Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

રાજકોટ-મુંદ્રા-ગાંધીધામની ૧૯ પેઢી ઉપર GST દરોડાઃ કરોડોનું બોગસ બીલીંગ કૌભાંડ

ભાવનગરમાં ઝડપાયેલ કૌભાંડનું પગેરૂ ખુલતા તપાસનો ધમધમાટઃ મોટાભાગના સ્ક્રેપ-ફેરસનેસ-મેટલ્સના વેપારીઓ : રાજકોટના ૧૭ વેપારી ઝપટે ચડી ગયાઃ અધિકારીઓ ત્રિવેદી-ગુર્જરનો સપાટોઃ હાલ તમામ સ્થળે તપાસ ચાલુ : કુલ ૯૩૫ કરોડ ૩૪ લાખનું ટર્નઓવર મળી આવતા ખળભળાટઃ તમામ રકમનું બોગસ બિલીંગનો ધડાકો..

રાજકોટ તા.૩: ભાવનગરમાં તાજેતરમાં અબજોનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપાયું હતું, જેમાં સ્ક્રેપના વેપારીઓ ઝપટે ચડી ગયા હતા, અને આ બાબતે ૬-૨-૨૦૧૯ના પડેલા  દરોડામાં ભાવનગરના બે શખ્સોની ધરપકડ કરી જેલ હવાલે કરી દેવાયા હતા.

આ પછી  ભાવનગરમાં પડેલા દરોડા અને તેનું પગેરૂ રાજકોટ-મુંદ્રા-ગાંધીનગરમાં ૧૯ વેપારીઓ-પેઢીમાં નિકળતા ગઇકાલ બપોરથી જીએસટીના રાજકોટના જોઇન્ટ કમિશનર શ્રી ત્રિવેદી તથા ડિવીઝન -૧૧ના શ્રી ગુર્જરે સપાટો સર્જી બે ડઝન ટીમો દ્વારા રાજકોટના સ્ક્રેપ-કોમોડીટી ફેરસ નોનફેરસ,વેસ્ટ મટિરીયલ્સ અને મશીનરી પાર્ટસના ૧૭ જેટલા વેપારીઓ- પેઢીઓ ઉપર તથા મુંદ્રા-ગાંધીધામની ર પેઢી મળી એકસાથે ૧૯ પેઢી ઉપર દરોડાનો દોર ચલાવતા સનસનાટી મચી જવા પામી હતી.

હાલ ઉપરોકત તમામ પેઢીઓમાં ગઇકાલ આખી રાત બાદ આજે સવારથી એકધારી તપાસ ચાલુ હોવાનું અધિકારી સૂત્રોએ ઉમેયુંર્ હતું.

તપાસ દરમિયાન ઉપરોકત તમામ ૧૯ પેઢીઓમાંથી મોટાભાગની પેઢીઓ બોગસ બીલીંગમાં સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું છે. જીએસટી નંબર પણ એવી વ્યકિતઓના નામે લીધા છે કે જે ધંધાકિય બાબતે કોઇ જાણકારી ધરાવતા નથી, આ જબરા બોગસ બિલીંગ પાછળ રાજકોટ કે કચ્છનો કોઇ માસ્ટર માઇન્ડ હોવાની અને તેનું નામ ખુલી ગયું હોય હાલ અધિકારીઓ તેને શોધી રહ્યા હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતંુ.

ઉપરોકત ૧૯ પેઢીની તપાસમાં ખળભળાટ મચાવનારી વિગત મુજબ તમામ ૧૯ પેઢી મળી કુલ ૯૩૫ કરોડ ૩૪ લાખનું ટર્ન ઓવર થયાનું અને મોટાભાગનંુ બોગસ બિલીંગ હોવાનો ધડાકો થયો છે, હાલ તમામ ૧૯ પેઢી કે જે મુખ્યત્વે કોમોડીટી ફેરસ, નોન ફેરસ, વેસ્ટ મટિરીયલ, મશીનરી પાર્ટસ, સ્ક્રેપ સાથે સંકળાયેલી છે, તે તમામમાં તપાસ ચાલુ હોવાનું અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું.

(3:27 pm IST)