Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

હુમલામાં ઘાયલ નાણાવટી ચોકના મુમતાઝબેનનું મોતઃ હત્યા

પરમ દિવસે ડખ્ખો થતાં પડખામાં છરીના ઘા ઝીંકાયા'તાઃ સારવાર દરમિયાન આજે સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ પરિવારમાં માતમ :દેરાણી શબાના સાથે જુના મનદુઃખને લીધે પડોશીઓ હુશેન ઢીંગી, તેની ઘરવાળી જીન્નત, પુત્ર હુશેન તથા પુત્રી નાઝમીન માથાકુટ કરતાં હોઇ વચ્ચે પડેલા જેઠાણી મુમતાઝબેનને પર હુમલો થયો હતોઃ સારવાર દરમિયાન આજે દમ તોડ્યોઃ યુનિવર્સિટી પોલીસે ચારેય વિરૂધ્ધ મારામારીનો ગુનો નોંધ્યો હતોઃ હત્યાની કલમ ઉમેરી સકંજામાં લેવાયા

પરમ દિવસે હુમલો થતાં પડખામાં છરીનો ઘા ઝીંકાતા ગંભીર ઇજા પામનાર મુમતાઝબેન જૂણેજા સારવારમાં હતાં ત્યારની તસ્વીર (મોઢે માસ્ક બાંધ્યુ છે તે), બાજુમાં તેના દેરાણી શબાનાબેન નજરે પડે છે. તેને છોડાવવા જતાં જ મુમતાઝબેન પર હુમલો થયો હતો. નીચેની તસ્વીરમાં આજે મૃત્યુ થયા બાદ મુમતાઝબેનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે લઇ જતાં પરિવારજનો જોઇ શકાય છે. છેલ્લી તસ્વીરમાં પીઆઇ આર. એસ. ઠાકર, ગિરીરાજસિંહ સહિતનો સ્ટાફ અને ઇન્સેટ તસ્વીરમાં મુમતાઝબેનનો ફાઇલ ફોટો જોઇ શકાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૩: ગાંધીગ્રામના નાણાવટી ચોક આરએમસી કવાર્ટરમાં પરમ દિવસે મુસ્લિમ સંધી પરિવારના દેરાણી-જેઠાણી પર પડોશી મુસ્લિમ પ્રોૈઢ, તેના પત્નિ અને પુત્ર-પુત્રી મળી ચાર જણાએ જુના મનદુઃખને લીધે કૂકરના ઢાંકણા અને છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ગંભીર ઇજા પામનાર જેઠાણીએ આજે સિવિલ હોસ્પિટલમાં દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે. બનાવને પગલે પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીગ્રામ નાણાવટી ચોક આરએમસી આવાસ કવાર્ટર નં. ૨૭૭માં રહેતાં મુમતાઝબેન હનીફભાઇ જૂણેજા (સંધી) (ઉ.વ.૩૮) તથા તેમના દેરાણી શબાનાબેન ફિરોઝભાઇ (ઉ.૩૦) પર તા.૧ના બપોરે પોણા બારેક વાગ્યે પડોશમાં જ રહેતાં હુશેન ઢીંગી, તેના પત્નિ જીન્નતબેન, પુત્રી નાઝમીન અને પુત્ર સદામે કૂકરના ઢાંકણા, પાઇપ અને છરીથી હુમલો કરતાં દેરાણી-જેઠાણી બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં જેઠાણી મુમતાઝબેનને પડખામાં છરીના ઘાથી વધુ ઇજા પહોંચી હોઇ દાખલ કરાયા હતાં અને દેરાણીને પ્રાથમિક સારવાર અપાઇ હતી.

બનાવની જાણ હોસ્પિટલ ચોકી મારફત યુનિવર્સિટી પોલીસને થતાં હેડકોન્સ. ઇકબાલભાઇ ટી. મોરવાડીયાએ હોસ્પિટલે પહોંચી મુમતાઝબેન જૂણેજાની ફરિયાદ પરથી હુમલો કરનાર હુશેન ઢીંગી, તેની પત્નિ તેમજ પુત્ર-પુત્રી સામે આઇપીસી ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં મુમતાઝબેને એ દિવસે જે ફરિયાદ નોંધાવી હતી તે અક્ષરશઃ આ મુજબ છે....હું પરિવાર સાથે રહુ છું અને ઘરકામ કરુ છું. મારા પતિ ઓટો રિક્ષા ચલાવે છે. આજે (૧-૦૬-૨૦)ના બપોરે પોણા બારેક વાગ્યે અમારા કવાર્ટર પાસે બકાલાની લારીએ બકાલુ લેતી હતી ત્યારે મારા દેરાણી શબાનાબેન ગેઇટની અંદર પહેલા બ્લોક પાસે આવતાં ત્યાં પહેલા બ્લોકમાં જ રહેતાં હુશેન ઢીંગી, તેની ઘરવાળી જીન્નત, તેનો દિકરો સદામ એમ ત્રણેય મારા દેરાણી સાથે ઝઘડો કરતાં હતાં. જીન્નતે    મારી દેરાણીને લોખંડનો પાઇપ દાઢી પર મારી દીધો હતો. જ્યારે હુશેન પાસે કૂકરનું ઢાંકણું હતું, તેનાથી તેણે શબાનાને નાક પર ઘા ફટકાર્યો હતો. બધા ગાળાગાળી કરતાં હોઇ હું દોડીને દેરાણીને છોડાવવા જતાં સદામે મને પડખામાં છરીના ઘા મારી દેતાં લોહી નીકળવા માંડ્યા હતાં.

એ પછી શબાના સાથે તેની બહેનપણીઓ રેશ્માબેન, જસ્મીનબેન વગેરે આવી જતાં અમને છોડાવ્યા હતાં. મારવા વાળા ચારેય ત્યાંથી ભાગી ગયા હતાં. કોઇએ ૧૦૮ને ફોન કરતાં પડોશી જ્યોત્સનાબેન ભટ્ટી મને દવાખાને લાવ્યા હતાં. જીન્નતની છોકરી નાઝમીને પણ મને ગાળો દઇ ઢીકા-પાટુનો માર માર્યો હતો. આ બનાવનું કારણ એ છે કે અગાઉ અમારે ઝઘડો થયો હોઇ તેનો ખાર રાખી આ માથાકુટ કરવામાં આવી હતી.

પોલીસે ઉપરોકત ફરિયાદને આધારે આરોપીઓને ગઇકાલે જ સકંજામાં લેવા તજવીજ કરી હતી. ત્યારથી મુમતાઝબેન સારવાર હેઠળ હતાં. દરમિયાન આજે મુમતાઝબેને દમ તોડી દેતાં બનાવમાં હત્યાની કલમનો ઉમેરો કરવા કાર્યવાહી કરવામાં આવી છે. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની રાહબરીમાં પીઆઇ આર. એસ. ઠાકર, પીએસઆઇ એમ. વી. રબારી, રાઇટર ગિરીરાજસિંહ જાડેજા, બલભદ્રસિંહ ચુડાસમા સહિતે હત્યાની કલમ ઉમેરવા તજવીજ કરી હતી.

હત્યાનો ભોગ બનેલા મુમતાઝબેનને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. બનાવથી સ્વજનોમાં માતમ છવાઇ ગયો હતો.

અગાઉ મુમતાઝબેનની દેરાણીની સામે જોવા મામલે માથાકુટ થયેલી

જે દિવસે મુમતાઝબેન અને તેના દેરાણી શબાનાબેન પર હુમલો થયો ત્યારે એવો આક્ષેપ કરાયો હતો કે શબાનાબેન કપડા ધોતી હતી ત્યારે તેની સામે જોતાં અગાઉ માથાકુટ થઇ હતી. ત્યારથી આ પરિવારો વચ્ચે મનદુઃખ ચાલતું હતું. તેના કારણે જ પરમ દિવસે ફરીથી ડખ્ખો થયો હતો અને મારામારી થઇ હતી.  જો કે આ વખતે મેબલો હાજર નહોતો.

(2:45 pm IST)