Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd April 2024

મતાધિકારને હળવાશથી ન લેવો જોઇએ : કલેકટર દેશ માટે રમવુ - મત આપવો એ ગૌરવની બાબત : ચેતેશ્વર

રાજકોટ તા. ૩ : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્‍વીપ અંતર્ગત વોટીંગ પ્રીમિયર લીગ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ઇલેક્‍શન આઈકોન આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટર શ્રી ચેતેશ્વર પુજારા સાથે વિવિધ શાળા, કોલેજોના યુવા મતદારોએ ગોષ્ઠિ કરી હતી. ઈમ્‍પીયરીયલ પેલેસ હોટલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમના પ્રારંભે યુથ  આઇકોન પુજારા તથા મહાનુભાવોએ બેટ બોલનું કર્ટન રેઝર કરી પ્રતીક રૂપે ‘વોટીંગ પ્રીમિયર લીગ'નો પ્રારંભ કરાવ્‍યો હતો.

કલેક્‍ટરશ્રી પ્રભવ જોશીએ સૌ ઉપસ્‍થિતોને આ ઉમદા કાર્યમાં યોગદાન અને પ્રોત્‍સાહન આપવા માટે બિરદાવ્‍યા હતાં તેમજ યુવા મતદારોને સંબોધતા કહ્યું હતું કે, મતાધિકારને ‘ટેકન ફોર ગ્રાન્‍ટેડ'  અને હળવાશથી લેવો ન જોઈએ. આપણા દેશની જીવંત લોકશાહીને લીધે આપણને સૌને આ અધિકાર પ્રાપ્ત થયો છે. આ અધિકાર પ્રત્‍યે જાગ્રત થઈને આપણે સૌએ અચૂક મતદાન કરવું જોઈએ.

‘વોટીંગ પ્રીમિયર લીગ-વોટકા દમ વિથ ચેતેશ્વર પુજારા' કાર્યક્રમમાં વિવિધ કોલેજના વિદ્યાર્થીઓએ પ્રથમ વખત મતદાન સમયે બુથની જાણકારી, વોટર આઇ.ડી. મળ્‍યું ન હોય તો વોટિંગ કરી શકાય?, મતદારને હેલ્‍પ થઈ શકે તે માટે ઉપયોગી એપ્‍સ, પ્રથમ વખતનો મતદાનનો અનુભવ, મતદાનના આઇ.ડી.માં ફેરફાર તથા બોર્ડર પર ફરજ બજાવતા સૈનિકો કઈ રીતે વોટ આપે છે, તેવા વિવિધ પ્રશ્નો ઇલેક્‍શન આઈકોન શ્રી ચેતેશ્વર પુજારા તથા કલેક્‍ટરશ્રી - રાજકોટને પૂછયા હતા. આ પ્રશ્નોના પ્રત્‍યુતરમાં કલેકટરશ્રીએ વોટર હેલ્‍પલાઇન, સક્ષમ,  નો યોર પોલિંગ સ્‍ટેશન જેવી એપ્‍લિકેશન તથા  સર્વિસ વોટરના બેલેટ મતદાન વગેરે વિશે માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં ધોળકિયા શાળાના બાળકો દ્વારા ઇલેક્‍શન એન્‍થમ ‘મેં ભારત હું.. ભારત હૈ મુજ મે' ગીત પર કઠપૂતળી રૂપે નળત્‍ય પ્રદર્શન કરી મતદાનના મહત્‍વને સમજાવ્‍યું હતું. આ તકે દિવ્‍યાંગ આઈકોન શ્રી શૈલેષભાઈ પંડ્‍યા તથા થર્ડ જેન્‍ડર આઇકોન રાગીણીબેન પણ જોડાયા હતા. સૌ ઉપસ્‍થિતોએ મતદાન કરવાના શપથ લીધા હતા.

    ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમમાં પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ, પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગવ્‍હાણે, અધિક નિવાસી કલેટરશ્રી ચેતન ગાંધી, ડેપ્‍યુટી મ્‍યુનિસિપલ કમિશ્નરશ્રી સ્‍વપિ્નલ ખરે, અધિક કલેકટર અને સ્‍વીપના નોડલ ઓફિસરશ્રી જીજ્ઞાસા ગઢવી,  જિલ્લા પૂરવઠા અધિકારીશ્રી રાજેશ્રી વંગવાણી, પ્રાંત અધિકારીશ્રી ચાંદની પરમાર,  જિલ્લા રમતગમત અધિકારી શ્રી વી.પી.જાડેજા,  ક્રિકેટ રસિકો ઉપસ્‍થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન રેડ એફ.એમ અને રાજકોટની રાણી તરીકે પ્રખ્‍યાત આર.જે. ઈશિતા દ્વારા કરવામાં આવ્‍યું હતું.

(4:15 pm IST)