Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

આજથી ખાનગી તમામ કોવીડ-નોનકોવીડ હોસ્પિટલ માટે રજીસ્ટ્રેશન ફરજીયાત : કલેકટરનો મહત્વનો નિર્ણય

ઓકસીજન સંદર્ભે રજીસ્ટ્રેશન ફરજીયાત કરાયું : કોઇ ખોટી રીતે ન મેળવે એટલે પગલા...

રાજકોટ, તા. ૩ :  રાજકોટ જીલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહને એક મહત્વનો નિર્ણય લઇ રાજકોટ શહેર-જીલ્લાની તમામ કોવીડ અને નોનકોવીડ કે જેઓ હાલ કલેકટર તંત્ર પાસેથી ઓકસીજન મેળવે છે તે તમામ હોસ્પિટલો માટે રજીસ્ટ્રેશન આજથી ફરજીયાત બનાવ્યું છે.

આ સંદર્ભે ઓકસીજનની કાર્યવાહી કરી રહેલા એડી. કલેકટર શ્રી જે.કે. પટેલ તમામ ખાનગી હોસ્પિટલ સાથે ૧પ-૧પના જુથમાં તબક્કાવાર મીટીંગ યોજી તેમને જાણ કરી રહ્યા છે, અને તેમાં હોસ્પિટલ કયાં આવી, સરનામું માલીક, સંચાલકો, ડોકટરો, કેટલા બેડ, કેટલો રોજનો ઓકસીજન જોઇએ તેનું ફરજીયાત ઇન્ડેન ફોર્મ, કોણ જથ્થો લેવા આવશે, જે તે વ્યકિતનું હોસ્પિટલે આપેલુ આઇકાર્ડ, પરમીટ વિગેરે બાબતે નિયમો આપી દીધા છે.

તમામ હોસ્પિટલને કલેકટર કચેરીમાં ગ્રાઉન્ડ ફલોર ખાતે આવેલ ડીઝાસ્ટર કચેરીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે આ અંગે કલેકટરે સ્ટાફ મુકી બપોરે ૧ર વાગ્યાથી રજીસ્ટ્રેશન શરૂ કરી દેવા આદેશો પણ કર્યા છે.

રજીસ્ટ્રેશન ફરજીયાત બનાવવા પાછળ કારણ આપતા શ્રી જે. કે. પટેલે ''અકિલા'' ને જણાવ્યું હતું કે ઓકસીજન કોઇ ખોટી રીતે લઇ ન જાય, તેમજ ઓકસીજન હોવા છતાં ખોટી ડીમાન્ડન થાય એ મુખ્ય બાબત છે.

(3:23 pm IST)