Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

રાજપુતી સંસ્કૃતિ-ગરીમાનું સંરક્ષણ કરવા 'સ્વાભિમાન સંગઠન'ના નેજા તળે યુવા ક્ષત્રિયાણીઓ મેદાનેઃ 'સંસ્કૃતિ પુનરોધ્ધાર ડાયરા'નું ભવ્ય આયોજન

સ્ત્રી સશકિતકરણ નહિ સ્ત્રી જાગૃતીકરણ દ્વારા સમાજના મહિલાઓમાં પડેલી સુષુપ્ત શકિતઓ જાગૃત કરવા સાથે સામાજીક કાર્યોનો ધ્યેયઃ અલ્પનાબા ઝાલા-કિન્નરીબા જાડેજા

રાજકોટ, તા., ૩:

ન્રૃપ રાજ મેં જિનકી લાજ બડી, રાજકાજ મેં ધ્યાન લગાવતી થી,

પ્રજા સુખ રહે, નવ ભુખ રહે, એસા બોલ સદાર ફરમાવતી થી,

બસ રૈયત કી ફરીયાદ સુની, ફરીયાદ કી દાદ દીલાવતી થી,

નિજ રીત કે ગીત ગુંજાવતી થી, સોઇ હિન્દ કી રાજપુતાનીયા થી.

આવી રાજપુતાણીઓ દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વાભિમાન સંગઠન નામની સંસ્થા ક્ષત્રીય ગરાસીયા સમાજની યુવાન દીકરીઓએ શરૂકરેલ સંસ્કૃતિ સંરક્ષણની પહેલ છે. આ સંગઠન ફકત યુવા ક્ષત્રીયાણીઓ દ્વારા શરૂ કરવામાં આવેલ છે. આજના સમયમાં વધતા જતા પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણને ડામવા માટે દીકરીબાઓએ બીડુ ઝડપી  આ ઝુંબેશ હાથ ધરી છે. પોતાના આ આશયને સાર્થક કરવા માટે દીકરીબાઓ 'સંસ્કૃતિ પુનરોધ્ધાર' નામથી તા.૪ના રોજ એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવા જઇ રહયા છે.

આ કાર્યક્રમનો મુખ્ય આશય વિસરાઇ ગયેલી અમુક સાંસ્કૃતિક બાબતોને ફરી સંભાળી યુવા રાજપુતોને ભારતીય સંસ્કૃતિ તરફ પાછા વાળવા માટેનો છે. સાથોસાથ સ્ત્રી સશકિતકરણ નહી પણ ખરેખર સ્ત્રી જાગૃતીકરણ દ્વારા સમાજની સ્ત્રીઓમાં પડેલી સુષુપ્ત શકિતઓને જાગૃત કરવા માટે પણ આ સંગઠન કામ કરશે. ડાયરામાં એકઠી થતી રકમ ક્ષત્રીય સમાજના દીકરીબાઓના શિક્ષણ પાછળ તેમજ વિધવા માતાઓ અને તેમના પરીવારોને આત્મનિર્ભર બનાવવા માટે વાપરવામાં આવશે. આ ડાયરામાં બ્રિજરાજદાન ઇશરદાન ગઢવી, દેવાયતભાઇ ખવડ, મિનાબા જાડેજા તેમજ પૃથ્વીરાજસિંહ રાણા જેવા કલાકારો ઉપસ્થિત રહેશે.   ડાયરો પારીજાત પાર્ટી પ્લોટ, શિતલ પાર્ક ચોક, રામાપીર ચોકડી પાસે ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે રાત્રે ૮.૩૦ કલાકે રાખવામાં આવેલ છે. જેના આયોજકો કુ.મહેશ્વરીબા જાડેજા (પડાણા), કુ.પ્રિયાબા રાઠોડ (કનોજ), કુ.ઉર્વશીબા રાણા (વનાળા) તથા કુ. દિવ્યાબા ઝાલા (સમલા) છે. આ કાર્યક્રમના સંચાલક કુ. કિન્નરીબા જાડેજા છે.  'સ્વાભિમાન સંગઠન' દ્વારા આયોજીત સંસ્કૃતિ પુનરોધ્ધાર ડાયરામાં પધારવા સમગ્ર  ક્ષત્રીય ગરાસીયા રાજપુત સમાજને ભાવભીનું આમંત્રણ સ્વાભીમાન સંગઠન દ્વારા પાઠવવામાં આવ્યું છે. 

(3:35 pm IST)