Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

વિલ્સન સ્પોર્ટસ એન્ડ સોશ્યલ ગ્રુપ દ્વારા રવિવારે સર્વજ્ઞાતિય સમુહલગ્ન

કરણપરા પ્રહલાદ પ્લોટના આંગણેથી ૧૧ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે

રાજકોટ તા. ૩ : કરણપરા વિસ્તારમાં વિવિધ સેવાકીયા આયોજનો કરતા વિલ્સન સ્પોર્ટસ એન્ડ સોશ્યલ ગ્રુપ (ભગત ગ્રુપ) ના સહયોગથી આગામી તા. ૫ ના રવિવારે સર્વજ્ઞાતિય સમુહલગ્નનું આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવેલ કે તા. ૫ ના કરણપરા ચોક, પ્રહલાદ રોડ ખાતે માંડવડા રોપાશે. ૧૧ દિકરીઓ સમુહમાં લગ્નગ્રંથીથી જોડાશે. સાંજે પ વાગ્યે જાન આગમન, ૬ વાગ્યે હસ્ત મેળાપ, રાત્રે ૮ વાગ્યે ભોજન સમારોહ અને રાત્રે ૯.૩૦ વાગ્યે જાન વિદાય લેશે.

સમારોહના મુખ્ય મહેમાન તરીકે ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન વિજયભાઇ રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, સાંસદ પદના ઉમેદવાર મોહનભાઇ કુંડારીયા, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા ઉપસ્થિત રહેશે.

તમામ દિરીઓને કરીયાવરમાં સોનાના દાણા, ચાંદીની ગાય, ચાંદીના સાકરા, ઝુડો, ડબલ બેડ પેટી પલંગ, થ્રી ડોર ડ્રેસીંગ કબાટ સહીતની સંખ્યાબંધ વસ્તુઓ દાતાઓના સહયોગથી અપાશે.

ઉલ્લેખનીય છે કે વિલ્સન ગ્રુપનું આ ૭ મું આયોજન છે. વર્ષ દરમિયાન ગણેશ મહોત્સવ, સરસ્વતી સન્માન, જીવદયા પ્રવૃતિ, શરદપૂનમે જમણવાર સહીતના આયોજનો કરવામાં આવે છે.

તસ્વીરમાં 'અકિલા' સમુહલગ્નની વિગતો વર્ણવતા રણજીતભાઇ ચાવડીયા, અનિલભાઇ પારેખ, જયેન્દ્રભાઇ મહેતા, ભાઇચંદભાઇ કુંડલીયા, દીપકભાઇ ભટ્ટ, વિશાલભાઇ માંડલીયા, સંદીપભાઇ ચાવડા વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:44 pm IST)