Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

પાંજરાપોળમાં મેલડી માતાજીના મંદિરે સોમવારે સર્વજ્ઞાતિય સમૂહલગ્ન અને માતાજીનો માંડવો

રાજકોટ, તા. ૩ :. પંચની મેલડી માતાજી મંદિર સમિતિ પાંજરાપોળ દ્વારા આગામી તા. ૬ ના સોમવારે માતાજીનો માંડવો તેમજ ૧૧ દિકરીઓના સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સમિતિના આગેવાનોએ જણાવેલ કે, શ્રી પંચની મેલડી માતાજી મંદિર દ્વારા આયોજીત ૧૧ દિકરીના સમૂહલગ્ન અને મેલડી માતાજીનો નવરંગ માંડવો સોમવાર તા. ૬ના શ્રી પંચની મેલડી માતાજીનું મંદિર ભાવનગર રોડ પાંજરાપોળ, ઈમીટેશન માર્કેટ પાસે યોજેલ છે.

દિકરીઓને કરીયાવરમાં કબાટ, શેટી પલંગ, પંખા, ખુરશી, ચાંદીના સાંકળા, સોનાની બાલી, પાનેતર, ચાંદીના ઝુડા, સોનાની ચૂક, તુલસી કયારો, ચેઈન, ચાંદીનું સામૈયુ સહિત ૧૬૦ જેટલી વસ્તુ દાતાઓના સહયોગથી અપાશે.લગ્નવિધિના આચાર્ય પદે શાસ્ત્રી સુધીરભાઈ રાવલ બીરાજી લગ્નવિધિ કરાવશે.સાથે માતાજીનો નવરંગ માંડવાનું ૨૪ કલાકનું આયોજન કરવામાં આવેલ છે. જેનો પ્રારંભ સોમવારે સવારના ૬.૩૦ વાગ્યાથી થશે. માતાજીના માંડવાનું થાંભલી ઉથાપન મંગળવાર તા. ૭ના સવારે થશે.

આ આયોજન માટે સમિતિના માવજીભાઈ મેથાણીયા (મો. ૯૯૯૮૪ ૧૮૮૬૮), કાબબાપુ, ભરતભાઈ ડડૈયા (મો. ૯૮૨૫૩ ૫૯૦૬૨), રાજુભાઈ રાઠોડ તથા અગ્રણીઓ દિલીપભાઈ પટેલ, રાજુભાઈ વિસોરીયા, પ્રવિણભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ સમસ્ત પાંજરાપોળના લતાવાસીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા માવજીભાઈ રાઠોડ, ભરતભાઈ ડડૈયા, કાબબાપુ, રાજુભાઈ રાઠોડ, પ્રવિણભાઈ રાઠોડ, મહેશભાઈ મુંધવા, રાજુભાઈ વિરસોડીયા વગેરે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:33 pm IST)