Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

રાજકોટ સહિત દેશભરના પાન રસીયાઓને 'મીઠી બાંગ્લા' પાન ૧ વર્ષ ખાવા નહિ મળે : બંગાળમાં 'પાન'ની ખેતી સાફ !!

અમ્ફાન વાવાઝોડાએ પાનની ખેતીનો સોથ વાળી દિધો : ૫ હજાર કરોડનું નુકસાન : એકલા ભારતમાંથી વર્ષે ૯ હજાર ટન વિદેશમાં નિકાલ થાય છે : તેમાં ૪૦ ટકા ફાળો બંગાળનો છે

રાજકોટ તા. ૩ : થોડા દિવસ પહેલા આવેલા સુપર સાયકલોન અમ્ફાન વાવાઝોડાએ પશ્ચિમ બંગાળમાં હજારો હેકટર જમીન ઉપર થનાર પાનની ખેતીને સાફ કરી નાખી છે, અને તેના પરિણામે બંગાળનું દેશ વિખ્યાત મીઠુ પાન રાજકોટ સહિત દેશભરના પાન રસીયાઓને આ વર્ષે ખાવા નહિ મળે તેમ પાનજગતના સૂત્રો ઉમેરી રહ્યા છે.

બંગાળના કૃષિ વૈજ્ઞાનિકોએ ઉમેર્યું હતું કે, હવે પાનની ખેતીને પાછી પાટા ઉપર દોડાવવામાં ૧ વર્ષ જેવો સમય લાગી શકે છે. વાવાઝોડાએ પાનની ખેતીને લગભગ ૫ હજાર કરોડનું નુકસાન કર્યાનો અંદાજ બહાર આવ્યો છે.

અત્રે એ નોંધનીય છે કે દેશમાં ૧૫ લાખ ખેડૂતો પાનની ખેતી સાથે જોડાયેલા છે, એમા બંગાળના જ ૫ લાખ ખેડૂતો છે, મુખ્યમંત્રી શ્રી મમતા બેનરજીએ પાનની ખેતીના નુકસાન સામે હાલ ૨૦૦ કરોડની રાહતની જાહેરાત પણ કરી છે.

કલકત્તાના રીપોર્ટ મુજબ બંગાળમાં હાવડા, મિદનાપુર, દક્ષિણ ૨૪ પરગના જિલ્લામાં આ મીઠી - નવાબી પાનની ખેતી થાય છે. દુનિયામાં ૯૦ પ્રકારના પાન થાય છે, આમાંથી ૪૫ પ્રકારના પાન ભારતમાં મોજુદ છે, આમાં પણ ૩૦ પ્રકારના પાન તો ખાલી બંગાળમાં જ થાય છે. એમાં પણ રાજકોટ સહિત પાન તો ખાલી બંગાળમાં જ થાય છે. એમાં પણ રાજકોટ સહિત દેશભરમાં બાંગ્લા, બાંગ્લા મીઠા પાન, કાળુ પાન, પાન રસીયાઓમાં ભારે લોકપ્રિય છે.

રાજકોટના પાન રસીયાઓની વાત કરીએ બંગાળના મીઠા પાન સાથે ૧૨૦, ૩૦૦ નંબરની તમાકુ ખાવાવાળો વર્ગ એક અલગ અંદાજ ધરાવે છે, તો મીઠુ સાદુ પાન ખાવાવાળા હજારો લોકો છે.

એક વિગત મુજબ ભારતમાંથી વર્ષે ૯૦૦૦ ટન પાનની વિદેશોમાં નિકાલ થાય છે, આમાં ૪૦ ટકા તો બંગાળમાંથી જાય છે.  પાનમાં ઔષધિય ગુણ પણ છે, કેટલીય સમસ્યાઓમાં પાન બહુ ઉપયોગી સાબિત થયું છે.

(12:49 pm IST)