Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

સીવીલ હોસ્પિટલના લાભાર્થે કાલે મારૂતીનગરમાં અને સોમ-મંગળ તમામ ફાયર સ્ટેશનો પર રકતદાન કેમ્પ

તા. ૮ ના બુધવારે કોઠારીયા ગામમાં પણ આયોજન : વર્તમાન સ્થિતી ધ્યાને લઇ વધુને વધુ સંખ્યામાં રકતદાન કરવા શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપનો અનુરોધ : તમારા વિસ્તારમાં ૨૦-૨૫ લોકો તૈયાર કરો તો ટીમ ત્યાં કેમ્પ કરવા આવશે

રાજકોટ તા. ૩ : સીવીલ હોસ્પિટલના લાભાર્થે શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપ દ્વારા કાલે તા. ૪ ના તેમજ તા. ૬ અને ૭ ના જુદા જુદા સ્થળોએ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપની યાદીમાં જણાવ્યા મુજબ સીવીલ હોસ્પિટલના ૪૫૦ થેલેસેમીયાગ્રસ્ત બાળકો, કેન્સર, કીડનીના દર્દીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારના જરૂરીયાતમંદ દર્દીઓને બ્લડ મળી રહે તે હેતુથી તેમજ અત્યારની કપરી પરીસ્થિતીમાં જયારે બ્લડની ખુબ જરૂરીયાત ઉભી થઇ છે ત્યારે આ સેવા ગ્રુપે છેલ્લા ૧૫ દિવસમાં સ્વૈચ્છિક રકતદાતાઓ તથા રકતદાન કેમ્પો થકી ૭૦૦ જેટલી બોટલ સીવીલ બ્લડ બેંક તેમજ રેકડક્રોસ બ્લડ બેંક માટે એકત્ર કરેલ છે.

સીવીલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. મહેન્દ્ર ચાવડાના પ્રયાસોથી સોસાયટી તથા એપાર્ટમેન્ટમાં સવાર સાંજ રકતદાન કેમ્પોના આયોજન કરી શકાશે. ર૦ થી ૨૫ રકતદાતાઓ તૈયાર થયા હોય ત્યાં સીવીલ બ્લડ બેંકના પેથોલોજીસ્ટ ડોકટર્સની ટીમ આવીને રકત એકત્ર કરી જાશે. આ  માટે શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપના વિનય જસાણી મો.૯૪૨૮ર ૦૦૬૬૦નો સંપર્ક કરી શકાશે.

આ રકતદાન કેમ્પો માટે સીવીલ બ્લડ બેંકના એમ. ડી. ડો. પારૂલબેન વેકરીયા અને ડોકટર્સની ટીમ તથા ઉપેનભાઇ મોદી, સતિષભાઇ સાગઠીયા, પરેશભાઇ ચુડાસમા, અરવિંદભાઇ ગોહીલ, જયદેવ શાહ, કલ્પેશભાઇ ગમારા, ધવલ સુથરીયાનો સહકાર મળી રહ્યો છે.

દરમિયાન હાલ રકતની જરૂરીયાત ધ્યાને લઇ કાલે તા. ૪ ના શનિવારે સવારે ૯.૩૦ થી ૧.૩૦ મારૂતીનગર, શેરી નં. ૩, એરપોર્ટ ફાટક પાસે તેમજ સાંજે પ થી ૯ ઇગલ રેસીડેન્સી, ગોવર્ધન ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે રકતદાન કેમ્પ યોજેલ છે.

તેમજ તા. ૬ ના સોમવાર અને તા. ૭ ના મંગળવારે શહેરના તમામ ફાયર સ્ટેશનો જેમ કે રામાપીર ચોકડી, ૧૫૦ ફુટ રીંગ રોડ તેમજ કાલાવડ રોડ તેમજ મવડી રોડ તેમજ કનક રોડ તેમજ કોઠારીયા રોડ તેમજ બેડીપરા તેમજ ઇ.આર.સી. રેલનગર ફાયર સ્ટેશન ખાતે સવારે ૮ થી ૨ અને સાંજે ૫ થી ૯ રકતદાન કેમ્પ યોજેલ છે. સ્વૈચ્છિક રકતદાન કરવા ઇચ્છુકોએ મોટી સંખ્યામાં આગળ આવી માનવતાનું ઉદાહરણ પુરૂ પાડવા શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપ (મો.૯૭૩૭૦ ૪૭૧૦૧) ની યાદીમાં જણાવાયુ છે.

(3:48 pm IST)