Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

જ્વલનશીલ પ્લાસ્ટીક-પ્લાયવુડનો પાર્ટીશનમાં ઉપયોગ ન કરવા તાકીદ

ફાયર સેફટી અંગે કોચીંગ કલાસીસ અને હોલ્પીટલમાં સંચાલકો માટે માગદર્શન સેમીનારમાં કમિશનર બંછાનિધિ પાની

રાજકોટ, તા.૩: તાજેતરમાં સુરત શહેરમાં કોચીંગ કલાસમાં આગ લાગવાના બનાવ અનુસંધાને રાજકોટ શહેરમાં પણ કોચીંગ કલાસો, શાળા વિગેરેમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી જળવાય તે માટે આજરોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાનીએ વિસ્તૃત માર્ગદર્શન આપી ઉપસ્થિત સૌ કોઈની મૂંઝવણ દુર કરી હતી.

રૈયા રોડ પર સ્થિત  પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ સેમિનારમાં મોટી સંખ્યામાં હાજર રહેલા કોચિંગ કલાસ અને હોસ્પિટલોના સંચાલકોને માર્ગદર્શન આપતા મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ એમ કહ્યું હતું કે, આપણા વ્યવસાયમાં સૌની સેફ્ટી એ સર્વપ્રથમ અગ્રતા હોવી જોઈએ. આપણા કોઇપણ સંકુલમાં ફાયર સેફ્ટી માટેના સાધનો અને સંકુલમાં કટોકટી વખતે ત્યાંથી ઝડપભેર સલામતરીતે બહાર આવી શકાય એ પ્રકારે એકઝીટની વ્યવસ્થા ખાસ હોવી જરૂરી છે. ખાસ કરીને કોચિંગ કલાસમાં અભ્યાસ કરતા છાત્રો આપણું ભવિષ્ય છે અને તેને સુરક્ષીત રાખવું એ આપણી પ્રથમ ફરજ છે. સંચાલકોએ પ્રોફેશનલ ઢબે તેમના સંકુલને સેઈફ એન્ડ સિકયોર બનાવવું અત્યંત આવશ્યક છે. 

મ્યુનિ. કમિશનરશ્રીએ વધુમાં કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા તમામ સંચાલકોની સાથે જ છે. સિસ્ટમ કોઈને પરેશાન કરવા નાં જ ઈચ્છતી જ હોય એ સ્વાભાવિક છે. તમામ સંચાલકોને ફાયર એન.ઓ.સી. મેળવી લેવાની સૂચના આપતા કમિશનરશ્રીએ એમ પણ કહ્યું હતું કે, એન.ઓ.સી. મેળવવા માટે સંચાલકોએ શું શું કરવું દ્યટે તેનું એક ચેકલીસ્ટ સૌને આપ્યું છે અને તેમાં દર્શાવેલ બાબતોની પૂર્તિ કરી આપવાથી તુર્ત જ તંત્ર દ્વારા સંચાલકોને એન.ઓ.સી. ઇસ્યુ કરી આપવામાં આવશે. વહીવટી તંત્ર કોઈને હેરાન કરવા માંગતું નથી પણ વિદ્યાર્થી ભાઈ-બહેનોની સલામતી અને સુરક્ષાની બાબતમાં પણ કોઈ પ્રકારની બાંધછોડ કરી શકાય નહી. આ બાબતને તમામ સંચાલકોએ ગંભીરતાપૂર્વક ધ્યાને રાખીને પોતપોતાના સંકુલમાં આવશ્યક જે જોઈ વ્યવસ્થા કરવાની થતી હોય તે કરવી જ જોઈએ. આ માટે સંચાલકોને ૭ દિવસનો સમય આપવામાં આવે છે. ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવા તમામ સંકુલોની ચકાસણી કરવામાં આવશે અને જે સંકુલમાં આવશ્યકતા અનુસાર વ્યવસ્થા કરાયેલી નહી હોય તેને આખરે નાછૂટકે બંધ કરાવવામાં આવશે.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ આ તકે વધુમાં જણાવ્યું હતું કે, કોચિંગ કલાસમાં જગ્યામાં આવશ્યકતા અનુસાર યોગ્ય પ્રકારે વેન્ટીલેશન હોવું જોઈએ. તેમજ સંકુલમાંથી બહાર નીકળવા માટે યોગ્ય એકઝીટની વ્યવસ્થા એવા પ્રકારે હોવી જોઈએ કે બહાર નીકળવાના રસ્તા પર કોઇપણ પ્રકારની આડશ નડતરરૂપ નાં બને. ઝડપથી સળગી ઉઠે તેવા જવલનશીલ મટીરીયલ્સજેવા કે, પ્લાસ્ટિક અને પ્લાયવૂડ વગેરેનો પાર્ટીશન બનાવવા માટે સંકુલમાં ઉપયોગ ના કરવો. સંકુલમાં ઇલેકિટ્રક વાયરિંગ કન્સિલ કરવાનું રહેશે તેમજ વિજ ભાર અનુસાર સેફ્ટી સ્વીચ પણ લગાવવાની રહેશે. આઈ.એસ.આઈ. માર્કાના CO2, વોટર CO2, ABC Type અને કલીન એજન્ટ અને એ પ્રકારના જરૂરી ફાયર એકસટિંગયુસર જરૂરિયાત મુજબ મુકવા આવશ્યક છે. કોમ્પ્યુટર કલાસમાં ઘ્બ્૨ અને કેમેસ્ટ્રી લેબમાં DCP હોવા જોઈએ. પેન્ટ્રી રસોડામાં કલીન એજન્ટ રાખવાના રહેશે. ઉપયોગમાં લેવાતી ઈમારત ઓથોરાઈઝડ હોવી જોઈએ. ળો-રાઈઝ બિલ્ડિંગ હોય તો બહાર નીકળવાનો (સ્ટેર કેસ) રસ્તો ૧.૫ મીટર પહોળો હોવો જરૂરી છે અને હાઈ-રાઈઝ હોય તો સ્ટેર કેસની પહોળાઈ ૨.૦૦ મીટર હોવી જોઈએ.

માનનીય કમિશનરે કહ્યું હતું કે સુરતની ઘટના ગેસના કારણે છે. જો પર્યાપ્ત દરવાજા અને બારીઓ હોય તો આગ દરમ્યાન બહાર નીકળવા માટે પૂરતો સમય મળી શકે છે. ટૂંકમાં, ઊંચાઈ,  વેન્ટિલેશન,પાથ પર કોઈ અવરોધ,અલગ એન્ટ્રી અને બહાર નીકળો, સિગ્નેજ, પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નંબર્સ સાથેના કટોકટીની બહારના બધાને જાણ હોવી જોઈએ.

આ માર્ગદર્શન સેમિનારમાં કમિશનર  બંછાનિધિ પાનીએ ઉપસ્થિત સંચાલકો તરફથી રજુ કરાયેલા આનુંસાગિક પ્રશ્નોના જવાબમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ટી.પી.ઓ.  એમ.ડી.સાગઠીયાએ સંકુલનાં બાંધકામ કેવા પ્રકારનું હોવું જરૂરી હોય તે અંગે અને ચીફ ફાયર ઓફિસર  બી.જે.ઠેબાએ વિવિધ આગના પ્રકારો અને તેને બુઝાવવા માટેની રીટ તથા તેનાથી બચવા માટેના ઉપાયો અંગે પણ કલાસ અને હોસ્પિટલ સંચાલકોને વિવિધ મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

(4:15 pm IST)