Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

ઓશોના અંગત સચિવ મા યોગ નિલમનું મહાપ્રયાણ

કેન્સર સામે જંગ જીત્યા પણ કોરોના સામે હાર્યા : હિમાચલના ઓશો નિસર્ગ કમ્યુનમાં નિર્વાણ પામ્યા : અકિલા પરિવારના મોભી કિરીટભાઈ ગણાત્રા સાથે વર્ષો પુરાણો અતૂટ નાતો : સ્વામી સત્યપ્રકાશ સાથે ૩૫ વર્ષથી આત્મીયતા : હિમાચલમાં ઓશોનું સપનું નિસર્ગ બનાવવાનું મા યોગ નિલમે સાકાર કરેલુ

રાજકોટ : ઓશોના અંગત સચિવ તરીકે વર્ષો સુધી સેવા આપનાર અને હિમાચલ પ્રદેશના ધર્મશાલાના ઓશો નિસર્ગ ફાઉન્ડેશનના સ્થાપક મા યોગ નિલમ ૭૨ વર્ષની વયે ગઈકાલે વિશ્વ હાસ્ય દિવસે નિર્વાણ પામ્યા હતા. તેઓ કેન્સર સામે જંગ જીતી ગયા હતા પરંતુ કોરોના સામેનો જંગ હારી ગયા.

અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે મા યોગ નિલમનો વર્ષો પુરાણો નાતો હતો. તેઓ જયારે પણ રાજકોટ આવતા ત્યારે અકિલા કાર્યાલયની મુલાકાતે જરૂર આવતા હતા. રાજકોટના ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરના સંચાલક સ્વામી સત્ય પ્રકાશ સાથે છેલ્લા ૩૫ વર્ષથી ગહન નાતો હતો.

મા યોગ નિલમજીએ ૨૦૦૧ની સાલમાં પૂના ઓશો આશ્રમ છોડ્યા બાદ પ્રથમ શિબિરનું સંચાલન રાજકોટના સ્વામી સત્યપ્રકાશની વિનંતીથી ઓશો ચાર દિવસીય ધ્યાન શિબિરનું સંચાલન કરવા તેઓ રાજકોટ આવેલ. ત્યારબાદ ક્રમશઃ પાંચ - ચાર દિવસીય શિબિરનું સંચાલન કરવા રાજકોટ આવેલ. આમ ટોટલી રાજકોટમાં સ્વામી સત્યપ્રકાશના આયોજનમાં ટોટલ ૬ દિવસીય ઓશો ધ્યાન શિબિરનું મા યોગ નિલમના સંચાલનમાં થયેલ અને જયારે જયારે રાજકોટ આવેલા ત્યારે અચુક અકિલાને આંગણે કિરીટભાઈ ગણાત્રાની લાગણીને પ્રેમ અને આત્મીયતાને વશ થઈ અવશ્ય આવતા.

૨૦૦૭માં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, પ્રખર ઉદ્યોગપતિ શૈલેષભાઈ માકડીયા (રાધે ગ્રુપ) તથા સ્વામી સત્યપ્રકાશ હિમાચલમાં ઓશો નિસર્ગ કમ્યુનમાં માં યોગ નિલમના સાનિધ્યમાં ૧૨ દિવસ રહી ધ્યાન કરેલા મા યોગ નિલિમના સાનિધ્યમાં ધ્યાન કરવુ એ એક જીવનનો લ્હાવો છે. તેનો બધાને અનુભવ થયો.

ઓશો અમેરીકાથી ૧૯૮૬માં ભારત આવ્યા ત્યારે મુંબઈમાં જૂહુ સ્થિત સ્વામી સૂરજપ્રકાશના વિશાળ બંગલામાં ઓશો ૬ મહિના રહેલ. ત્યાં મર્યાદીત લોકો માટે ઓશો પ્રવચન આપતા ત્યારે દરરોજ નિલમ માં ઓશોને તેમના રેસીડેન્સ રૂમમાંથી હાથ પકડીને પ્રવચન રૂપ સુધી લઈ આવતા. (એ સમયે ઓશોને શારીરીક કમજોરી હતી).

આ દરમિયાન નિલમ મા સાથે સ્વામી સત્યપ્રકાશની મુલાકાત થઈ અને સ્વામી સત્યપ્રકાશ અવાર - નવાર મુંબઈ ઓશોના પ્રવચનો સાંભળવા જતાં ત્યારથી નિલમમાં સાથે ગાઢ પરિચય થયો ત્યારબાદ ૨૦૦૨માં પુના ઓશો આશ્રમનું પોડીયમ (જે જગ્યાએ બેસી ઓશોએ હજારો પ્રવચનો આપેલા તે જગ્યાને આપણી ગુજરાતી - ભાષામાં છત્રીવાળો ઓટો કહે છે.) પોડીયમની ઉપરની છત આશ્રમના જવાબદાર વ્યકિતઓ દ્વારા તોડફોડ કરતા તેનો વિરોધ કરવા માટે મા યોગ નિલમ, જયોતિમા તે સમયના ઓશો ટાઈમ્સના અને હાલના ઓશો વર્લ્ડના સંપાદક વૈરાગ્ય (આભા માના મામા) વગેરેની રાહબારી હેઠળ ભારતભરના ઓશોના ધુરંધરોની આગેવાનીમાં પુના આશ્રમે વિરોધ કરવા આવેલા જેના અનુસંધાને રાજકોટમાંથી મા યોગ નિલમના કહેવાથી સ્વામી સત્યપ્રકાશની આગેવાનીમાં ૮ સન્યાસી મિત્રો સ્પેશ્યલ મેટાડોર લઈને ગયેલ.

મા યોગ નિલમનો જન્મ ૧૯૪૯માં થયેલ તેઓ છેલ્લા ચાર વર્ષ થયા કેન્સરની બિમારીથી ગ્રસ્ત હતા અને અવાર - નવાર બેંગ્લોર કેમોથેરેપી લેવા જતા. આ સારવારથી તેઓ સ્વસ્થ થતા દિલ્હી ગયેલ. ત્યાં તેઓ કોરોનાગ્રસ્ત થયેલ. દિલ્હીથી હિમાચલ તેમના આશ્રમ ઓશો નિસર્ગ પરત આવેલ. જયાં તેઓ રવિવારે વ્હેલી સવારના ૪.૫૦ મિનિટે નિર્વાણ પામેલ. તેઓશ્રીની અંતિમયાત્રા ઓશો જગતની પ્રણાલી અનુસાર કિર્તન કરતા કરતા તેમની સ્મશાનયાત્રા કાઢેલ. ઓશો જગતમાં મૃત્યુને ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે.

(11:51 am IST)