Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

ગૌતમ પાર્કમાં ટ્રાવેલ્સ સંચાલકના મકાનમાં થયેલી ૨૫ લાખની ચોરીમાં ત્રણ શકમંદોની પુછપરછ

જ્યાં ચોરી થઇ તે મકાન બાજુમાં તસ્કરોએ તોડેલા કબાટ અને સામાન વેરવિખેર તથા મકાન માલીક નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ,તા. ૩: મવડી હેડ કવાર્ટર નજીક આવેલી ગૌતમ પાર્કમાં રહેતા ટ્રાવેલ્સ સંચાલકના બંધ મકાનમાં થયેલી ૪.૩૦ લાખની રોકડ તથા દાગીના મળી રૂ. ૨૫.૨૧ લાખની મતાની ચોરીમાં તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં જ ત્રણ શખ્સોને પકડી પુછપરછ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ ગૌતમપાર્કમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા મગનભાઇ ચતુરભાઇ જાદવ ગઇ તા. ૨૯ના રોજ સાયલાના સુદામડા ગામે રહેતા તેના મામાનું અવસાન થયુ હોય પરિવારજનો સાથે લૌકીક ક્રીયાએ ગયા હતા. દરમિયાન તા.૧ના રોજે તેમના પત્ની પણ ઘરે તાળા મારી સુદામડા ગામે ગયા હતા. તેનો પુત્ર અને પુત્રવધુ પંચરત્ન પાર્કમાં આવેલ તેના નવા મકાને હોય,ગઇ કાલે બંધ મકાને આંટો મારવા આવ્યા ત્યારે મકાનના તાળા તુટેલા અંદર જોતા સામાન વેરવિખેર અને તીજોરી તુટેલી જોતા ચોરી થઇ હોવાની ખબર પડતા તેણે તાકીદે પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ. રાઠવા તથા પીએસઆઇ એન.ડી.ડામોર સહિતના સ્ટાફે સ્થળ પર પહોંચી તપાસ કરતા મકાનમાંથી રૂ. ૪.૩૦ લાખની રોકડ તેમજ તીજોરીના તાળા તોડી તેમાંથી સોનાનો ચેઇન, પેડલ સાથે, સોનાની માળા, સોનાનું લોકેટ, સોનાનું કડુ, સોનાનો મોતીવાળો દોરો, બંગડી, બુટી, પાટલા, ચાંદીના સડા સહિત રૂ. ૨૫.૨૧ લાખની મતા ચોરી થયાનું બહાર આવતા પોલીસે મગનભાઇ જાદવની ફરિયાદ દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે ત્રણ શખ્સોને પકડી પુછપરછ કરતા ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે મુદ્દામાલ કબ્જે કરવા તપાસ હાથ ધરી છે.

(3:33 pm IST)