Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ગાયકવાડી અને શ્રોફ રોડ પર સોનાના ચેઇનની ચિલઝડપના બે બનાવઃ શકમંદની માહિતી મળી

લીનાબેન ભટ્ટ અને મનિષાબેન રાજપુરાના ચેઇન ખેંચાઇ ગયા'તા

રાજકોટ તા. ૩: શહેરના પ્ર.નગર પોલીસ મથકની હદમાં બાર દિવસમાં ચિલઝડપના બે બનાવ બન્યા હતાં. આ ગુનામાં શકમંદ વિશે પાક્કી માહિતી મળી જતાં ભેદ ઉકેલાઇ જવાની શકયતા છે.

ગાયકવાડી શેરી નં. ૧૦માં રહેતાં લીનાબેન બિરેનભાઇ ભટ્ટ (ઉ.૫૦) નામના બ્રાહ્મણ મહિલા તા. ૨૨/૪ના સાંજે છએક વાગ્યે પોતાના ઘરેથી ફઇના ઘરે ખબર અંતર પુછવા ગાયકવાડી-૯માં ચાલીને જઇ રહ્યા હતાં ત્યારે સાધુ વાસવાણી હોસ્પિટલ પાસે પહોંચતા પાછળથી બાઇક ચાલક આવ્યો હતો અને ગળા પર ઝોંટ મારી પેન્ડન્ટ સાથેનો સવાબે તોલાનો ચેઇન ખેંચી ભાગી ગયો હતો. જેની કિંમત ત્રીસ હજાર હતી. પતિ બહારગામ ગયા હોઇ જેથી લીનાબેને મોડેથી ફરિયાદ કરી હતી.

જ્યારે બીજા બનાવમાં રેલનગર-૨માં આનંદ વિદ્યાલય પાસે બ્લોક નં. ૨-૨૬/એમાં રહેતાં મનિષાબેન અલ્કેશભાઇ રાજપુરા (ઉ.૫૨) નામના વાળંદ મહિલા તા.૩૦/૪ના રોજ પોતાના પતિ અલ્કેશભાઇ મગનલાલ રાજપુરાનો જન્મ દિવસ હોઇ જેથી પતિ સાથે રાત્રે પોણા દસેક વાગ્યે રેસકોર્ષ ફરવા ગયા હતાં. પતિ બાઇક ચલાવહતાં અને પોતે પાછળ બેઠા હતાં ત્યારે શ્રોફ રોડ પર પહોંચતા બાઇક પાછળ એક અજાણ્યો બાઇક ચાલક આવ્યો હતો અને મનિષાબેનના ગળામાં ઝોંટ મારી વિસેક હજારની કિંમતનો સોનાનો ચેઇન ખેંચી લીધો હતો. બૂમાબૂમ કરતાં પતિએ બાઇક ઉભુ રાખી દીધું હતું. ત્યાં ચિલઝડપકાર ભાગી ગયો હતો. મનિષાબેનના પતિ પીજીવીસીએલમાં નોકરી કરે છે.

ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં તથા પી.આઇ. બી.એમ. કાતરીયાની સુચના હેઠળ પીએસઆઇ ખાચર, અરવિંદભાઇ મકવાણા, અશોકભાઇ કલાલ, જયદિપભાઇ, હેમેન્દ્રભાઇ, પ્રદિપસિંહ સહિતની ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક શકમંદને સકંજામાં લીધો છે. તેની પુછતાછમાં ચિલઝડપના ભેદ ઉકેલાય તેવી શકયતા છે.

(3:40 pm IST)