Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

તાપ - ગરમી હજુ પીછો નહિં છોડે : પવનનું જોર રહેશે

ઉત્તર ભારત, ઓરીસ્સા, બંગાળ, દ. ભારતમાં છૂટોછવાયો હળવો વરસાદ ચાલુ રહેશે : ઈન્ડિયા લેવલે પણ ગરમીનું જોર વધુ જોવા મળશે : રવિવાર સુધી ગરમી યથાવત બાદ સોમથી બુધ આંશિક રાહત મળશે : અશોકભાઈ પટેલ : આવતીકાલે અને સોમ - મંગળ પવનનું જોર રહેશે : ઉત્તર પશ્ચિમ - દક્ષિણ પશ્ચિમ અને મુખ્યત્વે પશ્ચિમના પવન ફૂંકાશે

રાજકોટ, તા. ૩ : હાલ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ગરમીનો આતંક છવાયો છે. જો કે હજુ ગરમીથી રાહત મળવાની નથી. સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં હજુ ત્રણ દિવસ ગરમીનું જોર રહેશે. ત્યારબાદ સપ્તાહના આગલા ત્રણ દિવસોમાં ગરમીથી આંશિક રાહત મળશે. જયારે ઉત્તર ભારત, ઓરીસ્સા, બંગાળ, દ. ભારતમાં છૂટોછવાયો હળવો વરસાદ ચાલુ રહેશે. તો દેશભરમાં હજુ ગરમીનું મોજુ છવાયેલુ રહેશે. તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલએ ''અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું.

તેઓએ જણાવેલ કે ગત ૨૫મીની આગાહી મુજબ ગરમીનો પારો ૪૧ થી ૪૩ ડિગ્રી અને બાદ ૪૧ થી ૪૪ ડિગ્રીની રેન્જમાં આવી જશે એ અનુસંધાને ગત આગાહીના છેલ્લા બે દિવસથી ગુજરાતનું સૌથી ગરમ સેન્ટર ભાવનગર રહેલ. જયાં ગઈકાલે ૪૪ ડિગ્રી અને તેના આગલા દિવસે ૪૪.૧ સુધી તાપમાન પહોંચી ગયેલ. જે ભાવનગર માટે નોર્મલથી પાંચ ડિગ્રી ઉંચુ ગણાય. એટલે સિમીત વિસ્તારમાં હિટવેવ કહેવાય. બાકીના સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં હીટવેવ ન હતું. મહત્તમ તાપમાન નોર્મલથી બે થી ત્રણ ડિગ્રી ઉંચુ રહેલ. જેમ કે અમદાવાદ ૪૩ ડિગ્રી (નોર્મલથી બે ડિગ્રી ઉંચુ), રાજકોટ ૪૩ ડિગ્રી (નોર્મલથી ત્રણ ડિગ્રી ઉંચુ) અને સુરેન્દ્રનગર ૪૩.૪ ડિગ્રી નોંધાયેલ.

શ્રી અશોકભાઈ પટેલ તા.૩ થી ૯ મેની આગાહી કરતા જણાવે છે કે તા.૬ (રવિવાર) સુધી ગરમીનું જોર યથાવત રહેશે. ત્યારબાદ તા.૭, ૮, ૯ (સોમ, મંગળ, બુધ) દરમિયાન હાલમાં જે તાપમાન પ્રવર્તે છે તેના કરતા ૧ થી ૨ ડિગ્રીનો ઘટાડો થશે. ગરમ સેન્ટરોમાં પણ તાપમાન ઘટશે. પવનો મુખ્યત્વે પશ્ચિમના જે પૈકી કયારેક ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમના ફૂંકાશે. હજુ આવતીકાલે અને તા.૭, ૮ મેના પણ પવનનું જોર વધુ જોવા મળશે.

જયારે તા.૮,૯ના ઉપલાલેવલે સામાન્ય અસ્થિરતા જોવા મળે.

હાલમાં એમ.પી., રાજસ્થાન, મહારાષ્ટ્રમાં ગરમ સેન્ટરો છે. જેથી તા.૬ થી આ ગરમીનો પટ્ટો થોડો પૂર્વ તરફ સરકશે. જેથી ઓરીસ્સાનો લાગુ રાજયોમાં તા.૭, ૮, ૯ ગરમી વધશે. જયારે ઉત્તર ભારત, ઓરીસ્સા, બંગાળ, દક્ષિણ ભારતમાં છૂટોછવાયો હળવો વરસાદ ચાલુ રહેશે.

(1:01 pm IST)