Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

બાંધકામ શ્રમિકોની વ્હારે રાજકોટના બિલ્ડરો : અનાજકીટ વિતરણ

રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન દ્વારા ૨૫ હજાર અનાજની કિટનું વિતરણ : મુખ્યમંત્રી રાહતફંડમાં પોણા બે કરોડનું અનુદાન

રાજકોટ : બાંધકામ ક્ષેત્રે રાજકોટ હંમેશા અગ્રેસર રહ્યુ છે તેવી જ રીતે આ આપત્તિના સમયે રાજકોટના તમામ બિલ્ડરો એક જૂટ બની બાંધકામ શ્રમિકોની વ્હારે ચડ્યા છે. આશરે ૧૧ હજાર અનાજની કીટનું વિતરણ રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન દ્વારા થઈ ચૂકયુ છે. તેમજ હજુ વધુ ૧૫ હજાર કીટ તૈયાર કરવાની કામગીરી ચાલુ છે. કુલ ૨૫ હજાર કીટ અનાજની વિતરણ કરવામાં આવશે.

રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન ટીમના પ્રમુખ શ્રી પરેશભાઈ ગજેરાના નેજા હેઠળ રાત - દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે. આર.બી.એ.ના સભ્યો દ્વારા મુખ્યમંત્રી રાહતફંડમાં પણ આશરે પોણા બે કરોડનું ભંડોળ આપેલ છે.

શ્રમિકોને બે કિલો ચોખા, બે કિલો ઘઉં, બે કિલો બટેટા, તેલ, ચણાની દાળ, ડંુગરી સહિતની અનાજકીટનું વિતરણ કાર્ય કરવામાં આવી રહ્યુ છે.

આ સેવાકાર્યમાં સર્વશ્રી પરેશ ગજેરા, ભરત પટેલ, દિલીપ લાડાણી, ધ્રુવિક તળાવીયા, સુજીત ઉદાણી, અમિત રાજા, અમિત ગોબડીયા, જીતુ કોઠારી, રણધીર જાડેજા, નીરજ ભીમજીયાણી, આશિષ ટાંક, અનિલ રાઠોડ, આશિષ મહેતા, વાય.બી. રાણા, નિમીષ પટેલ, રાજદીપ જાડેજા, સમીર ગામી, વિક્રાંત શાહ, શૈલેષ શીંગાળા, ચેતન રોકડ, રૂષિત ગોવાણી, ગોપી પટેલ, હાર્દિક શેઠ, પાર્થ તળાવીયા, આદિત્ય લાખાણી, ચિરાગ લાખાણી, કિશન કોટેચા, મીહીર મણીયાર, રાજેન્દ્ર સોનવાણી જોડાયા છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અપીલને ધ્યાને લઈ આર.બી.એ. દ્વારા તમામ સાઈટ પર મીણબત્તીનું વિતરણ કરી દરેક બાંધકામની સાઈટ પર રવિવારે રાત્રે ૯ કલાકે મીણબત્તી પ્રગટાવાશે. આર.બી.એ. અને કોન્ટ્રાકટર એસો.નો સહયોગ મળેલ હોવાનું જણાવાયુ છે. પ્રસ્તુત પ્રથમ તસ્વીરમાં અનાજની કીટ તૈયાર કરી રહેલા શ્રમિકો, બાજુની તસ્વીરમાં રાજકોટ બિલ્ડર્સ એસો.ના પ્રમુખ પરેશ ગજેરા, શ્યામલ ગ્રુપના અમિત ત્રાંબડીયા નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:29 pm IST)