Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

રાજકોટમાં રાહતઃ કોરાના કેસમાં ૪૦ ટકાથી વધુનો ઘટાડોઃ રિકવરી રેટ ૮૮ ટકાથી ઉપર

મીની લોકડાઉન -સ્વૈચ્છીક લોકજાગૃતી સાવચેતીનું પરિણામ મળવા લાગ્યુ : ૧૦૪-સંજીવની રથના કોલમાં ત્રણ ગણો ઘટાડોઃ સ્મશાનોમાં હવે લાઇનો નથીઃ કન્ટેન્ટમેન્ટ ઝોન ૬ થી ૭ હજાર અમલીઃ લોકો ભય ન રાખે સાવચેત રહેઃ મ.ન. પા. વેકસીનેશનની ઝડપ વધારવા વધુ સ્ટાફ ક્રમશઃ વધારશેઃ મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલની અપીલ

ચૌધરી હાઇસ્કુલમાં આજે સવારે એમ્બ્યુલન્સની લાઇનો ન હતી : રાજકોટઃ કોરોના સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે કેમ કે આજે સીવીલ કોવિડમાં દાખલ થવા માટે ચૌધરી હાઇસ્કુલ મેદાનમાં એમ્બ્યુલન્શની લાઇનો જોવા મળી ન હતી.

રાજકોટ તા. ૩ :.. શહેર જીલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી કોરોનાં સંક્રમણમાં ૪૦ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. અગાઉ રોજના ૬૦૦ જેટલા કેસ આવતા હતાં જે ઘટીને ૪૦૦ આસપાસનાં થઇ ગયા છે. સીવીલ કોવીડમાં દાખલ થવા માટે એમ્બ્યુલન્સની લાઇનો ઘટી ગઇ છે. ટેસ્ટીંગ બુથમાં પણ ભીડ નથી જોવા મળતી. આમ રાજકોટમાં રાહતનો અનુભવ થવા લાગ્યો છે.

મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલે જાહેર કરેલ આંકડિય વિગતો મુજબ શહેરમાં કન્ટેન્ટમેન્ટ ઝોનનો કડક અમલ થઇ રહ્યો છે. આજે ૬ હજાર જેટલા કન્ટેન્ટમેન્ટ ઝોન છે. કેસમાં અને મોતમાં ઘટાડો જોવા મળ્યો છે. હવે સ્મશાનોમાં હવે અંતિમવિધી માટે લાઇનો નથી.

શ્રી અગ્રવાલનાં જણાવ્યા મુજબ થોડા દિવસ અગાઉ ૧૦૪ અને સંજીવની રથ માટે  ૧૬૦૦ જેટલા કોલ આવતાં હતાં. જે હવે ઘટીને ૪૦૦ થી ૪પ૦ જેટલા થઇ ગયા છે. આથી હવે વેકસીનેશનની કામગીરી ઝડપી બનાવવા આ સ્ટાફને વેકસીનેશનમાં મુકવામાં આવનાર છે.

આમ શહેરમાં કોરોનાં સંક્રમણમાં રાહત થઇ રહી છે.

ટેસ્ટીંગ ઘટયુ

આ ઉપરાંત ટેસ્ટીંગ બુથ ઉપર અગાઉ જે લાંબી લાઇનો લાગતી હતી તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે મ.ન.પા.ના તંત્ર દ્વારા ટેસ્ટીંગ થઇ રહયું છે.

ખાનગી લેબોરેટરીમાં પણ ભીડ નથી

દરમિયાન ખાનગી લેબોરેટરીમાં પણ અગાઉ આર. ટી. પી. સી. આર.  માટે લોકોની મોટી ભીડ જોવા મળતી હતી ત્યાં આજે ટેસ્ટીંગ કરવા આવનારાઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો.

આમ મીની લોકડાઉન, સ્વૈચ્છીક લોક જાગૃતિ અને સાવચેતી તેમજ તંત્રની જહેમતથી કોરોનાં સંક્રમણ ઘટવા લાગ્યુ છે ત્યારે લોકો કોઇપણ જાતનો ભય ન રાખે અને સાવચેત રહે, જરૂર વગર બહાર ન નિકળે માસ્ક પહેરે અને સોશ્યલ ડીસ્ટેન્શ જાળવે તેમજ વેકસીન મુકાવે તેવી અપીલ મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલે આ તકે કરી છે.

(3:37 pm IST)