Gujarati News

Gujarati News

News of Saturday, 3rd June 2023

રાજકોટમાં વધુ એક હત્‍યાઃ અંજલીને પતિએ પૈસા માટે ક્રુરતાથી પતાવી દીધી

૮૦ ફુટ રોડ પર ખોડિયારપરામાં બે મહિના પહેલા જ રહેવા આવેલી મધ્‍યપ્રદેશની પરિણીતા કારખાનામાં કામ કરતી હતી : વતનમાં રહેતો પતિ પુષ્‍પેન્‍દ્ર અહેરવાર પગારના સમયે રાજકોટ આવતો અને પૈસા પડાવી ભાગી જતોઃ સોમવારે વતનથી આવ્‍યા બાદ ગત રાતે પૈસા માટે માથાકુટ કરી પત્‍નિના માથામાં છરીના ઘા ઝીંકી ફરાર થઇ ગયોઃ ૧ાા વર્ષનો પુત્ર મા વિહોણો થયોઃ થોરાળા પોલીસે તપાસ આરંભી

પતિના હાથે ક્રુર હત્‍યાનો ભોગ બનનાર અંજલીનો લોહીભીનો નિષ્‍પ્રાણ દેહ તથા તેના શોકમય સ્‍વજનો જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૩: શહેરમાં હત્‍યાની વધુ એક ઘટના બની છે. પરમ દિવસે એક પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળી પોતાના બે માસુમ સંતાનની હત્‍યા કરી પોતે આપઘાત કરી લીધો હતો. ત્‍યાં આજે ૮૦ ફુટ રોડ પર ખોડિયારપરામાં બે મહિના પહેલા જ રહેવા આવેલી અને કારખાનામાં કામ કરી ગુજરાન ચલાવતી મધ્‍યપ્રદેશની પરિણીતાની તેના જ પતિએ માથામાં છરીના ઘા ઝીંકી ક્રુર હત્‍યા કરતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. પૈસા માટે ઝઘડો કરી પત્‍નિની હત્‍યા કરી પતિ પૈસા પડાવી ભાગી જતાં થોરાળા પોલીસને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જાણવા મળ્‍યા મુજબ થોરાળા પોલીસ મથક હેઠળના ૮૦ ફુટ રોડ પર આજી વસાહત પાસેના ખોડિયાર પરા-૧૬માં સંઘાર હોટલ પાસે ભાડના મકાનમાં રહેતી મધ્‍યપ્રદેશની અંજલી પુષ્‍પેન્‍દ્ર અહેરવાર (ઉ.વ.૩૦)ની તેના જ પતિ પુષ્‍પેન્‍દ્ર કરીયાભાઇ અહેરવારે રાત્રીના માથામાં છરીનો ઘા ઝીંકી હત્‍યા કરી નાંખતા અને ભાગી જતાં વિસ્‍તારમાં ચકચાર મચી ગઇ હતી. સવારે નજીકમાં જ રહેતાં અંજલીની બહેન નીતા તેણીના ઘરે આવી હતી. દરવાજો ખખડાવા છતાં ન ખોલતાં બળપુર્વક ધક્કો મારીને અંદર જતાં બહેન અંજલી  માથે ઓઢીને અંજલી સુતેલી દેખાતાં તેણીએ તેને જગાડવા માટે ચાદર દૂર હટાવતાં જ તે ચોંકી ગઇ હતી. કારણ કે અંજલી લોહીલુહાણ અને મૃત દેખાઇ હતી.

બનાવની જાણ થતાં અંજલીના કાકા, સાસુ-સસરા તથા અડોશી પડોશી એકઠા થઇ ગયા હતાં. ૧૦૮ને બોલાવાઇ હતી. પણ તેના તબિબે અંજલીને મૃત જાહેર કરી પોલીસને જાણ કરતા થોરાળા પોલીસને જાણ કરવામાં આવતાં પીઆઇ ડો. એલ. કે. જેઠવા, પીએસઆઇ જી. એસ. ગઢવી, પીએસઆઇ એન. બી. ડાંગર, ધીરૂભાઇ અઘેરા સહિતની ટીમ તત્‍કાળ પહોંચી હતી અને કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો.

હત્‍યાનો ભોગ બનનાર અંજલીના કાકા રામપ્રસાદ અહેરવાર પણ ખોડિયારપરામાં જ રહે છે. રામપ્રસાદે કહ્યું હતું કે મારી ભત્રીજી અંજલીના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતાં. તે છ બહેન અને એક ભાઇમાં બીજા નંબરે હતી. અંજલીના સાસુ સુખબાઇબેન અને સસરા કરીયાભાઇ અહેરવાર પણ ખોડિયારપરામાંં રહે છે. અંજલીને સંતાનમાં દોઢ વર્ષનો એક પુત્ર  પ્રિયાંશુ છે. તેણી બે અઢી મહિના પહેલા રાજકોટ સાસુ-સસરા પાસે રહેવા આવી હતી અને કારખાનામાં કામ કરી ગુજરાન ચલાવતી હતી. જો કે તેનો પતિ પુષ્‍પેન્‍દ્ર અહેરવાર વતન એમપીમાં જ રહે છે. તે દભોઇ જીલ્લાના સાતપાડા ગામે જ રહેતો હતો. ત્‍યાં તે કંઇ કામધંધો કરતો નથી.

પત્‍નિ રાજકોટ આવી નોકરીએ લાગી હોઇ તેનો પગાર આવવાનો હોઇ તેના એક બે દિવસ પહેલા તે રાજકોટ આવતો હતો અને પગાર આવે એટલે પત્‍નિ સાથે માથાકુટ કરી પૈસા પડાવી ભાગી જતો હતો. આ વખતે પણ પહેલી તારીખ નજીક આવતાં ગયા સોમવારે પુષ્‍પેન્‍દ્ર રાજકોટ આવ્‍યો હતો. ગઇકાલે રાતે તેણે પત્‍નિ પાસે પૈસા માંગ્‍યા હતાં. પત્‍નિએ ઘરખર્ચ માટે પોતાને પણ પૈસાની જરૂર હોઇ પૈસા આપવાની ના પાડતાં તે ઉશ્‍કેરાઇ ગયો હતો અને માથામાં છરી કે કોઇ હથીયારનો ઘા ઝીંકી ભાગી ગયો હતો. લોહીલુહાણ થઇ અંજલી મોતને ભેટી હતી. બનાવથી દોઢ  વર્ષનો પુત્ર મા વિહોણો થઇ જતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. પોલીસે ભાગી છુટેલા આરોપીને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે.

(12:28 pm IST)