Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

કોરોના પોઝિટિવ સગર્ભાને ડોક્ટરે સફળ પ્રસુતિ કરાવી

સ્વસ્થ બાળકને જન્મ આપ્યો! : સગર્ભા મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે ૧૬ લીટર ઓક્સિજનની જરૂર પડતી હતી

રાજકોટ, તા. : રાજકોટમાં કોરોના પોઝિટીવ સગર્ભાને ખાનગી હોસ્પિટલનાં તબીબોએ પ્રસુતી કરાવી હતી. મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. જ્યારે સગર્ભા મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે ૧૬ લીટર ઓક્સિજનની જરૂર પડતી હતી. મહિલાનું ઓક્સિજન લેવલ ૬૦ આવતું હતું. તેમ છતાં પણ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. રાજકોટની મોટી ટાંકી ચોકમાં આવેલ વેદાંત મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા કોરોના પોઝિટિવ મહિલાની સુરક્ષિત પ્રસુતિ અને સફળ સારવાર કરવામાં આવી હતી.

રાજકોટના રામપીર ચોકડી પાસે આવેલ લાભદીપ સોસાયટીમાં રહેતા ૩૯ વર્ષીય ચેતનાબેન ધર્મેશભાઈ ચુડાસમા પ્રેગ્નન્ટ હતા જેમને ૭મોં મહિનો ચાલતો હતો. તેનો રીપોર્ટ કોવિડ પોઝિટિવ આવ્યો હતો. દાખલ થયા ત્યારે ૧૬ લિટર ઓક્સિજન સાથે ઓક્સિજન લેવલ ૬૦ હતું. પરંતુ વેદાંત હોસ્પિટલની તજજ્ઞ ટીમના ડો.સંદીપ હરસોડા, ડો. પ્રશાંત મકવાણા, ડો. મિલન ઘોણીયા સર્વેના અવિરત પ્રયાસોથી તેમની સુરક્ષિત ડિલિવરી કરાવવામાં આવી હતી. હાલમાં માતા અને બાળક ઓક્સિજનના સપોર્ટ વિના સ્વસ્થ છે અને ઓક્સિજન લેવલ પણ નોર્મલ છે.

(8:05 pm IST)