Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

રાજમાર્ગો ઉપરથી ચિચોડા જપ્ત થશેઃ કાલથી શનિવારી બંધ

રસ્તાઓ અને કોર્પોરેશનના પ્લોટમાં દબાણો સામે પાની લાલઘુમ... : કાલાવડ રોડ શનિવારી બજારના સ્થળે કાલે ફેરીયાઓ અને તંત્ર વચ્ચે ઘર્ષણની શકયતાઃ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત મુકાશે

રાજકોટ, તા. ૩ :. શહેરના રાજમાર્ગો ઉપર આડેધડ શેરડીના ચિચોડાઓ ઉપર હવેથી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેના કારણે હવે પછી શહેરમાં જાહેર કરાયેલ ૪૮ જેટલા રાજમાર્ગો ઉપરથી ચિચોડાઓ જપ્ત થશે તેમજ કાલાવડ રોડ ઉપર વર્ષોથી ભરાતી શનિવારી બજાર પણ કાલથી બંધ કરાવી દેવાશે તેમ મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ જાહેર કર્યુ છે.

આ અંગે શ્રી પાનીએ વિસ્તૃત વિગતો આપતા જાહેર કર્યુ છે કે રાજમાર્ગો ઉપર શેરડીના રસના ચિચોડાના દબાણને કારણે ટ્રાફીકજામની સમસ્યા સર્જાય છે. આથી હવે પછી રાજમાર્ગો ઉપર શેરડીના ચિચોડાને મંજુરી નહિ આપવામાં આવે. જે લોકોએ મંજુરી લીધી છે. તેઓની મુદત પૂર્ણ થયે ચિચોડા બંધ કરી દેવા તાકીદ કરાશે અને આમ છતા જો બંધ નહી કરે તો ચિચોડાઓ જપ્ત કરાશે. જ્યારે નવા ચિચોડાઓની મંજુરીની પ્રક્રિયા પણ છેલ્લા બે દિવસથી બંધ થઈ ગઈ છે. એક અંદાજ મુજબ શહેરમાં ૮૦ જેટલા ચિચોડાઓ રાજમાર્ગો પર ધમધમે છે. તેની મુદત અંગે એસ્ટેટ વિભાગ હીટ લીસ્ટ બનાવી અને પછી જેની મુદત પૂર્ણ થઈ ગઈ હોય તે ચિચોડા જપ્ત કરવાનુ કાલથી જ શરૂ કરી દેશે. જો કે મેઈન રાજમાર્ગો સિવાય અંદર શેરી-ગલીમાં તેમજ ખુલ્લા મેદાનમાં ચિચોડાઓને મંજુરી આપવામાં આવશે.

દરમિયાન કાલાવડ રોડ ઉપર મોટામવા સ્મશાન સામેના વિસ્તારમાં વર્ષોથી ભરાતી શનિવારી બજાર જે કોર્પોરેશનના આવાસ યોજનાના અનામત પ્લોટ અને સરકારી જમીનમા ભરાઈ છે તેને કાલથી બંધ કરાવી દેવાશે. આવતીકાલે સવારે શનિવારી બજારના સ્થળે એસ્ટેટ વિભાગ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મુકી દેવાશે. નોંધનીય છે કે, આ બજારમાં અંદાજે ૪૦૦ જેટલા ફેરીયાઓ રોજીરોટી કમાઈ રહ્યા હતા. આ ફેરીયાઓએ આ શનિવારી બજાર બંધ નહી કરવા રજૂઆત પણ કરેલ પરંતુ હવે આ પ્લોટમાં આવાસ યોજના સાકાર કરવા માટે શનિવારી બજાર બંધ કરાવવામાં આવનાર છે ત્યારે આવતીકાલે ફેરીયાઓ અને તંત્ર વચ્ચે ઘર્ષણ થવાના એંધાણ છે.

(3:26 pm IST)