Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

કેમ છો કાકા મજામાં, કંઈ તકલીફ તો નથી ને? લાવો બા તમારા વાળમાં મસાજ કરી વાળ ઓળી આપુ

સિવિલ અને કેન્સર હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરતા કર્મચારીઓ

રાજકોટઃ ''કેમ છો કાકા મજામાં, કાંઇ તકલીફ તો નથી ને ? કામ હોય તો ખાલી હાથ હલાવી ઇશારો કરજો એટલે  હાજર'', ''લાવો બા તમાારા વાળમાં મસાજ કરી ઓળી આપું.''  ''એમ ન ચાલે થોડુ તો ખાવું જ પડશે'' આવા લાગણીભીના દ્રશ્યો અને શબ્દો આપણને કોઈ આત્મીય પરિવારના હોય તેવી પ્રતિત થાય. પણ ના, આ આત્મીયતાપૂર્વકના લાગણીભીના દ્રશ્યો અને સંવાદો છે રાજકોટની સીવીલ કોવીડ-૧૯ હોસ્પીટલ અને કેન્સર હોસ્પીટલ ખાતે કોરોના દર્દીઓની સારવારમાં સેવારત કોરોના વોરીયર્સ એવા સ્ટાફ નર્સ, એટેન્ડન્ટ અને કોરોના દર્દીઓ વચ્ચેના....

કોરોના મહામારીના કપરાના સમયમાં જયારે કોરોનાના દર્દીઓ આપ્તજનથી દુર સારવાર લેતા હોય ત્યારે આપ્તજનની ખોટ સાલે નહી તે માટે મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફ ઘરથી દુર 'ઘર-પરિવાર' જેવું વાતાવરણ પુરુ પાડવા સતત પ્રયત્નશીલ રહે છે. કારોના દર્દીઓ હકારાત્મક ઉર્જાથી ભરપુર અને માનસિક રીતે સ્વસ્થ રહે તે માટે તેઓ આ દરેક દર્દીઓ સાથે આત્મીયતા કેળવી તેઓને નવડાવવા, અરૂચી હોય તો પણ આગ્રહ કરી પોષક આહાર લેવડાવવા, સાફસફાઇ ઉપરાંત તેમના પરીવારજન સાથે વીડીયો કોલીંગથી વાતો કરાવવી જેવી એનકવિધ કામગીરીઓ કરી રહયાં છે.

રાજકોટના વ્યવસાયે શિક્ષક એવા યોગીતાબેન ચાવડા આ બાબતની સાક્ષી પુરાવતા જણાવે છે કે, તેઓના સાસુ ભાનુબેન સ્વભાવે ઢીલા છે. કોરોના પોઝીટીવ આવતા તેઓને તા. ૧૨મી એપ્રીલે ઓકસીજન લેવલ ઓછું થવાથી સીવીલ હોસ્પીટલ ખાતે  દાખલ કર્યા હતા. ત્યારબાદ છ દિવસ પછી કેન્સર હોસ્પીટલ ખાતે શિફટ કરવામાં આવ્યા હતા. આ બન્ને સ્થળોએ સારવારમાં કાર્યરત મેડીકલ ઓફીસરો, નર્સીંગ સ્ટાફ તથા એટેન્ડન્ટ વોર્ડ બોય સહિતના તમામ સ્ટાફનો અનુભવ ખુબજ સંતોષકારક અને હૈયે શાતાવળે એવો રહ્યો છે. તેઓ વધુમાં જણાવે છે કે કોઇને ખાવામાં અરૂચી લાગે તો તેઓ પ્રેમાળભાવે જમાડે છે. મારા સાસુને તા.૧૨મી એપ્રીલે દાખલ કરેલ હોઇ તેમના વાળ ગુંચવાઇ ગયા હતા, તો કેન્સર હોસ્પીટલના સ્ટાફ નર્સ બહેને ''લાવો બા તમારા વાળમાં મસાજ કરી આપું'' તેમ કહી તેમને તેલ નાંખી મસાજ કરી વાળ પણ ઓળી આપ્યા હતા. આ વાત અમને વિડીયો કોલીંગમાં મારા સાસુએ જણાવી ત્યારે પરિવારના તમામ સભ્યોના હૈયા લાગણીથી ભરાઇ આવ્યા હતા. તેઓ મારા સાસુના ડાઇપર શીખે પણ બદલાવી આપે છે. આમ કર્મચારી હોવા છતાં આપ્તજન કરતા પણ અદકેરી સેવા કરતા આ તમામ આરોગ્ય કર્મીઓની સેવા કોઇ કઠીન સાધનાથી જરાપણ ઉતરતી નથી.

(4:14 pm IST)