Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

વોર્ડ નં.૧૩ના ગુરૂપ્રસાદ વિસ્તારની વોર્ડ ઓફિસને તાળાબંધી કરતા કોંગી કોર્પોરેટરઃ કોંગ્રેસનો આશ્ચર્યજનક કાર્યક્રમ

વેરો ભરવામાં કરદાતાઓને જબરી મુશ્કેલીઃ સ્ટાફના અભાવે વેરા સહિતની કામગીરી ઠપ્પઃ લોક રોષ

રાજકોટ,તા.૩:  મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કાર્પેટ એરિયા મુજબ વેરા પધ્ધતિના અમલ સાથે જ વોર્ડ ઓફિસે વેરા લેવાથી માંડી વાંધા અરજી સ્વીકારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પરંતુ વોર્ડ નં.૧૩ની ઓફિસે સ્ટાફના વાંકે મુશ્કેલી થતી હોય આ અંગે કોંગી કોર્પોરેટર દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. આમ છતા આ સમસ્યા નહિ ઉકેલાતા  આજે સવારે શહેરના ગુરૂપ્રસાદ ચોકમાં આવેલ વોર્ડ નં.૧૩ની વોર્ડ ઓફિસે કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરની આગેવાનીમાં  ઓફિસને તાળા બંધી કરી અને તંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો.

આ અંગે  જાગૃતિબેન ડાંગરે તંત્ર વાહકો સામે રોષ વ્યકત કરતાં એક યાદીમાં જણાવ્યું છે કે, વોર્ડ નં. ૩ ની વોર્ડ ઓફીસને તાળાબંધી કરવામાં આવી હતી કેમ કે છેલ્લા ચાર દિવસથી તંત્રને અને કમીશનરશ્રીને રૂબરૂ રજૂઆત કરાઇ હતી કે, સ્ટાફની અછતને  કારણે વેરા સહિતની કામગીરી ઠપ્પ થઇ ગઇ છે પરંતુ આમ છતાં વધારાનો સ્ટાફ નથી મુકતા લોકોને ફકત ટોકન આપી ને વોર્ડ ઓફીસે થી રવાના કરી નંખાય છે. અંતે લોકોની ધીરજ ખૂટતા લોકો હેરાન ન થાય અને તાળુ જોઇને લાઇનમાં ઉભા ન રહે એ માટે આજે સવારે તાળાબંધી કરવામાં આવી હતી.

જેમાં આ વિસ્તારના લોકોએ સ્વયંભુ જોડાઇને તંત્ર સામે રોષ વ્યકત કરેલ. આ આશ્ચર્યજનક કાર્યક્રમમાં રવજીભાઇ ખીમસુરીયા, પ્રભાતભાઇ ડાંગર વગેરે આગેવાનો જોડાયા હતાં.

(3:11 pm IST)