Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

મામલતદાર જાનકી પટેલે જીત્યો કોરોના સામેનો જંગ

રાજકોટના એડી. કલેકટર જે. કે. પટેલના દિકરીને કોરોના લાગુ પડતાં ક્રાઇસ્ટ હોસ્પિટલમાં દાખલ હતાં: આજે રજા અપાઇ : એડી. કલેકટર જે. કે. પટેલનો સંદેશઃ તબિબો-સ્ટાફની જહેમત, ઇશ્વર કૃપા, સોૈની શુભેચ્છાથી અમારી દિકરી જાનકી જયેશભાઇ પટેલ હોસ્પિટલમાંથી રિલીવઃ વહિવટી તંત્ર, સાથી અધિકારી મિત્રો, આરોગ્ય તંત્ર અને મિડીયા મિત્રોનો પણ આભાર વ્યકત કર્યો

રાજકોટ, તા. ૩ :. રાજકોટના એડી. કલેકટર-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે.કે. પટેલના પુત્રી અને અમદાવાદ કલેકટર કચેરીના મામલતદાર શ્રી જાનકી જયેશભાઈ પટેલને અસારવા ખાતે ફરજ દરમિયાન ૧૫ દિ' પહેલા કોરોના વળગ્યો હતો. કોરોના પોઝીટીવ આવતા પરિવારમાં અને રાજકોટ-અમદાવાદ કલેકટર કચેરીમાં અધિકારી-કર્મચારી વર્ગમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ હતી.

અમદાવાદથી શ્રી જાનકી પટેલ પોતે જોખમ ખેડી સેલ્ફ ડ્રાઈવ કરી સીધા રાજકોટ ક્રાઈસ્ટ હોસ્પીટલ ખાતે દાખલ થઈ ગયા હતા. તેમના પતિદેવ બીઝનેશમેન શ્રી જયેશભાઈ પટેલ પણ બીજી ગાડીમાં ત્યારે રાજકોટ આવ્યા હતા.

ક્રાઈસ્ટમાં દાખલ થયા બાદ શ્રી જાનકી પટેલની ક્રાઈસ્ટ હોસ્પીટલના ડો. વીરૂત પટેલ અને ડો. તેજસ ચૌધરી દ્વારા રાત-દિવસ સઘન સારવાર શરૂ કરાઈ હતી અને ડોકટરો, નર્સ સ્ટાફની સેવાને કારણે મામલતદાર જાનકી પટેલ કોરોના સામેનો જંગ જીતી જતા આજે તેમને સહર્ષ ખુશાલી સાથે રજા અપાઈ હતી. ડોકટરોએ જણાવેલ કે છેલ્લે કરાયેલ રીપોર્ટ પણ નેગેટીવ આવ્યો હતો પરિણામે તમામ કેર-દવા સાથે રજા આપી દેવાઈ હતી.

બપોરે ૧૨ વાગ્યે રજા અપાતા એડી. કલેકટર શ્રી જે.કે. પટેલ પોતાની વહાલી દિકરીને તેડવા હોસ્પીટલ પહોંચી ગયા હતા, પરંતુ જાનકી પટેલ સેલ્ફ ડ્રાઈવ કરી પિતાના ઘરે પહોંચતા ખુશાલીના આંસુ સાથે તેમને પરિવારજનોએ વધાવી લીધા હતા.

દરમિયાન પોતાની પુત્રી કોરોના સામેનો જંગ જીતી જતા એડી. કલેકટર શ્રી જે.કે. પટેલે એક વાતચીતમાં જણાવેલ કે તબિબો, નર્સિંગ સ્ટાફની જહેમત, ઈશ્વર કૃપા, સૌની શુભેચ્છાથી અમારી દિકરી હોસ્પીટલમાંથી રિસીવ થઈ છે. તેમણે જીલ્લા વહીવટી તંત્ર, સાથી અધિકારી મિત્રો, આરોગ્ય તંત્ર અને મિડીયા મિત્રોનો પણ આભાર વ્યકત કર્યો હતો.

આજે ક્રાઈસ્ટ હોસ્પીટલમાંથી મામલતદાર જાનકી પટેલ ઉપરાંત રાજકોટના એક ૮૦ વર્ષના વૃદ્ધાને કોરોના વળગ્યો હતો, તેઓ પણ જંગ જીતી જતા તેમને પણ રજા આપી દેવાઈ હતી.

(3:59 pm IST)