Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

આરોગ્યના દરોડા..

ફ્રુટ સેન્ટર-આઈસ ફેકટરીઓમાં ચેકીંગઃ ૨૨૪ કિલો ચીકુ અને ૮૪ કિલો બરફનો નાશ

રાધિકા મરચા પાઉડરનો નમૂનો ફેઈલઃ ગાત્રાળ દુગ્ધાલયના પનીરમાં વનસ્પતિની ભેળસેળ ખૂલતા નમૂનો નાપાસ

રાજકોટ, તા. ૩ :. ઉનાળુના ઋતુમાં કેરી સહિતના ફ્રુટનો ઉપયોગ તેમજ બરફનો ઉપયોગ લોકો વધુ પ્રમાણમાં કરતા હોય જેમાં ભેળ સેળને કારણે ખોરાક જન્ય રોગચાળો ફેલાય નહિ તે માટે મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે આજે ૧૦૦ જેટલા ફ્રુટ સેન્ટરો તેમજ રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આવેલી ૨૦ જેટલી રેકડીઓમાં ચેકીંગ કરી કુલ ૨૨૪ કિલો અખાદ્ય ચીકુ તેમજ બરફની ૭ ફેકટરીઓમાં ચેકીંગ કરી ૮૪ કિલો અખાદ્ય બરફનો નાશ કર્યો હતો.

આ અંગે નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડે જાહેર કરેલી વિગતો મુજબ આજે ફુડ ઈન્સ્પેકટરોની ટીમે શહેરની લાખાજીરાજ શાકમાર્કેટમાં આવેલ ૧૬ જેટલા ફ્રુટ સેન્ટરો અને રેસકોર્ષ ગ્રાઉન્ડની ૨૦ રેકડીઓમાં ચેકીંગ કરી પ્રતિબંધીત કાર્બાઈડની ૩૯ નંગ (અંદાજે ૮૦૦ ગ્રામ) પડીકીને જપ્ત કરી કાર્બાઈડથી પકાવવામાં આવેલ ૨૨૪ કિલો અખાદ્ય ચીકોનો નાશ કર્યો હતો અને આ બાબતે ૩ વેપારીઓને નોટીસ આપવામા આવી છે.

આ ઉપરાંત શહેરની ૭ આઈસ ફેકટરીઓમાં ચેકીંગ કરાયુ હતું. જેમાં ક્રિષ્ના, નાથ, ભાગ્યોદય, નૂતન સૌરાષ્ટ્ર, મહાદેવ, લાભ વગેરે આઈસ ફેકટરીઓમાંથી ધૂળ અને કચરાવાળો ૮૪ કિલો બરફનો નાશ કરવામાં આવ્યો હતો. આ ફેકટરીઓ પૈકી ભાગ્યોદય આઈસ ફેકટરીમાં ગંદકી સબબ નોટીસ ફટકારાઈ હતી.

નમૂના ફેઈલ

ડો. રાઠોડના જણાવ્યા મુજબ ફુડ ઈન્સ્પેકટરોએ નવલનગર-૩માં આવેલ હિમાંશુ બ્રધર્સમાથી ૧ કિલો રાધિકા મરચા પાઉડરના પેકેટનો નમૂનો લઈ ગાંધીનગર રાજ્ય સરકારની લેબોરેટરીમાં તપાસ કરાવતા આ નમૂનામાં લાયસન્સ નંબર અને એફએસએસએઆઈનો લોગો નહિ હોવાથી મીસબ્રાન્ડેડ જાહેર કરી તેને નાપાસ કરાયાનો રીપોર્ટ આવ્યો છે. જ્યારે ગાંધીગ્રામ શેરી નં. ૨મા આવેલ ગાત્રાળ દુગ્ધાલયમાંથી લેવાયેલ લુઝ પનીરના નમૂનાની લેબોરેટરી તપાસ થતા તેમા વનસ્પતિની ભેળસેળ ખુલી હતી.

 તેમજ નમૂનો સબસ્ટાન્ડર્ડ હોય આ નમૂનો ફેઈલ કરાયાનો રીપોર્ટ આવ્યો છે. હવે ઉપરોકત ઉત્પાદકો અને વેપારીઓ સામે ફુડ સેફટી એકટની જોગવાઈ મુજબ કાર્યવાહી થશે.

મસાલાના નમૂના લેવાયા

દરમિયાન ફુડ ઈન્સ્પેકટરોની ટીમે ભાવનગર રોડ પટેલવાડી સામે, ઠા. અમીચંદ ભગવાનજીને ત્યાંથી સાયકલ કમ્પાઉન્ડ એસોફેટેડીયાના ૫૦ ગ્રામ પેકેટનો નમૂનો લીધો હતો અને ઉમાકાંત પંડીત ઉદ્યોગનગરમાં પ્રયોશમ ન્યુટ્રી ફુડમાંથી રેશમ કાશ્મીરી લાલ મરચા પાવડર લુઝનો નમૂનો લીધો હતો અને આ બન્ને નમૂનાઓ રાજ્ય સરકારની લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.

(3:25 pm IST)