Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

પોલીસના લોગોવાળુ ટીશર્ટ અને ખાખી પેન્ટ પહેરી નિકળેલા મહાશય સામે ગુનો

રામનાથપરા મેઇન રોડ પર બનાવઃ લોકડાઉનમાં પોલીસ રોકે નહી તેથી આ પહેરવેશ ધારણ કર્યાનું હીતેન્દ્રસિંહનું રટણ

રાજકોટ તા. ૩ :.. શહેરના રામનાથપરા મેઇન રોડ પરથી લોકડાઉનમાં પોલીસ રોકે નહીં તેથી પોલીસના લોગોવાળુ સફેદ ટીશર્ટ અને ખાખી પેન્ટ પહેરીને બાઇક પર નીકળેલા વ્યકિતને એ. ડીવીઝન પોલીસે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનરની સુચનાથી ડીસીબી રવીમોહન સૈની, એસીપી ટંડેલ તથા એ. ડીવીઝન પોલીસ મથકના પીઆઇ સી. જી. જોશી સ્ટાફ સાથે લોકડાઉન અંતર્ગત રામનાથપરા મેઇન રોડ પર પેટ્રોલીંગ અને વાહન ચેકીંગમાં  હતાં. ત્યારે ગરૂડ ગરબી ચોક પાસેથી બાઇક લઇને પસાર થતા એક બાઇક ચાલકને રોકીને 'કયાં જાવ છો, અને તેનું નામ પુછતા' તેણે પોતાનું નામ હીતેન્દ્રસિંહ ગગુભા જાડેજા (ઉ.૪પ), (રહે. પુનીતનગર હાઉસીંગ બોર્ડ કવાર્ટર નં. ર૧૯ ગોંડલ રોડ) નામ આપ્યું હતું. તેણે સફેદ કલરનું પોલીસના લોગો વાળુ ટી-શર્ટ અને ખાખી પેન્ટ પહેર્યુ હતું. પોલીસે તે પહેરવેશ જોઇને તેને 'કયાં નોકરી કરો છો' તેમ પુછતા તે એક અખબારમાં નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું.

અને તેની પાસે કોઇ આધાર પુરાવા ન હોઇ અને ગુજરાત પોલીસના લોગો વાળુ સફેદ ટીશર્ટ અને ખાખીપેન્ટ પહેરી પોતે રાજય સેવક ન હોવા છતાં રાજય સેવકની ઓળખ ઉભી કરીને નીકળતા પોલીસે તેની ધરપકડ કરી પીએસઆઇ વી. એમ. ડોડીયાએ તપાસ હાથ ધરી છે.

(3:49 pm IST)