Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

રાજકોટના એરપોર્ટ પર આવેલી અનોખી પાનની દુકાનઃ ‘કેન્‍સર પાન હાઉસ' નામની આ દુકાનમાં પાન ખાવા આવતા ગ્રાહકોને પાન-ફાકી ન ખાવાની સલાહ અપાય છે

રાજકોટ :ગુજરાતમાં પાન માવાનું ચલણ સૌથી વધારે છે. ગુજરાતનું કોઈ શહેર, કોઈ ગામ એવું નહિ હોય જેમાં પાનનો ગલ્લો ન હોય. તેમાં પણ માવો ખાઈને જ્યાંત્યાં થૂંકવાની ગુજરાતીઓની આદતથી તો લંડનનું મેનેજમેન્ટ પણ પરેશાન છે. ગુજરાતમાં પાનના શોખીનો માટે અલગ અલગ પ્રકારના પાન મળે છે. પણ, ગુજરાતના રંગીલા શહેર રાજકોટમાં એક એવો પાનનો ગલ્લો જેનો નજારો અહીં આવનારા દરેકને આકર્ષે છે. તેના નામમાં જ અનોખું આકર્ષણ છે. આ પાનના ગલ્લાનું નામ છે કેન્સર પાન હાઉસ.

ગુજરાતમાં પાન માવાનું ચલણ ખૂબ જ વધારે છે અને લોકોના આ વ્યાસનને કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા પણ વ્યસન મુક્તિના અભિયાન પણ ચલાવવામાં આવે છે. આ વ્યસનની શરૂઆત પાનના ગલ્લાઓથી થતી હોય છે. પાનના ગલ્લા પર માવો ઘસીને ખાવો એ નજારો ગુજરાતમાં સામાન્ય બાબત છે. પણ રાજકોટના એરપોર્ટ રોડ પર એક એવો પાનનો ગલ્લો છે જે ભારતમાં સૌપ્રથમ એવો ગલ્લો હશે કે જેના દ્વારા અનોખું બીડું ઉપાડવામાં આવ્યું છે. આ પાનના ગલ્લાનું નામ છે કેન્સર પાન હાઉસ. આ ગલ્લાની થીમ કેન્સર આધારિત બનાવવામાં આવી છે. આ ગલ્લાના માલિક મોહિત પોપટના મિત્રનું વ્યસનના કારણે મોત નિપજ્યું હતું, જે મોહિતને દિલ પર લાગી આવ્યું હતું. જેને લઈને આ યુવકે શરૂ કર્યું આ કેન્સર પાન હાઉસ. કોઈ પણ આ ગલ્લે પાનનો માવો ખાવા આવે તે પહેલા આ ગલ્લામાં કામ કરતા લોકો દ્વારા ગ્રાહકને સમજાવે છે કે, આ ખાવાથી તમને કેન્સર થઇ શકે છે અને સાથે જ સ્વાસ્થ્યને નુકશાન ન થાય તેવા અવનવી ફ્લેવરના પાન અને ફાકી ખાવાનું કહેવામાં આવે છે. રાજકોટ ના આ યુવાને પાનની દુકાન ખોલી 20 લોકોને વ્યસન મુક્ત કર્યા છે.

આ અનોખા પાનના ગલ્લાની મુલાકાત મોટી સંખ્યામાં લોકો દિવસભર આવે છે. અહી તમાકુ અને સોપારીવાળા પાન-ફાંકી ગ્રહણ કરવા અને સિગરેટ ન પીવા માટે સલાહ આપવામાં આવે છે. લોકો પાન પાર્લરની આ કામગીરીને બિરદાવી રહ્યા છે. લોકો પણ કહે છે કે આ યુવાનની આ ઝુંબેશ ખૂબ જ સારી અને બિરદાવા લાયક છે.

આ પાનપાર્લર વિશે પાન ગલ્લાના માલિક મોહિત પોપટે કહ્યું કે, કેન્સર નાબૂદી માટેના યુવાનની આ ઝુંબેશમાં વધુમાં વધુ લોકો જોડાય અને વ્યસન છોડે તે અતિઆવશ્યક છે. કારણ કે, વ્યસનને લીધે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો તેની સાથે તેનો પરિવાર પણ ભાંગી પડે છે. ત્યારે 5૦૦ વ્યક્તિને વ્યસન મુક્ત કરાવવાનું સપનું સેવીને બેઠેલા આ યુવાનની ઝુંબેશ કેટલી સફળ રહે છે તે જોવું રહ્યું.

(4:53 pm IST)