Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

લોકડાઉનને અવસરમાં પલ્ટાવતુ રાજકોટ રેલ્વેઃ આમ્રપાલી અંડરબ્રિજનું યુદ્ધના ધોરણે નિર્માણ

ચોમાસા પહેલા રેલ્વે લાઇન નીચે મુખ્ય બોકસ અને પેડેસ્ટ્રીયન બોકસ ગોઠવવાનું કાર્ય આટોપી લેવાયું : ઝડપભેર રેલ્વે લાઇનની બન્ને તરફ

આમ્રપાલી અંડરબ્રીજની ચાલી રહેલી કામગીરીના સ્થળ પરના દ્રશ્યોમાં પ્રથમ તસ્વીરમાં ગર્ડર લોંચીંગ, બીજી તસ્વીરમાં અંડરપાસ સ્થળે જેસીબી દ્વારા થઇ રહેલું ખોદકામ, ગર્ડર લોંચીંગ, પોકલેન્ડ મશીનથી હાર્ડ રોકનું થઇ ગયેલું ખોદાકામ, રેલ્વેલાઇન નીચેનું અર્થવર્ક પુરૂ થતા હવામાં લટકી પડેલી રેલ્વે લાઇન પાંચમી તસ્વીરમાં નજરે પડે છે. છેલ્લી તસ્વીરમાં રેલ્વે લાઇન નીચે ગોઠવાઇ રહેલો મુખ્ય બ્લોક ક્રેનના આધારે  હવામાં લટકી રહેલો નજરે પડે છે.

રાજકોટ, તા. ૩ :  રાજકોટ રેલ્વે ડીવીઝન દ્વારા લોકડાઉનના સમયગાળાને અવસરમાં પલ્ટાવામાં આવ્યો હતો. રાજકોટ શહેર વચ્ચેથી પસાર થતી રાજકોટ-વેરાવળ -સોમનાથ રેલ્વેલાઇન ઉપરના આમ્રપાલીં ફાટક નં. ૬ ક્રોસીંગ ખાતે નિર્માણ પામી રહેલા અંડરબ્રીજની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. સામાન્ય દિવસોમાં આ કાર્ય માટે ટ્રેનની આવ-જા રોકવી પડી હોત પરંતુ લોકડાઉનમાં મુસાફર ટ્રેન ઉપર પ્રતિબંધ હોવાથી આ સ્થળે કામગીરી વિના વિક્ષેપે આગળ ધપી હતી.

લોકડાઉન પહેલા જ આ અંડરબ્રીજનું કામ ચાલી રહ્યું હતું. મુખ્ય બોકસ અને પેડેસ્ટ્રીયન બોકસ બની ગયા હતા પરંતુ કોવીડ-૧૯ ના કારણે કન્સ્ટ્રકશન સાઇટ ઉપરના કામ બંધ કરી દેવાતા આ બોકસ તેની જગ્યાએ ફીટ કરી શકાયા ન હતા.

આમ લોકોની સુવિધાની દ્રષ્ટિથી આ કામ બહુ મહત્વનું હોવાથી તે તાકીદે પુરૂ કરવું જરૂરી હતુ. આ માટે રેલ્વે પ્રસાશન અને  જિલ્લા કલેકટર દ્વારા અનેક વખત મીટીંગ કરવામાં આવી હતી અને સાઇટનું નિરીક્ષણ થયું હતું. અંતે રાજકોટ કલેકટર દ્વારા કોવીડ-૧૯ ની જરૂરી માર્ગદર્શિકાના પાલનની બાંહેધરી સાથે આ નિર્માણ કાર્ય પુનઃ શરૂ કરવા મંજુરી આપી દેવાતા ફરીથી કાર્ય ધમધમી ઉઠ્યુ હતું.

રેલ્વે દ્વારા પોલીસ કમીશનર-રાજકોટ, કલેકટર -જામનગર, એસપી-જામનગરનો સંપર્ક કરી જામનગરથી મજુરો અને મશીનરીને લાવવા જરૂરી મંજુરી લઇ લેવામાં આવી હતી. હાલમાં નિર્માણ સ્થળ ઉપર કોન્ટ્રેકટર દ્વારા યુદ્ધના ધોરણે દિવસ-રાત કામ ચાલી રહ્યું છે. ગર્ડર લોંચ કરવા અને પથ્થરની ખોદાઇ માટે પહેલો બ્લોક ભકતીનગર તરફથી ૧૧ મે ના રોજ આપવામાં આવ્યો હતો. (એન્જીનીયરીંગ બ્લોક એટલે રેલ્વની ેભાષામાં ચોક્કસ તારીખે ટ્રેનની આવ-જા રોકી સ્થળ પર કામ આગળ વધારવું). સાઇટ ઉપરનું જમીન બંધારણ પથરાડ હોવાથી વધુ મશીનની જરૂર પડી હતી. ૪ પોકલેન્ડ મશીન, ર ક્રેન, ર જેસીબી, ડમ્પર, ટ્રેલર, ટ્રેકટર્સ, બ્રેકર્સની મદદથી મજુરની ગેંગ અને એન્જીનીયરીંગ સ્ટાફ સાથે આ કાર્ય પુરૂ કરાયું હતું.

ગર્ડર લોંચીંગ પછી પહેલો મુખ્ય આરસીસી બોકસ (૬.૬*૪.પ મીટર) ને ૧૬.પ મીટર પુશીંગ કરી ફીટ કરવા માટે કેટલાંય મશીનના ઉપયોગથી  પથ્થરો ખોદવામાં આવ્યા હતા.

આગલા તબક્કાનું કામ કરવા માટે બીજો પુર્ણ એન્જીનીયરીંગ બ્લોક (માલગાડી ની આવ-જા રોકી દેવાઇ) તા.ર૩ મે ના લેવામાં આવ્યો જેમાં અગાઉ લોંચ કરવામાં આવેલા ગર્ડરોને ડીલોંચ કરવામાં આવ્યા  અને રાજકોટ સાઇડનું કામ કરવા માટે ફરીથી લોંચ કરાયા.

રાજકોટ તરફથી ફરીથી હાર્ડ રોક પથ્થરોને તોડવા માટે ત્રીજા તબક્કાનો એન્જીનીયરીંગ બ્લોક તા. ૩૦ મી મે ના  લેવામાં આવ્યો. આ દિવસે આરસીસી મુખ્ય બોકસ (૯*ર.પ*૪ મીટર) તથા ૯ પેડેસ્ટ્રીયન બોકસ (ર.પ*૪ મીટર)ને  ગર્ડર ડીલોંચીંગ પછી ચોક્કસ જગ્યાએ ગોઠવી દેવાયા.

આ રીતે લોકડાઉનના સમયગાળાને રાજકોટ રેલ્વેએ અવસરમાં બદલી ચોમાસુ શરૂ થાય તે પહેલા મુખ્ય બોકસ અને પેડેસ્ટ્રીયન બોકસ (રેલ્વે લાઇન નીચે) ગોઠવવાનું કાર્ય પુરૂ કરી દીધું. જુદા જુદા મશીનોની મદદથી હાર્ડ રોક તોડવા, ગર્ડરનું લોચીંગ અને ડીલોચીંગ તથા બોકસ પુશીંગ કરવાનું કઠીન કાર્ય સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું. જેને ઉપલબ્ધિરૂપ કાર્ય ગણી શકાય. આમ્રપાલી ફાટક નીચે બ્લોક ગોઠવવાનો મહત્વનો તબક્કો ચોમાસા પહેલા પુરો થઇ જતા હવે બાકીનું કાર્ય ઝડપભેર આગળ ધપી રહ્યું છે.

(2:50 pm IST)