Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

રૂ. બે લાખ પ૦ હજારના ચેક રિટર્નના ગુન્હામાં કારખાનેદારને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

રાજકોટ તા. ૩: રાજકોટ શહેરમાં વિજય પ્લોટમાં રહેતા બટુક મગનભાઇ ડાભીએ ફરીયાદી માધવ ફાઇનાન્સ પાસેથી લીધેલ લોનની રકમ રૂ. ર,પ૦,૦૦૦/- અદા કરવા ઇસ્યુ કરી આપેલ ચેક રીટર્ન થતા માધવ ફાઇનાન્સના પ્રોપરાઇટર સંજય હંસરાજભાઇ ગોહીલે રાજકોટની અદાલતમાં દાખલ ચેક રીટર્ન કેસ ચાલી જતા રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી. એ આરોપીને એક વર્ષની સજા તથા રૂ. ર,પ૦,૦૦૦/- ફરીયાદીને વળતર પેટે એક માસમાં ચુકવવા અને તેમાં કસુર કર્યે વધુ  માસની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો, ગાયત્રીનગર રોડ પર ત્રીશુલ ચોક પાસે માધવ ફાઇનાન્સના નામે ધંધો કરતા સંજય હંસરાજભાઇ ગોહીલે તેના જ મિત્ર કે જે ગોંડલ રોડ પર સુર્યકાંત હોટલ પાછળ વીજય પ્લોટમાં રહેતા બટુક મગનભાઇ ડાભી વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં એ મતલબની ફરીયાદ દાખલ કરેલ કે આરોપી તથા ફરીયાદી મિત્ર હોય અને આરોપીને જોબવર્કના કામ કરવામાં મુડીની આવશ્યકતા ઉભી થતા ફરીયાદી માધવ ફાઇનાન્સ પાસેથી રૂ. ર,પ૦,૦૦૦/- ની લોન લીધેલ જે લોન રીપેમેન્ટ કરવા ફરીયાદી ફાઇનાન્સ જોગ આરોપીએ ઇસ્યુ કરી આપેલ ચેક રીટર્ન થતા તે સબંધે ડીમાન્ડ નોટીસ પાઠવવા છતાં ફરીયાદી ફાઇનાન્સ કંપનીનું કાયદેસરનું લેણું અદા ન કરતા આરોપી વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવેલ.

કોર્ટે રેકર્ડ પરના રજુ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓને સમગ્રપણે ધ્યાને લેતા ફરીયાદ પક્ષની હકીકતોને સોગંદ પરના પુરાવાથી દસ્તાવેજી પુરાવાને સંપુર્ણપણે સમર્થન મળે છે. ફરીયાદવાળો ચેક આરોપીએ કાયદેસરના દેવાની ચુકવણી પેટે આપેલ હતો તેવી હકીકત રેકર્ડ ઉપરના પુરાવાથી પુરવાર થયેલ છે તેમજ ચેક રીટર્ન થયા બાદ નોટીસ આપ્યા બાદ કે કેસ દાખલ થયા બાદ પણ વિવાદી ચેકની રકમ ફરીયાદીને ચુકવેલ હોવાનું પુરવાર થતું નથી ફરીયાદીએ એન.આઇ. એકટના તમામ આવશ્યક તત્વો પુરવાર કરેલ છે તેમજ ચેક આપેલ નહીં હોવાનું કે ચેકમાં પોતાની સહી નહીં હોવાનો આરોપીનો બચાવ નથી, આરોપીએ લીધેલ બચાવ શંકાસ્પદ જણાય છે, ફરીયાદ પક્ષના પુરાવાનું ખંડનો કરતો ખંડનાત્મક પુરાવો આરોપી રેકર્ડ પર લાવવામાં સફળ થયેલ નથી ત્યારે ફરીયાદીનો કેસ પુરવાર માની આરોપીને તકસીરવાન ઠેરવી આરોપીને એક વર્ષની સજા ઉપરાંત ચેકની રકમ ચેક માસમાં ફરીયાદીને વળતર પેટે ચુકવવા અને તેમાં કસુર કર્યે વધુ છ માસની સજા ફરમાવતો સમાચીન્હરૂપ ચુકાદો ફરમાવવામાં આવેલ હતો.

ઉપરોકત કામમાં ફરીયાદી માધવ ફાઇનાન્સના પ્રોપરાઇટર સંજય ગોહીલ વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા રોકાયેલ હતા.

(3:49 pm IST)