Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

અમદાવાદ જેલમાંથી જેનો કબ્જો મેળવાયો એ માંડા ડુંગરના બૂટલેગરને કોરોના પોઝિટિવઃ પીએસઆઇ સહિત ૪ કવોરન્ટાઇન

રાજકોટ પેરોલ ફરલો સ્કવોડના પીએસઆઇ અસલમ અંસારી, એસઓજીના કર્મચારીઓ અનિલસિંહ ગોહિલ, કૃષ્ણસિંહ ઝાલા અને પ્રદિપસિંહ ગોહિલને કવોરન્ટાઇન કરાયાઃ ક્રાઇમ બ્રાંચની ઓફિસને સેનેટાઇઝ કરવામાં આવીઃ ઠેબચડાથી ૭૦ પેટી દારૂ પકડાતાં માંડા ડુંગર પાસે રહેતો ભાવેશ ડાભી ૪ માસથી પાસા તળે અમદાવાદ હતોઃ બીજા ગુનામાં નામ ખુલતાં ગઇકાલે કબ્જો મેળવ્યો, સાંજે રિપોર્ટ કરાવ્યો અને રાતે પોઝિટિવ : ભાવેશ ડાભીનો કેસ રાજકોટ જીલ્લામાં નોંધાયોઃ શહેર અને જીલ્લાનો કુલ આંકડો ૧૧૭ થયો : જેને પોઝિટિવ આવ્યો તેનામાં કોરોનાના કોઇ લક્ષણો પણ નથી!: કિટીપરાની મહિલા બુટલેગર પોઝિટિવ આવ્યા બાદ પ્ર.નગરના પીએસઆઇ કે. ડી. પટેલ અને ટીમના ૭ કર્મચારી ૭ દિવસથી કવોરન્ટાઇન છે ત્યાં બીજા પાંચ કર્મચારી પર જોખમ ઉભુ થયું

રાજકોટ તા. ૩: કોરોના મહામારીના સતત નવા કેસો સામે આવવાનું યથાવત રહ્યું છે. અગાઉ રાજકોટ શહેર પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ સહિત સાત કર્મચારીઓને મહિલા બૂટલેગરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં કવોરન્ટાઇન થવું પડ્યું હતું. આ તમામ છેલ્લા સાત દિવસથી કવોરન્ટાઇનમાં છે. ત્યાં પેરોલ ફરલો સ્કવોડ અને એસઓજીના પીએસઆઇ તથા બીજા ત્રણ કર્મચારીઓને કવોરન્ટાઇન થવાની વેળા આવી છે. આ ટીમે ગઇકાલે અમદાવાદ સાબરતમતિ જેલમાંથી દારૂના ગુનામાં જેનો ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવ્યો એ ભાવનગર રોડ માંડા ડુંગર નજીક રહેતાં  કોળી શખ્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં દોડધામ મચી ગઇ હતી. આ શખ્સને કોવિડ-૧૯માં દાખલ કરાયો છે. જ્યારે પીએસઆઇ સહિત ચારને ફેસિલિટી કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

જાણવા મળ્યા મુજબ વિદેશી દારૂના ગુનામાં માંડા ડુંગર પાસે રહેતાં ભાવેશ દેહાભાઇ ડાભી નામના કોળી શખ્સનું નામ ખુલ્યું હતું. આ શખ્સ અગાઉ ઠેબચડામાં ૭૦ પેટી દારૂ પકડાયો તેમાં પણ સંડોવાયો હોઇ તેને પાસા તળે અમદાવાદ જેલમાં ધકેલાયો હતો. તેનો સાબરમતિ જેલમાંથી કબ્જો મેળવવા ગઇકાલે પેરોલ ફરલો સ્કવોડ અને એસઓજીના પીએસઆઇ એમ. એસ. અન્સારીએ કાર્યવાહી કરી હતી.

ભાવેશનો ગઇકાલે સાબરમતિ જેલમાંથી કબ્જો મેળવવામાં આવ્યો હતો અને રાજકોટ ક્રાઇમ બ્રાંચ પાસે બેસતી પેરોલ ફરલો સ્કવોડ-એસઓજીની ઓફિસમાં તેને લાવવામાં આવ્યો હતો. જો કે અમદાવાદ જેલમાંથી તેને લાવવામાં આવ્યો હોઇ ધરપકડની વિધી કર્યા પહેલા તેનો કોરોના રિપોર્ટ કરાવવા માટે સાંજે તેને સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો. મોડી રાતે તેનો રિપોર્ટ પોઝિટિવ જાહેર થતાં તેને કોવિડ-૧૯માં દાખલ કરાયો હતો. ભાવેશ ડાભીનો આ પોઝિટિવ કેસ રાજકોટ જીલ્લામાં નોંધાયો છે. શહેર અને જીલ્લાનો કુલ આંકડો ૧૧૭ થયો છે.

ભાવેશ ડાભીના સંપર્કમાં પીએસઆઇ એમ. એસ. અંસારી, એસઓજીના રાઇટર અનિલસિંહ ગોહિલ, પ્રદિપસિંહ ગોહિલ અને કૃષ્ણસિંહ ઝાલા પણ આવ્યા હોઇ આ ચારેય આજે સવારે મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગની સુચના અનુસાર કવોરન્ટાઇન થયા છે. અગાઉ કવોરન્ટાઇન થયેલા પીએસઆઇ પટેલ અને બીજા સાત કર્મચારીઓ સાત દિવસથી કવોરન્ટાઇ છે અને હજુ તેમના સેમ્પલ લેવાના બાકી છે ત્યાં શહેર પોલીસના વધુ એક પીએસઆઇ સહિત ચાર કર્મચારી કોરોના પોઝિટિવ આરોપીના સંપર્કમાં આવતાં જોખમમાં મુકાયા છે.

જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો એ ભાવેશ ડાભી ચાર મહિનાથી પાસા તળે અમદાવાદ જેલમાં હતો. તેનામાં કોરોનાને લગતા કોઇ લક્ષણો પણ જોવા મળ્યા નથી.  તેવું જાણવા મળ્યું છે.

અમદાવાદ જેલમાં ભાવેશ જ્યાં હતો એ બેરેકના કેદીઓ તેમજ જેલ કર્મચારીઓમાં પણ ફફડાટ

. પાસાના ગુનામાં અમદાવાદ સાબરમતિ જેલમાંથી જેનો કબ્જો લેવાયો એ ગુંદાનો ભાવેશ ડાભી રાજકોટમાં ચકાસણી વખતે કોરોના પોઝિટિવ જાહેર થતાં ભાવેશ જેલની જે બેરેકમાં હતો તેના તમામ કેદીઓ તેમજ ભાવેશના સંપર્કમાં આવેલા જેલ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ તમામની પણ આરોગ્ય ચકાસણી કરવામાં આવશે.

(10:27 am IST)