Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

કાલે એકપણ દરખાસ્ત વગરની જિલ્લા પંચાયતની કારોબારીઃ આરોગ્ય સહિતના મુદ્દે તડાપીટના એંધાણ

એક પખવાડિયામાં ૪ સમિતિઓ અને બોર્ડ બેઠક : તા. પ મીએ બાંધકામ, ૯ મીએ સિંચાઇ, ૧૧ મીએ શિક્ષણ સમિતિ મળશે : ૧૮ મીએ સામાન્ય સભા

રાજકોટ, તા. ૩ :  જિલ્લા પંચાયતમાં લોકડાઉન પછી કામગીરી રાબેતા મુજબ શરૂ થતા એક પછી એક સમિતિઓની બેઠકો મળવાનું શરૂ થઇ રહ્યુ છે. લોકડાઉન પછી પ્રથમ વખતે કાલે કારોબારી બેઠક મળનાર છે. તા. પ મીએ બાંધકામ સમિતિની બેઠક, તા. ૯ મીએ સંચાઇ સમિતિની બેઠક અને તા. ૧૧મીએ શિક્ષણ સમિતિની બેઠક મળવનાર છે. તા. ૧૮મીએ સામાન્ય સભા મળશે. એક જ પખવાડિયામાં ૪ સમિતિની બેઠક અને સામાન્ય સભા યોજાય તેવું પ્રથમ વખત બની રહ્યું છે.

કાલની કારોબારી બેઠક પોણા ત્રણ મહિના બાદ મળી રહી છે જેમાં દર વખતે હોય છે તેવી નવા કામોની કે મુદત વધારા જેવી એકપણ દરખાસ્ત નથી. માત્ર ગઇ કારોબારીના કામોને બહાલી આપવાનો અને ઠરાવોની જાણકારી આપવાનો  મુદ્દો છે. કાલે કોઇ નવો નિર્ણય લેવો હોય તે અધ્યક્ષ સ્થાનેથી દરખાસ્ત રજુ કરવાની  થશે. એક-બે તાલુકામાં નવા આયુર્વેદ દવાખાના ખોલવા માટે અધ્યક્ષ સ્થાનેથી ઠરાવ થઇ શકે છે. કોરોનાને અનુલક્ષીને આરોગ્ય વિભાગની કામગીરી તેમજ અન્ય વિભાગના પડતર પ્રશ્નો અને ખાલી જગ્યા ઉપર આઉટસોસીંગથી ભરતી કરવા અગાઉ થયેલા ઠરાવ બાબતની ચર્ચા થશે. ભૂતકાળમાં કારોબારી સમિતિમાં વહીવટી વિલંબ અંગે તડાપીટ બોલેલ. આવતીકાલે પદાધિકારીઓ તેનું પુનરાવર્તન કરે તેવી શકયતા નકારાતી નથી. શાખા અધિકારીઓ પાસે વિગતવાર માહિતી માંગવામાં આવી છે.

(11:40 am IST)