Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ગરીબોની મશ્કરી ન કરો, મુખ્યમંત્રી માફી માંગે

અનેક રાશનકાર્ડ ધારકોને રાશન અપાતુ નથી, સરકાર પાસે પુરતો જથ્થો ન હોય તો વ્યવસ્થા કરવી જોઈએઃ ઈન્દ્રનિલ રાજયગુરૂ

રાજકોટ,તા.૩: રાજય સરકાર દ્વારા ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને ભારે મુશ્કેલી સર્જાતી હોય અનેક લોકોને અનાજ પણ મળતું ન હોય આજે ઈન્દ્રનિલ રાજયગુરૂ અને તેના કાર્યકરો દ્વારા કલેકટર કચેરીએ ધરણાનો કાર્યક્રમ રાખેલ હતો. પરંતુ આ કાર્યક્રમ યોજાય એ અગાઉ જ તેની અટકાયત કરવામાં આવી હતી. આ તકે ઈન્દ્રનિલ રાજયગુરૂએ જણાવ્યું હતું કે ગરીબોની મશ્કરી બંધ કરવા અને રાશનકાર્ડ ધારકોને પુરતુ અનાજ આપવા નિવેદનમાં જણાવ્યું હતું.

શ્રી રાજયગુરૂએ જણાવેલ કે મુખ્યમંત્રીશ્રી દ્વારા ખોટી- ખોટી જાહેરાતો કરી જનતાને ભરમાવવામાં આવે છે. ગરીબો રાશનની દુકાનોએ જાય છે. પરંતુ વિલા મોઢે પરત ફરે છે. અનેક લોકોને તો રાશન મળતું નથી. તો અમુક લોકોને પુરતી વસ્તુઓ આપવામાં આવતી નથી.

સરકાર પાસે અનાજનો પુરતો જથ્થો ન હોય તો પુરતી વ્યવસ્થા કરવી જોઈએ. આવા કપરા સમયે રાજકીય રોટલા સેકવા ન જોઈએ. મસમોટી જાહેરાતો કરી ગરીબોની મશ્કરી ન કરવી જોઈએ. અને જનતાની માફી માંગવી જોઈએ.

આવા કપરા સમયમાં રાજનીતિને નેવે મુકી સૌએ  એકસાથે સેવાના કાર્યોમાં ભેદભાવ વગર કામે લાગી જવું જોઈએ. તેમ ઈન્દ્રનિલ રાજયગુરૂએ અંતમાં જણાવ્યું છે.

(4:28 pm IST)