Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

વિરાણી અઘાટની લૂંટનો ભેદ ખુલ્યોઃ ક્રાઇમ બ્રાંચે ત્રણ શખ્સને દબોચ્યાઃ બીજી બે લૂંટની પણ કબૂલાત

એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ અને પ્રતાપસિંહ ઝાલાની બાતમી પરથી પીએસઆઇ પી.એમ. ધાખડાની ટીમે નામીચા કિશન ડોડીયા, તિરંગો ઉર્ફ અપ્પુ અને નિતીન ઉર્ફ કાનાને ગોંડલ રોડ ચોકડીએથી દબોચી લેવાયાઃ સીસીટીવી અને સુરક્ષા કવચ એપનો ઉપયોગ

ડિટેકશનઃ ક્રાઇમ બ્રાંચની ત્રણ જુદી-જુદી ટીમોએ ડિટેકશન કર્યુ છે. જેમાં એક ટીમે અટિકા વિસ્તારમાં બે દિવસ પહેલા થયેલી લૂંટનો ભેદ ઉકેલી ત્રણને પકડ્યા છે. બીજી ટીમે ૧૦ ચોરી સહિતના ગુનાના ભેદ ઉકેલી ૪ને પકડ્યા છે અને એક ટીમે પિસ્તોલ સાથે એકને પકડી લીધો છે. ઉચ્ચ અધિકારીઓએ આ અંગેની માહિતી આપી હતી જે ઉપરની તસ્વીરમાં તથા પકડાયેલા આરોપીઓ સાથે ડિટેકશન કરનારી ટીમો નીચેની તસ્વીરમાં જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩: બે દિવસ પહેલા અટિકા વિરાણી અઘાટમાં આવેલી સલુજા ટ્રાન્સપોર્ટ નામની ઓફિસમાં ત્રણ શખ્સોએ ગ્રાહકના સ્વાંગમાં ઘુસી અમરેલી માલ મોકલવો છે તેવી વાત કર્યા બાદ ટ્રાન્સપોર્ટર બલદેવ દેવેન્દ્રભાઇ સલુજા (ઉ.૨૪)ને ઉંધી છરી મારી ગળા પર છરી રાખી રૂ. ૧,૦૬,૫૦૦ની મત્તાની લૂંટ ચલાવી હતી અને બાઇકમાં ત્રણ સવારીમાં ભાગી ગયા હતાં. આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચની ટીમના એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. સમીરભાઇ શેખ અને પ્રતાપસિંહ ઝાલાની બાતમી પરથી પીએસઆઇ એચ. બી. ધાંધલ્યાની ટીમે ઉચ્ચ અધિકારીઓની રાહબરીમાં ઉકેલી નાંખી ત્રણ શખ્સોને દબોચી લીધા છે. આ ત્રિપુટીએ બીજા બે લૂંટના ગુના પણ કબુલ્યા છે.

લૂંટની ઘટના બન્યા બાદ તાકીદે ગુનો ડિટેકટ કરવા સુચના અપાઇ હોઇ પી.આઇ. એચ. એમ. ગઢવી અને એસઓજી પી.આઇ. આર. વાય. રાવલની ટીમોએ હેરના આઇ-વે પ્રોજેકટના સીસીટીવી કેમેરા ચેક કરવાની શરૂઆત કરી હતી. ત્યાં એક કેમેરામાં જીજે૩કેએલ-૯૦૩૮ નંબરના બાઇક પર લૂંટારા ભાગ્યાની ભાળ મળતાં તેના નંબર પરથી તપાસ થતાં આ બાઇક ભાવનગરની વ્યકિતના નામે હોવાની માહિતી મળતાં અને એ વ્યકિતનું લોકેશન પણ એ તરફ મળતાં એક ટીમ ભાવનગર તરફ રવાના થઇ હતી.  આઇ-વે પ્રોજેકટમાં દેખાયેલા ત્રણ પૈકી એક શખ્સ પોલીસના રજીસ્ટરમાં ટપોરીના લિસ્ટમાં સામેલ એવો કિશન ભરતભાઇ ડોડીયા હોવાનું જણાતાં રાજકોટ સુરક્ષા કવચ નામની મોબાઇલ એપ્લીકેશનનો ઉપયોગ કરી માહિતી એકઠી કરવામાં આવી હતી.

ટપોરી કિશનના મોબાઇલ લોકેશનને આધારે તપાસ ચાલુ હતી ત્યાં વિજયસિંહ, ફિરોઝભાઇ અને પ્રતાપસિંહને બાતમી મળી હતી કે કિશન ડોડીયા અને બીજા બે શખ્સો ગોંડલ રોડ ચોકડીએથી એસટી વર્કશોપ પાસે આવી રહ્યા છે. તેના આધારે પીએસઆઇ ધાખડા, યોગેન્દ્રસિંહ જાડેજા, સોકતખાન અને જેને બાતમી મળી એ તમામે વોચ રાખી કિશન ભરતભાઇ ડોડીયા (લુહાર) (ઉ.૨૨-રહે. વિશ્વકર્મા ૨૫ વારીયા, પુનિતનગર ટાકા પાસે), અપ્પુ ઉર્ફ તિરંગા નાનજીભાઇ દવેરા (અનુ.જાતી) (ઉ.૨૨-રહે. આંબેડકરનગર એસટી વર્કશોપ પાછળ) તથા નિતીન ઉર્ફ કાનો વલ્લભભાઇ વાઘેલા (અનુ. જાતી) (ઉ.૨૦-રહે. આંબેડકરનગર-૧૪, એસટી વર્કશોપ પાછળ)ને પકડી લઇ  છરી, એટીએમ કાર્ડ, રોકડ, મોબાઇલ ફોન તથા બાઇક અને સોનાનો ચેઇન મળી રૂ. ૭૦૭૩૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. લૂંટેલુ લેપટોપ તેણે તોડીને ફેંકી દીધાનું કબુલ્યું હતું.

મોજશોખ માટે આ ત્રણેયે ટ્રાન્સપોર્ટ સંચાલકને લૂંટી લીધો હતો. આ ઉપરાંત ૩૦/૪ના રોજ ઢેબર રોડ પર સાંજના સવા સાતેક વાગ્યે એક દૂકાનદાર એકલા હોઇ તેને છરી બતાવી લૂંટ કર્યાનું અને એ જ દિવસે સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં પણ એક કારખાના પાસે ઉભેલા શખ્સને છરી બતાવી મોબાઇલ ફોનની લૂંટ કરી હતી. આ બાબતે માલવીયાનગર પોલીસમાં ગુનો નોંધાયો હતો. આમ બીજી બે લૂંટ પણ કબુલી છે.

કિશન ડોડીયા વિરૂધ્ધ અગાઉ મારામારી, અને ચોરીના ગુના નોંધાયા હતાં. તે શરીર સંબંધી ગુનાની પણ ટેવ ધરાવે છે. જ્યારે નિતીન વાઘેલા અગાઉ ધોરાજીમાં કાવત્રુ-રાયોટીંગના ગુનામાં સંડોવાયો હતો. લોકસભાની ચૂંટણી વખતે ગુનેગારોને ચકાસવા પોલીસે વિકસાવેલી સુરક્ષા કવચ એપનો ઉપયોગ આ ગુનો ઉકેલવામાં કરાયો હતો.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ એચ. સરવૈયાની રાહબરીમાં પીઆઇ એચ. એમ. ગઢવી, પીએસઆઇ પી.એમ. ધાખડા, એસ. વી. પટેલ, એસઓજીના પી.આઇ. આર. વાય. રાવલ, એએસઆઇ વિજયસિંહ ઝાલા, ફિરોઝભાઇ શેખ, પ્રતાપસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ જાડેજા, સોકતખાન ખોરમ, શૈલેષગીરી ગોસ્વામી સહિતના જોડાયા હતાં.

ઇનામ અપાયું

લૂંટ ડિટેકશનની કામગીરી કરનાર આ ટીમને પોલીસ કમિશનરે રૂ. ૧૫ હજારની રોકડનું ઇનામ આપ્યું હતું.

રીઢો તસ્કર આનંદગીરી ત્રણ સાગ્રીત સાથે પકડાયોઃ ૧૦ ગુનાના ભેદ ખુલ્યા

રૂ. ૨,૮૬,૧૭૮નો મુદ્દામાલ કબ્જેઃ પીએસઆઇ જોગરાણા, હેડકોન્સ. અમૃતભાઇ મકવાણા અને જયંતિભાઇ ગોહિલની બાતમી પરથી કામગીરી

. ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ યુ. બી. જોગરાણા, હેડકોન્સ. અમૃતભાઇ મકવાણા અને જયંતિભાઇ ગોહિલને મળેલી બાતમી પરથી રીઢા તસ્કર આનંદગીરી હરિગીરી ગોસ્વામી (બાવાજી) (ઉ.૪૭-રહે. હાઉસીંગ બોર્ડ કવાર્ટર વોરા કોટડા રોડ, સિંગલ માળીયા ગોંડલ) તથા તેના ત્રણ સાગ્રીતો છોટુ જેન્તીભાઇ સોલંકી (કોળી) (ઉ.૨૪-રહે. વિજય પ્લોટ ભાડલાવાળા પંપ સામે), કિશન મનુભાઇ ચોૈહાણ (કોળી) (ઉ.૨૦-રહે. ત્રિવેણી ગેઇટ પાસે આવાસ કવાર્ટર પાસે ગાંધી સોસાયટી પાછળ) તેમજ અર્જુન જેન્તીભાઇ સોલંકી (કોળી) (ઉ.૨૨-રહે. વિજય પ્લોટ ભાડલાવાળા પંપ સામે)ને  રૂ. ૨,૮૬,૧૭૮ના ચોરાઉ મુદ્દામાલ સાથે ચુનારાવાડ ચોક નજીક ડાભી હોટેલવાળી શેરીમાંથી પકડી લેવાયા છે.

આ ચારેયએ ચોરીના ૧૦ ગુનાની કબુલાત આપી છે. તેની પાસથેી રૂ. ૬૮૫૧૫નો સોનાનો ઢાળીયો, રૂ. ૮૦,૦૭૩નો સોનાનો બીજો ઢાળીયો, રૂ. ૬૭૦૯૦નો સોનાનો ત્રીજો ઢાળીયો તથા રૂ. ૧૭ હજારનું લેપટોપ, રૂ. ૮૫૦૦ના ૧૫ મોબાઇલ ફોન, રૂ. ૨૫ હજારનું હોન્ડા બાઇક તથા રૂ. ૨૦ હજાર રોકડા કબ્જે કરાયા છે. આનંદગીરી ગોસ્વામી અગાઉ પણ શહેરમાં ઘરફોડ ચોરી, વાહન ચોરીના અસંખ્ય ગુનામાં સંડોવાઇ ચુકયો છે.

મર્ડર-લૂંટમાં સામેલ એમપીના શબીયાને પિસ્તોલ-કાર્ટીસ સાથે પકડી લેવાયો

હેડકોન્સ. રાજેશભાઇ બાળા, કોન્સ. રઘુવીરસિંહવાળા અને સિધ્ધરાજસિંહ જાડેજાની બાતમી પરથી પીએસઆઇ એચ.બી. ધાંધલ્યાની ટીમને સફળતા

. ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા, હેડકોન્સ. રાજેશભાઇ બાળા, સામતભાઇ ગઢવી, અભિજીતસિંહ વાળા, પ્રદિપસિંહ જાડેજા, કોનસ. ડાયાભાઇ બાવળીયા, રઘુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા, વિરદેવસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ ગોહિલ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. રાજેશભાઇ બાળા, કોન્સ. રઘુવીરસિંહ વાળા અને કોન્સ. સિધ્ધરાજસિંહ જાડેજાને મળેલી બાતમી પરથી કુવાડવા હાઇવે તરઘડીયાના પાટીયા પાસેથી શબીયાભાઇ ઉર્ફ શબ્બીર અનસિંહ ડામોર (ઉ.૩૬-રહે. હાલ નાથાભાઇ પટેલની વાડી, માલિયાસણની સીમ, મુળ જોલીયા તા. કઠીવાડા અલીરાજપુર મધ્યપ્રદેશ)ને રૂ. ૧૫ હજારની દેશી બનાવટની પિસ્તોલ અને રૂ. ૧૦૦ના એક જીતા કાર્ટીસ સાથે બાઇક નં. જીજે૩એફએફ-૪૭૬૪ સાથે પકડી લેવાયો છે.

આ શખ્સની પુછતાછમાં તે આ પિસ્તોલ મધ્યપ્રદેશના અલીરાજપુરના કાબલા ભીલ પાસેથી લાવ્યો હોવાનું કબુલ્યું છે. તેના વિરૂધ્ધ અગાઉ જામનગરના ધ્રોલમાં વર્ષ ૨૦૧૨માં હત્યા, ચોરીનો ગુનો તથા દેવગઢ બારીયા પોલીસ મથકમાં લૂંટનો ગુનો નોંધાયો હતો. આ બંને ગુનામાં તે પકડાઇ ગયો હતો. આ શખ્સે અગાઉ આ રીતે ગેરકાયદે હથીયાર લાવીને કોઇને વેંચ્યા છે કે કેમ? હાલમાં હથીયાર શા માટે લાવ્યો હતો? તે સહિતના મુદ્દે તપાસ થઇ રહી છે.

(3:29 pm IST)