુઆત કરવાનો પ્રયાસ કરવામાં આવતા વિજીલન્સ પોલીસ અને કોંગી કાર્યકરો અને આગેવાનો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. તેમજ ૩ આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી.

આ અંેગેની વિગતો મુજબ વોર્ડ નં. ૪ માં સામા કાંઠા વિસ્તારમાં મહાદેવના મંદિરમાં વેરા બીલ ફટકારવામાં આવતા તેનો આશ્ચર્યજનક વિરોધ કરવા આજે ૧ર.૩૦ વાગ્યે કોંગ્રેસ ફરીયાદ સેલના પ્રમુખ રણજીત મુંધવા, ઇન્દુભા રાઓલ અને ભાવેશ પટેલ સહિત ર૦ થી રપ કાર્યકરોના ટોળાએ મ્યુ. કમિશ્નરને મંદિરોમાં વેરો ફટકારવા બાબતે તંત્રની બેદરકારી સબબ ઢંઢોળવા ભાવેશ પટેલને ભગવાન શિવ શંકરની વેશભુષા ધારણ કરાવી તેના હાથમાં ડમરૂ અને ત્રિશુલ પકડાવી કોર્પોર્રેશન કચેરીની લોબીમાં હર હર મહાદેવના નારાઓ લગાવી અન મ્યુ. કમિશ્નરની ચેમ્બરમાં

ત્રિશુલ સાથે રજુઆતનો પ્રયાસ કર્યો હતો. આથી વિજીલન્સ પોલીસે કોંગી આગેવાનોને અટકાવતા બંન્ને વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસે રણજીત મુંધવા, ભાવેશ પટેલ, ઇન્દુભા રાઓલ સહીત ત્રણેય આગેવાનોની ટીંગાટોળી કરી અન અટકાયત કરી હતી તથા એ ડીવીઝન પોલીસે સોંપ્યા હતા.

દરમિયાન રણજીત મુંધવાના જણાવ્યા મુજબ આ ઝપાઝપીમાં તેઓનો મોબાઇલ ગૂમ થઇ ગયો હતો. આ રજુઆતમાં કોર્પોરેટર હારૂન ડાકોરા, કાર્યાલયમંત્રી વિરલ ભટ્ટ, મેરામભાઇ ચૌહાણ, ઠાકરશીભાઇ ગજેરા, ચંદુભા રાઠોડ, મુકેશ પરમાર, નિલેશ ગોહેલ,  સુરેશ સીતાપરા સહિતના કોંગી કાર્યકરો જોડાયા હતા.

મંદિરોમાં વેરા બિલ અંગે સ્થળ તપાસના આદેશ

રાજકોટઃ કોંગી કાર્યકરોએ મંદિરમાં વેરા બીલ આવતા તે બાબતે આજે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં  મહાદેવની વેશભુષા સાથે આશ્ચર્યજનક કાર્યક્રમ મારફત તંત્રની નીતીરીતીનો વિરોધ કરતા આ કાર્યક્રમને પગલે વેરા વિભાગના અધિકારીઓએ તાબડતોબ વોર્ડ નં. ૪ માં મંદિરને અપાયેલ વેરા બીલ અંગે સ્થળ તપાસ માટે કર્મચારીઓને દોડાવ્યા હતા.

(3:28 pm IST)