Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

કુવાડવા રોડ ઉપર તાળા તોડી ૧૮ લાખના ડાયમંડ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ૩: રાજકોટના કુવાડવા રોડ ઉપર ગોયેલ એન્ટરપ્રાઇઝમાં રાત્રીના સમયે ઘરફોડ કરી રૂ. ૧૮,૦૦,૦૦૦ના ડાયમંડની ચોરીના ગુન્હામાં પોલીસે પકડેલ રાજસ્થાનની ગેંગના લાલારામ રૂપાજી ચૌધરીને અદાલતે જામીન પર મુકત કરવા હુકમ કરેલ છે.

આ ફરીયાદની હકીકત એવી છે કે, રાજકોટના કુવાડવા રોડ, શ્રીરામ પાર્કમાં આવેલ ગોયલ એન્ટરપ્રાઇઝ નામની પેઢીના મેનેજર રામપૂજન મહાદેવભાઇ વર્માએ પોલીસમાં ફરીયાદ આપેલ હતી કે, તેઓ ગોયલ એન્ટરપ્રાઇઝના નામે ડાયમંડ (હીરા)નો હોલસેલનો વેપાર કરે છે અને આ ડાયમંડ તેઓ દિલ્હીથી મંગાવી દેશના અન્ય ભાગોમાં સપ્લાઇ કરે છે. ગત તા. ૧૪/૦૩/ર૦ર૦ના રાત્રીના તેઓ તથા તેમની સાથેનો હેલ્પર અને સીકયુરીટીમેન બ્રિજેશ યાદવ તેમનું કારખાનું બંધ કરી કારખાનાની ઉપરના ભાગે આવેલ પોતાના રૂમમાં સૂઇ ગયેલ હતા અને બીજા દિવસે સવારે જોતા તેમના કારખાનાની ડેલી તેમજ દરવાજના તાળા તુટેલ હતા અને અંદર મુકેલ ડાયમંડના પાર્સલો પૈકી ૬૦ ડાયમંડ (હીરા) જેની બજાર કિંમત રૂ. ૧૮,૦૦,૦૦૦ થાય તે મળી ન આવતાં બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ઘરફોડ અને ચોરીની ફરીયાદ આપેલ હતી.

એફ.આઇ.આર. નોંધાતા બી-ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા ગુજરાતના અન્ય શહેરો તેમજ અન્ય રાજયોની પોલીસ ઇન્ટેલીજન્સની મદદથી તેમજ ગુન્હાના કામે મળી આવેલ સી.સી. ટીવી ફૂટેજ અને બાતમીદારો પાસેથી મળેલ માહિતીઓના આધારે રાજસ્થાનના ઝાલોર જિલ્લાના લાલારામ રૂપાજી ચૌધરી તથા તેની ગેંગ દ્વારા ઉપરોકત ઘરફોડ-ચોરીને અંજામ આપવામાં આવેલ હોવાનું જણાય આવેલ તેમજ આ ગેંગ દ્વારા અગાઉ કર્ણાટક રાજયમાં કરોડોની ઇમ્પોર્ટેડ સીગારેટની ચોરી કર્યા સમયે વાપરેલ મોડસ ઓપરેન્ડી જ આ ગુન્હો કરવામાં વાપરેલ હોવાનું જણાતા ક્રાઇમ બ્રાંચની મદદથી આરોપી લાલારામ રૂપાજી ચૌધરીને દબોચી લઇ જેલ હવાલે કરેલ હતો. જેથી જામીન પર છુટવા અરજી કરી હતી.

બન્ને પક્ષકારોની વિસ્તૃત દલીલોના અંતે અદાલતે આરોપીને જામીન મુકત કરતા પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે પોલીસ દ્વારા રજૂ કરાયેલ તમામ દસ્તાવેજો જોતા પોલીસે હાલના આરોપી પાસેથી કોઇ ડાયમંડની રીકવરી કરેલ હોય તેવું જણાતું નથી તેમજ હાલના આરોપી ડાયમંડ બાબતે કશું જાણતા હોય તેવું કોઇ સ્વતંત્ર પુરાવાથી રેકર્ડ પર નથી ત્યારે માત્ર ગંભીર સજાની જોગવાઇ વાળો ગુન્હો હોવાથી આરોપીને જેલમાં રાખી શકાય નહીં તેમ ઠરાવી આરોપીને દર સપ્તાહે પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવાની શરતે જામીન પર મુકત કરવા હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં આરોપી લાલારામ ચૌધરી વતી રાજકોટના એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, ગૌરાંગ ગોકાણી, હાર્દિક શેઠ, ક્રિષ્ના ગોર, અંશ ભારદ્વાજ, હર્ષ ભીમાણી રોકાયેલ હતાં.

(2:48 pm IST)